Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
જૈન શાસ્ત્રો, મનુસ્મૃતિ, ગીતા, ભાગવત, રામાયણ તથા અન્ય ધર્મના ગ્રંથોમાં લખ્યું છે કે આત્માના ગુણોના વિકાસ માટે સાદાઈ, સંયમ, ત્યાગ કેળવી આગળ વધે તેટલી જીવનમાં સફળતા મળી શકે.
કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં બહેનો કામ ન કરી શકે. સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે. વિનોબાજીએ ‘સ્ત્રીશક્તિ’ પુસ્તક લખ્યું છે. તે દરેક બહેનોએ અવશ્ય વાંચવું જોઈએ. અને તે મુજબ પોતાના જીવનમાં આચરણ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
બહેનો રાજ્ય ચલાવી શકે છે, યુદ્ધ કરી શકે છે અને સમાજને સુવ્યવસ્થિત પણ બનાવી શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અદ્ભૂત શૌર્ય બતાવી દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું. અશોકના પુત્રી સંઘમિત્રાએ ધર્મના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) વગેરે દૂર દેશાવરોમાં ફરી પોતાનું સારુંયે જીવન વીતાવ્યું. મહારાણી વિક્ટોરીયાએ બુદ્ધિકૌશલ્યથી રાજ્ય ચલાવ્યું. વર્તમાનકાળમાં શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત, શ્રીમતિ ઇંદિરાબેન ગાંધી વગેરે દેશની સ્વતંત્રતા અને આબાદી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પૂજ્ય શંકરાચાર્યજી અને મંડન મિશ્રની ધાર્મિક ચર્ચામાં છેવટે મંડન મિશ્ર હારી જાય છે ત્યારે મંડન મિશ્રની સ્ત્રી ભારતીદેવીએ કહ્યું કે પત્ની એ પતિનું અર્લીંગ છે અને એ દૃષ્ટિએ મારી સાથે શાસ્ત્રાર્થમાં જીત્યા પછી જ આપની જીત ગણી શકાય. ત્યારબાદ તત્ત્વની ચર્ચામાં ભારતીદેવીએ અધ્યાત્મ અને અનુભવજ્ઞાનથી શ્રી શંકરાચાર્યજીને પણ વિચાર કરતાં કરી મૂક્યા હતા.
આ ઉપરાંત સતી સાવિત્રી, સતી દમયંતી, ચંદનબાળા અને અન્ય સતીઓના જીવન આપણને ખૂબ જ પ્રેરણા આપી જાય છે. આપણે સહુ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવા પ્રયત્ન કરીશું તો ખરેખર જીવન ધન્ય બની જશે.
આ સમયે સાદાઈ, સંયમ, સહનશીલતા અને ત્યાગની ખૂબ જ જરૂર છે અને તો જ અત્યારના ભૌતિક વાતાવરણમાં સુખ અને શાંતિ મેળવી શકાશે. જીવનની સફળતા ઇચ્છતી દરેક વ્યક્તિએ સાદાઈને સ્થાન આપવું જ પડશે. પારમાર્થિક માર્ગે વળવું જ પડશે.
મહાત્મા ગાંધીજીએ બહેનોને સંબોધતા એક પ્રવચનમાં કહ્યું હતું કે ‘જો તમે
૨૬૬
પરિશિષ્ટ-પ
કોઈ પણ લાલચમાં ન સપડાવ, તમારું જીવન બિલકુલ સાદું અને સંયમી હશે, બહારના મોજશોખને સ્થાન નહીં આપો, ત્યાગ, સાદાઈ અને સહનશીલતાના ગુણો કેળવશો તો તમારે કોઈપણ વાતથી - વાતાવરણથી ગભરાવાની જરૂર નથી. માટે નિર્ભય બનો.’
આગળ બોલતા પૂજ્ય સાધ્વીજીએ કહ્યું કે તમારા ગૃહસ્થાશ્રમ જીવનમાં પણ સહનશીલતા, ગંભીરતા, પારમાર્થિક વર્તન, વ્યાવહારિક આવડત, સંયમ, ત્યાગ અને સાદાઈને જેટલા પ્રમાણમાં અપનાવશો તેટલા પ્રમાણમાં શાંતિ અને સફળતા મળશે. જીવન જીવવાની આ જ કળા છે. આ કળા જેણે હસ્તગત કરી લીધી તેણે પોતાનું જીવન સાર્થક કર્યું સમજવું.
એક ફારસી કવિએ કહ્યું છે કે જીવન જીવવાની કળા જેને આવડી આધ્યાત્મિક માર્ગે વળી, જેણે પોતાના આત્મા તરફ સર્વ શક્તિ કેન્દ્રીત કરી, તેને પછી બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.
મહાત્મા ગાંધીજીના પ્રવચનનો એક દાખલો ટાંકતા પૂજ્ય સાધ્વીજીએ કહ્યું કે માતાની જવાબદારી સૌથી વધુ છે. તે દુનિયાને મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ અને મહાત્મા ગાંધીજી જેવા મહાત્માઓની ભેટ આપી શકે છે. પરંતુ તે મહાત્માઓના જીવનમાં સૌથી અગત્યનો ભાગ ભજવનાર, તેમના સાત્ત્વિક અને આધ્યાત્મિક જીવનમાં પ્રાણ પૂરનાર તેમની જનેતા-માતા જ હતી. એટલે માતા એ જ શિક્ષણ અને સુસંસ્કારની સર્વોચ્ચ યુનિવર્સિટી છે.
આપણે સહુ એક જ ઈશ્વરના સંતાન છીએ. આપણી વચ્ચે કાંઈ પણ ભેદભાવ, સંકુચિતતા, પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિ અને ધર્મભેદને ફગાવી દઈ સર્વ જગ્યાએ એકતા સ્થાપીને ‘વસુધૈવ કુટુંબકમ્’ને આપણા જીવનનો આદર્શ મંત્ર બનાવીએ.
બહેનોને સંબોધતા એમણે કહ્યું કે ધાર્મિક વાંચન, મનન અને શ્રવણ માટે વધુ નહીં તો ઓછામાં ઓછું દિવસમાં અડધો કલાક જેટલો સમય પણ કાઢો. હંમેશ નિયમિત પ્રાર્થના કરો. પ્રાર્થના એ તો જીવનનું સહુથી મહત્ત્વનું અંગ છે. પ્રાર્થનાથી જ આપણે ઈશ્વર સાથે - આત્મા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરી શકીશું. પ્રાર્થનાથી જ આપણે વિશ્વશાંતિ સ્થાપવામાં ફાળો આપી શકીશું.
૧૩