Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ ચાતુર્માસ તો આત્માની ખેતી છે, તેને બદલે આવો કલહ-કંકાસ ? આથી સાધ્વીજીએ ચાતુર્માસની ના પાડી. અંતે જૈન અગ્રણી શ્રી શાદીલાલજી એમની પાસે આવ્યા અને કહ્યું કે અમારી તીવ્ર ભાવના છે, વિનંતી છે. આપ અહીં ચાતુર્માસ કરો. અમે સુલેહ-સંપથી સાથે મળીને આરાધના કરવાની ખાતરી આપીએ છીએ. અંતે સાધ્વીજીએ આદેશ આપ્યો, ત્યારે શાદીલાલજીએ કહ્યું - આપ શ્વેતાંબર સાધ્વી છો. કહો તો આપને માટે અહીં એક મંદિર બનાવી આપીએ.”
સાધ્વીજીએ ચોખ્ખી ના પાડી. પોતાને કારણે વિખવાદ થાય કે કોઈ ક્લેશ જાગે, તે એમને મંજૂર નહોતું. એમણે સહજ રીતે કહ્યું, ‘નજીકમાં મંદિર આવેલું છે, અમે ત્યાં જઈશું.’
આમ પોતાને કારણે કોઈ પ્રકારનો સાંપ્રદાયિક વિખવાદ થાય નહીં, તેની તેઓ અહર્નિશ જાગૃતિ રાખતા અને એમનાં ચરણ જ્યાં પડે, ત્યાં વાતાવરણ હર્યુંભર્યું થઈ જતું. શ્રીસંઘના વિવાદો શમી જતા.
સાધ્વીજીએ સ્વયં દક્ષિણ ભારતના વિહાર સમયે દિગંબર તીર્થ મૂડબિદ્રીના જીર્ણોદ્ધારમાં આર્થિક સહયોગ આપવા માટે પણ પ્રેરણા આપી હતી. વૈષ્ણવ મંદિરોમાં કે આર્ય સમાજનાં ભવનોમાં તેઓ વ્યાખ્યાન આપતાં હતાં.
મહત્તરાજી માત્ર જૈનદર્શનના જ જ્ઞાતા નહોતા. તેઓ બૌદ્ધ, વૈદિક, ખ્રિસ્તી, શીખ, ઇસ્લામ વગેરે ધર્મોની જાણકારી પણ ધરાવતા હતા. તેમનાં પ્રવચનોમાં ક્યારેય કોઈ અન્ય ધર્મની ટીકા સાંભળવા મળતી નહોતી, બકે અન્ય ધર્મ તરફ આદર અને સહિષ્ણુતાનો ભાવ દૃષ્ટિગોચર થતો હતો. આથી જ જૈનેતર ઉપાસકો તેમના વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવતા અને મહત્તરાજીની વ્યાપક દૃષ્ટિ અને સર્વતોમુખી જ્ઞાન જોઈને એમને પોતાનાં ધર્મસ્થાનોમાં વ્યાખ્યાનાર્થે નિમંત્રણ આપતા હતા. મહત્તરાજીની માન્યતા હતી કે મતમતાંતર, પૂર્વગ્રહ, કદાગ્રહ, તત્ત્વવાદની ખેંચતાણ કે તર્કવિતર્કના વિતંડાવાદમાં આત્મકલ્યાણ નથી. ખરેખર તો કષાય અને રાગદ્વેષ ત્યજી દેવાથી અને સમતાભાવ ધારણ કરવાથી આત્મકલ્યાણ થાય છે. ભગવાન મહાવીરની વાણીનું એ સૂત્ર એમના મનમાં સદૈવ ગુંજતું હતું, ‘સમયાએ સમણો હોઈ !'
સાધુતાની સુવાસ અર્થાત્ ‘સમતાથી-સમભાવથી સાધના કરનાર શ્રમણ બને છે.” (“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર').
મહત્તરાજી એક બાજુ સમાજસુધારાની હાકલ કરે, સાંપ્રદાયિક ભેદો મિટાવીને ભગવાન મહાવીરના ધ્વજ નીચે સહુને એક કરે અને ધર્મભાવના, શિક્ષણ અને આરોગ્યને માટે અનેક આયોજનો કરે, એવા મહત્તરાજી સાધુજીવનના ચરિત્રપાલનમાં અત્યંત ચુસ્ત હતા. ભગવાને સાધુતાનો કેવો ઉચ્ચ આદર્શ આપ્યો છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્રની એ ગાથા એમના સાધુજીવનપથની પગદંડી હતી. એમાં ભગવાન મહાવીરે કહ્યું,
'गुणेहिं साहू अगुणेहिंऽसाहू गेण्हाहि साहूगुण मुंचऽसाहू । वियाणिया अप्पगमप्पएणं जो रागदोसेहिं समो स पुज्जो ।।'
‘ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ-ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.’
ર૦ર