Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ક્યારેય પોતાના નામનું ગીત કે જય બોલાવવાની આજ્ઞા આપતા નહોતા. - સાધ્વીજીની વિહારયાત્રા જોઈએ તો ખ્યાલ આવશે કે ૬૦ વર્ષના આયુષ્યમાં ૪૮ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવનારા સાધ્વીશ્રીનો જન્મ સૌરાષ્ટ્રના રાજ કોટની પાસે સરધાર ગામમાં થયો હતો પરંતુ દીક્ષિત થયા બાદ પશ્ચિમ ભારતથી પૂર્વમાં કલકત્તા સુધી અને ઉત્તર-દક્ષિણમાં પણ એમની વિહારયાત્રો ચાલુ રહી. તેઓ ગુજરાતના હોવા છતાં પંજાબીઓ એમના પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા અને આજે પણ એટલી જ ભક્તિ ધરાવે છે. ગુરુની આજ્ઞા થાય એટલે ગમે તેટલો ઉગ્ર વિહાર હોય તોપણ એ આજ્ઞાને શિરોધાર્ય કરતા.
મહારાજીને વિહાર કરતી વખતે એક ગામથી બીજે ગામ જવાનો માર્ગ બતાવવા માટે અથવા તો સાધ્વીજીઓના રક્ષણ માટે કોઈ સાથીદાર કે ચોકીદાર મોકલવાનું સૂચન કરતું, તો તેઓ એનો સ્પષ્ટ ઇન્કાર કરતા. તેઓ કહેતા કે અમે અભયના ઉપાસક છીએ, નિર્ભય છીએ, ક્યાંય લેશમાત્ર ડર દેખાતો નથી. અમારી જાતે જ અમારો માર્ગ શોધીશું. વિહારમાં કોઈ પુરુષ અમારી સાથે ચાલતા હોય, તે અમને પસંદ પડતું નથી.
સાધ્વીજીમાં સહુને નારીશક્તિનો પ્રભાવ જોવા મળતો. સ્ત્રી અબળા નથી, શક્તિહીન નથી કે પરતંત્ર નથી, એ વાત સાધ્વીજીએ સ્વજીવન દ્વારા પ્રત્યક્ષરૂપે સિદ્ધ કરી બતાવી. ‘ન ર યસ્ય તિ નારી' અર્થાતુ ‘જેનું કોઈ દુશ્મન નથી તે નારી’ - આવી નારી શબ્દની વ્યાખ્યા તેઓશ્રી આપતા હતા.
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું હતું કે, ‘સાધ્વી સંસ્થા અંગે મુનિરાજોમાં જે ઉપેક્ષાવૃત્તિ સેવવામાં આવે છે તે હું સમજી શકતો નથી. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એ સંઘ પૂજ્ય છે, તેમાં સાધ્વીજીઓને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પછી એમના વિકાસ માટે અવરોધો ઊભા કરવા એ કોઈ રીતે ઉચિત નથી, દુ:ખની વાત છે કે સાધ્વીઓ વ્યાખ્યાન આપે કે કોઈ શાસ્ત્રની પ્રવૃત્તિ કરે તો તેનો મુનિરાજો તરફથી વિરોધ કરવામાં આવે છે. આવો વિરોધ આ યુગમાં ચાલી શકે તેમ નથી, સિદ્ધાંતના નામે પણ આમ કરવું બરોબર નથી. મુંબઈમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ કેવું સારું કામ કર્યું છે !”
કરુણામયી કર્મયોગિની - ગુરુ ગોવિંદસિંહના બે વીર બાળકોને જે ગામમાં દીવાલમાં મુસ્લિમોએ ચણી દીધા હતા તે પંજાબની પ્રાચીન ઐતિહાસિક વીરભૂમિ સરહંદમાં શાસનદેવી ચક્રેશ્વરી દેવી માતાનું પ્રાચીન, ચમત્કારિક અને ઐતિહાસિક મંદિર હતું. આ મંદિરમાંથી થોડા સમય પૂર્વે જ આતંકવાદીઓ મંદિરનાં આભૂષણની ચોરી કરી લઈ ગયા હતા. ચોતરફ ડર અને દહેશતનું વાતાવરણ હતું. આ નિર્જન સ્થળ સહેજે સુરક્ષિત નહોતું. ગામના કાર્યકર્તાઓએ સાધ્વીજીને સવિનય આગ્રહભરી વિનંતી કરી કે અહીં રહેવા જેવું નથી, ત્યારે નીડર સાધ્વીજી પોતાની શિષ્યાઓ સાથે સતત ત્રણ દિવસ સુધી મંદિરમાં રોકાયા. એમાં પણ એક રાત્રે આંધી, તોફાન, વાદળાંઓની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વીજળી ચાલી ગઈ અને વૃક્ષો પડી ગયા. યાત્રાળુઓ ભયભીત બની ગયા. સહુ મહત્તરાજી પાસે આવ્યા, ત્યારે તેઓ હસતાં હસતાં સહુનો ઉત્સાહ વધારી રહ્યા અને થોડીવારમાં આંધી અને વરસાદ શાંત થઈ જતાં સધળે આનંદ વ્યાપી ગયો.
તેઓશ્રીની નિર્ભિકતા અને જાગૃતિની એક વિશેષ ઘટના જોઈએ. પૂ. સાધ્વીજીના પેટમાં ભરાઈ ગયેલું પાણી કાઢવાની સારવાર ચાલતી હતી, તે દરમિયાન પણ તેઓ પોતે ડૉક્ટર સાથે ખૂબ સ્વસ્થતાથી વાતો કરતા રહ્યા. કોઈને ખ્યાલ પણ ન આવે કે તેમને કોઈ તકલીફ છે. આ જોઈને સ્વયં ડૉક્ટર પણ આશ્ચર્ય પામ્યા કે આ પીડાતા દર્દી છે કે કોઈ તદ્દન સ્વસ્થ વ્યક્તિ ?
આ ડોક્ટરને પૂ. સાધ્વીજીએ જણાવ્યું કે તમે મારી પાસે આવ્યા છો, તો મને કાંઈ દક્ષિણા આપશો ? આ સાંભળી ડૉક્ટર વિચારમાં પડ્યા એટલે તેઓશ્રીએ કહ્યું કે, “મને પૈસાની નહીં, પણ બીજી દક્ષિણા જોઈએ છે. તે એ કે ભગવાને આપને સેવા કરવા માટે જ ડૉક્ટર બનાવ્યા છે. તમે સાચા ભાવથી દર્દીઓની સેવા કરજો અને સવારે આપના ઇષ્ટદેવનું સ્મરણ કરીને તેની પાસે સેવા કરવાની શક્તિ માગજો. પ્રભુનું સ્મરણ ન ભૂલતા. મારી દક્ષિણમાં આટલું જ જોઈએ. ફક્ત બે-પાંચ મિનિટ માટે પણ આટલું કરશો ને !'
ડૉક્ટરે આનંદિત હૃદયે કહ્યું, ‘આપે મને જીવનનો સાચો રાહ બતાવીને તો દક્ષિણા આપવાને બદલે મને જીવનનું ભાતું બંધાવી આપ્યું.”
યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ નારીઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કર્યા અને એમણે એમ કહ્યું કે સમાજને સુદૃઢ અને વિકાસશીલ બનાવવા
રર