Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
દિલ્હીના પ્રતિષ્ઠિત સન્નારી શ્રી વિદ્યાબહેન શાહ જેવાને તેઓ જ્ઞાનશક્તિ અને મરણશક્તિની સાક્ષાત્ મૂર્તિ સમા કર્મયોગિની લાગ્યા હતા, તો ડૉ. ખુરાનાને એમની પાસેથી માતૃત્વના અનન્ય વાત્સલ્યનો અનુભવ થયો. સાધ્વીશ્રીના અગ્નિસંસ્કાર વખતે સિત્તેર વર્ષના વૃદ્ધ સ્ત્રીપુરુષોને નજરોનજર એમ બોલતા સાંભળ્યા હતા કે ‘મહત્તરા જવાથી અમે અમારી માતા ગુમાવ્યાનું દુ:ખ અનુભવીએ છીએ.'
ગુરુ વલ્લભના પરમ ભક્ત શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી પોતાની આ અનુભૂતિ વર્ણવતા નોંધે છે,
‘જ્યારે જ્યારે મારું મન દુન્યવી બાબતોથી થાકી જતું, કંઈક ઉજાસ મેળવવા માટે વલખાં મારતું, ત્યારે ત્યારે હું એમની પાસે દોડી જતો. એમના પવિત્ર કોમળ હાથથી વાસક્ષેપ લેતો. એમની વાત્સલ્યપૂર્ણ મધુર વાણીથી મારા મનને અપૂર્વ શાંતિબળ મળતું. આ પ્રસન્નતાભર્યો ક્રમ લાંબા સમય સુધી ચાલુ રહ્યો. પરિણામે મારામાં એમની માતૃવાત્સલ્યની આભા પ્રસરતી જ રહી. મારામાં રહેલી સર્વ નબળાઈઓ અને ખામીઓને મેં એમની સમક્ષ કહી સંભળાવી હતી. કોઈ પણ બાબત છુપાવી નહોતી અને કંઈક અંશે હું એમાં સફળ પણ થયો હતો. બીજા કોઈ ભાગ્યશાળી ભાવકની જેમ મારી પાસે એમના હસ્તાક્ષરમાં લખાયેલાં એમનાં અનેક કૃપાપત્રો છે, જે મારે માટે એમનું મૂર્તસ્વરૂપ જ છે.'
૨૦૧૦ની બીજી એપ્રિલે સરધારમાં મહત્તરાજીને હૃદયમનના ખરેખર ભાવથી વંદન અને તેઓનું સ્મરણ કરીને અંજલિ અર્પતાં શ્રી શૈલેષભાઈ કોઠારીએ કહ્યું હતું, ‘સાધ્વીજીએ જિનશાસનની એવી પ્રભાવક સેવા બજાવી છે કે જેના વિશે શું બોલવું અને ન બોલવું એવી દ્વિધા મનને અનુભવાય છે. જૈન ધર્મશાસ્ત્રોમાં પારંગત, ચુસ્ત નિયમપાલનમાં માનનાર, આદર્શ ચારિત્ર ધરાવનાર તથા અપૂર્વ તેજસ્વિતાએ મૃગાવતીજીને મહાન તો બનાવ્યા જ, પણ એમની જ્ઞાન-ભક્તિ અને એમણે કરેલી સેવાથી તેઓ મહાનતાને અતિક્રમી ગયા અને શાસનમાં લગભગ ૧૨૦૦ વર્ષ પછી સૌપ્રથમવાર સાધ્વીશ્રી મૃગાવતીજીને મહત્તરાની પદવી પ્રાપ્ત થઈ. આવા વિરાટ અને મહાનથી પણ મહાન એવા મહત્તરાનું સ્થાન-પદ અંકિત કરનાર સાધ્વીજીની અપાર કૃપાની વર્ષા મારા જેવા અસંખ્ય ભક્તો પર વરસ્યા કરે છે, તેનો આનંદ આજે પણ હૈયે સમાતો
કરુણામયી કર્મયોગિની આ શબ્દો સાધ્વીજીના આશીર્વાદ અને એમની પ્રભાવકતાનો માર્મિક પરિચય આપે છે ત્યારે આ જ સંદર્ભમાં શ્રી દીપચંદભાઈ ગાડી કહે છે, “શુદ્ધ ખાદીમાં શોભતા સાધ્વીજીના દર્શનથી મેં શાંતિનો અનુભવ કર્યો છે.'
નમિનાથના ઉપાશ્રયની ૧૯૬૭ની પ્રવૃત્તિઓના સાક્ષી એવા ટ્રસ્ટી શ્રી નરભેરામ લાલજી જણાવે છે કે “મેં જે પ્રત્યક્ષ જોયું છે તે કહું છું કે સાધ્વીજીમાં લઘુતા અને નમ્રતા અભૂતપૂર્વ છે.'
મહત્તરાજીની નમ્રતા, સરળતા અને માનવમાત્ર પ્રત્યેની નિઃસ્વાર્થ પ્રેમ વિરોધીના હૃદયને પણ આત્મીય બનાવી દેતો હતો. એમની પાસે જીવનથી હેરાન-પરેશાન થઈને રડતા-રડતા આવતી વ્યક્તિઓ દર્શન અને ઉપદેશશ્રવણ બાદ હસતા ચહેરે બહાર નીકળતી હતી. એમનાં વચનોમાં માર્મિકતા હતી. સામી વ્યક્તિના ચિત્તમાં ચાલતાં મનોમંથનોને તેઓ પામી શકતા હતા, તેથી તેઓ કઈ વ્યક્તિને કયા પ્રકારનો ઉપદેશ જરૂરી છે, તેનો સૂક્ષ્મ નિર્ણય કરી શકતા. પરિણામે તેમના ઉપદેશથી શ્રેષ્ઠિઓથી માંડીને સામાન્ય જન સુધી સહુ કોઈના હૃદયમાં પરિવર્તન થતું નજરે પડતું હતું.
લુધિયાણાના ચાતુર્માસ સમયની એક ઘટના જોઈએ. ચાતુર્માસ સમયે ડૉ. શશીમોહન શર્મા સાધ્વીજીના દર્શનાર્થે આવ્યા. તેઓ પ્રથમવાર જ એમના દર્શન કરતા હતા અને એમને જોતાં જ સાધ્વીજીએ કહ્યું કે ‘તમે બ્રાહ્મણ લાગો છો.’ આ સાંભળતા ડૉ. શશીમોહન શર્માને પરમ આશ્ચર્ય થયું. તેઓ એમની સમક્ષ હાથ જોડીને નતમસ્તકે ઊભા રહ્યા. સાધ્વીજીએ એમના મસ્તક પર વાસક્ષેપ નાખીને આશીર્વાદ આપ્યા.
આ ઘટના ડૉ. શશીમોહન શર્માને માટે જીવનમાં નવચેતન પ્રગટાવનારી બની. સાધ્વીજીએ કહ્યું કે તમે લોકોની સ્વાથ્ય-સેવા માટે જન્મ લીધો છે અને આવી સેવા દ્વારા જ તમને પરમાત્માની સેવાનું ફળ મળશે. બધા દીનદુઃખીયાની સેવા કરવી, એ ઘણી મોટી આરાધના છે. આ વિષયમાં સાધ્વીજીએ ભગવાન મહાવીરની વાણીનો ઉલ્લેખ કર્યો. ત્યારથી ડૉ. શશીમોહન શર્માએ એમનું સમગ્ર જીવન દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું.
ડૉ. શશીમોહન શર્માનું એમ દૃઢપણે માનવું છે કે મહત્તરાજીના
નથી.'