Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘જ્ઞાનસાર’માં લખ્યું છે, ‘હું’ અને ‘મારું’ના મોહે આ આખા જગતને અંધ બનાવી દીધું છે. પૂજ્ય મહત્તરાજીનું હૃદય જાગૃત હતું. જ્ઞાનચક્ષુ સદાય ખુલ્લાં રહ્યાં અને એમનામાં ‘હું’ અને ‘મારું’નો મોહ કદી પ્રવેશી ન શક્યો. આપવડાઈ એમને કદી આકર્ષી ન શકી. જેણે ખુદીનો (અહં ભાવનો) ખાતમો કરી દીધો હોય, તેનામાં ખુદાઈ (ઈશ્વરત્વ) આપોઆપ આવીને વસે છે.’
મહત્તરાજી સહનશીલતાની જીવતી જાગતી તસવીર હતા. જેણે વર્તમાનને પારખીને સર્જન કરવું છે, એને ભૂતકાળના પડછાયામાં સૂઈ રહેવાનું પોષાય નહીં. મહત્તરાજીને ભવિષ્યનું સર્જન કરવું હતું અને તેથી જ એ સદાય લોકકલ્યાણનો વ્યાપક વિચાર કરતા હતા. સમાજના સત્તાધારી કે સંપત્તિધારી વર્ગને બદલે એમનો પક્ષપાત પીડિતો અને દલિતો પ્રત્યે વિશેષ હતો અને તેથી જ કેટલાક એમને સમાજના નિમ્ન વર્ગના મસીહા (તારણહાર) તરીકે ઓળખાવતા હતા.
એમનાં વચનમાં સરસ્વતી હતી અને તેથી એમની વાણીની મધુરતા સામેની વ્યક્તિના મનને પરમ શાંતિ અર્પતી હતી. એમનું એકાદ સામાન્ય વચન પણ મધુરતાથી ભરેલું હોય અને આવા માધુર્ય અને સહનશીલતાને કારણે જ તેઓ સહુ કોઈનો આદર મેળવી જતા.
એમનામાં પ્રચુર રાષ્ટ્રભાવના અને વ્યાપક વિશ્વવાત્સલ્ય હતું અને રાષ્ટ્રનિર્માણની બાબતમાં સાધ્વીજી અગ્રેસર રહ્યા હતા. ભાષા, જાતિ અને પ્રદેશના સઘળાં ભેદીને તેઓ અતિક્રમી ગયા હતા. સૌરાષ્ટ્રના સરધારમાં જન્મેલા અને પ્રારંભમાં ગુજરાતમાં વિહાર કરનારા મહત્તરાજીને પંજાબી ભાઈબહેનો સાથે અદ્ભુત આત્મીયતા સધાઈ ગઈ. દક્ષિણ ભારત, પૂર્વ ભારત વગેરે પ્રદેશોમાં પણ ચાતુર્માસ અને વિહાર કરીને કેટલાય પ્રદેશોના સમાજજીવનનો સાધ્વીશ્રીને બહોળો અનુભવ હતો.
પંજાબ અને દિલ્હી એમના પોતાના બની ગયા. એક અર્થમાં કહીએ તો મહત્તરાજી વિવિધતામાં એકતા ધરાવનાર ભારત દેશના પ્રતીક બની રહ્યા. એમના સર્વપ્રથમ શિષ્યા સુજ્યેષ્ઠાજી ગુજરાતી હતા, એમના બીજા શિષ્યા સુવ્રતાજી પંજાબના, એમના એક પ્રશિષ્યા સુયશાજી કચ્છના અને બીજા પ્રશિષ્યા સુપ્રજ્ઞાજી પંજાબના.
૧૮
કરુણામયી કર્મયોગિની
જનસમુદાય જ્યારે મહત્તરાજી સાથે એમની ચારે શિષ્યાઓના સમુદાયને જોતો, ત્યારે સહુને એવો અનુભવ થતો કે રાજ્ય અને ભાષાનાં સઘળાં ભેદો અહીં ભૂંસાઈ ગયા છે. એમણે ક્યારેય ‘હું ગુજરાતી છું અને તું પંજાબી કે કચ્છી છે’ એવો ભેદ કર્યો નથી. માનવમાત્રમાં અભેદ જોનારને આવા ભેદ ક્યાંથી દેખાય ? એમને માટે તો પોતાને મળનારી પ્રત્યેક વ્યક્તિ એમની આત્મીય બની જતી હતી.
એક વાર મહત્તરાજીએ ડૉ. શશીમોહન શર્માને એક પેન ભેટ રૂપે આપી. બન્યું એવું કે થોડા દિવસ પછી ડૉ. શશીમોહન શર્માના ઘરમાં મોટી ચોરી થઈ અને એમને સૌથી વધુ ચિંતા એ હતી કે બીજી બધી વસ્તુઓ ચોરાઈ જાય, તો વાંધો નહોતો, પરંતુ સાધ્વીજીના આશીર્વાદ સાથે પ્રાપ્ત થયેલી પેનની ધણી ફિકર હતી.
સવારે ચોરીની ઘટનાની ફરિયાદ કરવા જતા હતા, ત્યાં જ એમને જાણ થઈ કે ઘરમાંથી ચોરાયેલી એમનું નામ ધરાવતી સૂટકેસ અમુક જગાએથી મળી છે. તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા, તો જાણવા મળ્યું કે સઘળી ચીજવસ્તુઓ સલામત હતી. એમના જરૂરી કાગળો, મેડિકલ પદવી વગેરે બધું જ બરાબર હતું અને સાથોસાથ પેલી પેન પણ એમાંથી મળી ગઈ !
ડૉ. શશીમોહન શર્મા એવું દૃઢપણે માનતા હતા કે સાધ્વીજીએ ઉપહાર રૂપે આપેલી પેનને કારણે જ એમને એમની સઘળી જરૂરી ચીજવસ્તુઓ પાછી મળી.
સાધ્વીશ્રીને પદવી પ્રદાન કરવાના ઘણા પ્રયત્નો થયા. એમની અનુમતિ મેળવવા માટે વારંવાર આગ્રહ પણ થયો, પરંતુ તેઓ એમ કહીને એ વાત ટાળી દેતા કે “મને પદવીઓથી ભારેખમ ન બનાવો. પદવીઓ સ્વીકારવા માટે હું મારી જાતને અસમર્થ સમજું છું. તમે મારા માટે એવી પ્રાર્થના કરો કે હું ભવોભવ, આજીવન જિનશાસનની સેવા કરી શકું એવી શક્તિ મને મળો.'
સાધ્વીશ્રી વિનોદમાં એમ કહેતા કે, ‘એક પળનો પણ પ્રમાદ કર્યા વિના ધર્માચરણ કરવું છે.’ અને ત્યારે તેઓ દશવૈકાલિકસૂત્રની એ ગાથાની યાદ પણ અપાવતા,
'जरा जाव न पीडेड़ वाही जाव न बड्ढड़ । जाविंदिया न हायंति ताव धम्मं समायरे ।।' * ૨૧૯