Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
સાધુતાની સુવાસ
પ્રેરણાની પાવનમૂર્તિ વિશાળ સંસ્થાના અંગ તરીકે જોડવામાં આવી અને સાધ્વી મૃગાવતીજીએ આ રીતે સંસ્થાના ટ્રસ્ટીઓની અનુમતિ સાથે પાટણના ભારતીય સંસ્કૃતિમંદિરની નવી દિલ્હીમાં સ્થાપના કરી.
સાધ્વીજીની આ જ્ઞાનોપાસના જોતા હૃદયમાં કેવો ભાવ અંકિત થાય! એનો માર્મિક ઉત્તર જૈન સમાજના વિદુષી એવા પ્રો. તારાબહેન રમણલાલ શાહની સાધ્વીજીને અપાયેલી આ અંજલિમાં મળશે -
| ‘પૂ. મૃગાવતીજીનું પ્રેરક અને પવિત્ર જીવન જોતાં બધા જ ફિરકાના જૈન સંધોને વિનંતી કરવાનું મન થાય છે કે સમસ્ત સાધ્વી સંઘને તેજસ્વી બનાવવો હોય તો જ્ઞાનોપાસના માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. તેમને પુસ્તકો, પંડિતો, અભ્યાસી વિદ્વાન વ્યક્તિઓનાં લાભ મળે તેવો પ્રબંધ કરી આપવામાં આવે કે જેથી તેમનો વિકાસ થઈ શકે, સાથે સાથે સમાજ ના ઉત્કર્ષ માટે લેખન કે વ્યાખ્યાનો દ્વારા કામ કરવાની તેમને અનુકૂળતા કરી આપવામાં આવે, એમ થશે તો સાધ્વી સંસ્થામાં વધુ તેજ આવશે. અને તે દ્વારા તેમની તથા સમાજની ઉન્નતિ સધાશે. વળી એથી પૂ. મૃગાવતીજીનું યોગ્ય તર્પણ કરવાની કૃતાર્થતા પણ આપણે અનુભવી શકીશું.”
એમણે ઉદાર દૃષ્ટિથી જીવનમાં અનેકાંતને ચરિતાર્થ કર્યો. અનેકાંતવાદમાં તો સદા સમન્વયની ભાવના હોય, એકબીજાને જોડવાની ભાવના હોય, તોડવાની નહીં. સંઘર્ષને બદલે સંવાદની દૃષ્ટિ હોય. સાધ્વીશ્રી માનતા કે અનેકાંતથી માત્ર અહિંસાની જ સેવા થતી નથી, પરંતુ એની સાથોસાથ સત્યની પણ સેવા થાય છે. સામેની વ્યક્તિની વાતનો વિરોધ કરવાથી સત્યનું એક પાસું આપણી નજરમાં આવતું અટકી જાય છે અને તેથી અનેકાંત દ્વારા સત્યની વધુ ને વધુ નજીક પહોંચી શકાય છે. હઠાગ્રહ હોય ત્યાં સત્ય ન હોય અને તેથી જ સાધ્વીજીની અનેકાંતષ્ટિની પાછળ કેન્દ્રસ્થાને એમનો સમભાવ હતો. જૈનદર્શનમાં તો કહ્યું છે કે જેની પાસે સમભાવ નથી, તે મોક્ષ પામી શકતો નથી. એમના મનમાં સંત કબીરના એ વચનો ગુંજતા હતા,
કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક બરતન સબ ત્યારે ભયે, લેકિન પાની સબમેં એક.
‘રામ કહો, રહેમાન કહો'નું ગાન કરનારા મહાયોગી આનંદઘનજીના પદોનું મહત્તરાજી વારંવાર રટણ કરતા હતા. એમની આવી ઉદાર, વ્યાપક અને સમન્વયાત્મક દૃષ્ટિને કારણે સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં અને તેઓનાં કાર્યક્રમોમાં તેઓ પોતે ઉપસ્થિત રહેતા, એટલું જ નહીં પણ અન્ય સંપ્રદાયના સાધ્વીજીઓ સાથે બેસીને વ્યાખ્યાન પણ આપતા હતા. ચંડીગઢની દિગંબર ધર્મશાળામાં રહીને ચાતુર્માસ કર્યો, પણ એથીય વિશેષ તેઓની પ્રથા અનુસાર દસલક્ષણી પર્વની આરાધના પણ કરાવી. તેરાપંથના આચાર્ય તુલસી પણ તેમના વાર્ષિક માઘ-મહોત્સવમાં પૂ. સાધ્વીશ્રીને નિમંત્રણ આપીને સાધ્વીશ્રી પાસે વ્યાખ્યાન કરાવતા હતા. સાધ્વીશ્રીએ તેમના પણ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેરાપંથના સર્વ સાધુ-સાધ્વીજી પૂ. મૃગાવતીજી પ્રત્યે ખૂબ સ્નેહ અને આદર રાખતા હતા. પોતે તપગચ્છના હોવા છતાં ખરતરગચ્છના કે અચલગચ્છના ધાર્મિક પ્રસંગોમાં કે શિબિરોમાં નિઃસંકોચ, પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેતા હતા અને એ રીતે ભગવાન મહાવીરના ધ્વજ હેઠળ સહુને એક કરવાનો પ્રયાસ કરતા, ચંડીગઢના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રેરક વ્યાખ્યાન આપતાં તેઓએ જણાવ્યું કે હું બધાને એકસરખા સમજું છું. મંદિર અને તીર્થ તો માત્ર દરેક કોમની ઓળખ છે.
- સાધ્વીશ્રી મૃગાવતીજી મુંબઈમાં ઈ. સ. ૧૯૭૧નો ચાતુર્માસ કરવા માટે આવ્યા. પંજાબ જૈન ભાતૃસભા નામની સ્થાનકવાસી સંસ્થાના ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે સાધ્વીજી બિરાજમાન હતા, ત્યારે મુંબઈના શેરીફ શાદીલાલજી એમને મળવા આવ્યા અને એમણે કહ્યું, ‘જુઓ, અમે સ્થાનકવાસી છીએ, અમે મંદિરમાર્ગી સાધુને ચાતુર્માસ કરાવ્યો, તે કેવી બહાદુરી કહેવાય ?'
સાધ્વીજીએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો, ‘આમાં ન તમારી બહાદુરી છે કે ન મારી બહાદુરી છે. એ બહાદુરી છે આચાર્ય શ્રી સમુદ્રસૂરિજી મહારાજની. એમની આજ્ઞા વિના આ શક્ય બન્યું ન હોત.” આવી હતી સાધ્વીજીની ગુરુભક્તિ અને વિનયશીલતા.
એકવાર મુંબઈના ઘાટકોપરમાં સાધ્વીજીના ચાતુર્માસની જય બોલાવી હતી, પરંતુ સાધ્વીજીએ જોયું કે સંઘના શ્રાવકોમાં અંદરોઅંદર વિસંવાદ હતો.
જ ૨૦૨