Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
અબ હમ અમર ભયે
અસંભવને તેઓ આત્મબળ વડે સંભવ બનાવી રહ્યા હતા.
આ દૃશ્ય જોઈને સંપૂર્ણ સંઘ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ પ્રસંગે પણ મહારાજશ્રીના મુખમંડલ ઉપર અપાર શાંતિ, સૌમ્યતા અને પ્રશમરસ છલકાઈ રહ્યાં હતાં.
દર્શનાર્થીઓની ભીડ જામી હતી. વલ્લભસ્મારકના પ્રાંગણમાં અખંડ જાપ ચાલુ હતા. લોકો આખી રાત સૂતા નહીં. ૧૯૮૬ની ૧૮મી જુલાઈએ વહેલી સવારે એમને શ્વાસની તકલીફ શરૂ થઈ. શ્રી પ્રકાશભાઈ પુસ્તકોવાળા જ્યારે દોઢ કલાક સુધી લોગસ્સનો પાઠ સંભળાવતા રહ્યા હતા ત્યારે, ‘આરુગ્ગ બોકિલાભ સમાણિવરમુત્તમ દિત પદ આવે, ત્યારે એમના હાથ જોડાઈ જતા હતા અને આંખો ભાવથી પૂર્ણ થઈ ઊઠતી હતી. આંખો શંખેશ્વરદાદા તરફ મંડાઈ રહેતી, એમનો શ્વાસ ધીરે ધીરે ઓછો થતો ગયો અને સવારે સવા આઠ વાગ્યે. એમના આત્માએ નશ્વર શરીરનો ત્યાગ કર્યો. થોડીક ક્ષણોમાં તો એમના દેવલોકગમનના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. લાલા રામલાલજી, ભાઈશ્રી રાજ કુમારજી, શ્રી વી. સી. જૈન, શ્રી દેવેન્દ્રભાઈ જૈન, શ્રી મહેન્દ્રભાઈ મસ્ત , શ્રી વીરેન્દ્રભાઈ, શ્રી રવીન્દ્રભાઈ, શ્રીમતી નિર્મલાબહેન મદાન વગેરે કાર્યકર્તાઓ વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બન્યા અને સમગ્ર રાષ્ટ્રમાં અને દિલ્હીની બહાર આવેલા તમામ સંઘોને આની જાણ કરવા માટે ટેલિગ્રામ ઑફિસ અને સમાચારપત્રોનાં કાર્યાલયોમાં પહોંચી ગયાં. રાત્રે ૮-૪પના આકાશવાણીના મુખ્ય સમાચાર પ્રસારણમાં તથા દૂરદર્શન સમાચારમાં સમગ્ર દેશને આ ઘટનાની જાણ થઈ. જેમણે આ સાંભળ્યું, તેમને થોડીવાર તો વાત પર વિશ્વાસ બેઠો નહીં. એમ લાગતું હતું કે સ્મારકનું થોડું જ કામ બાકી રહ્યું હતું ને એને છોડીને આમ એકાએક કેમ ચાલ્યા ગયા? ૧૯૮૭ના અંતભાગમાં સ્મારકનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાનો હતો. હવે વલ્લભસ્મારકના પ્રાણ વિના શું થશે?
૧૯મી જુલાઈ સાંજના પાંચ વાગે વલ્લભસ્મારકમાં માતા પદ્માવતીના મંદિરની પાસે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો. પંજાબના અનેક શહેરોમાંથી આખી રાત ભક્તોની બસો ભરાઈ ભરાઈને આવી હતી. સવાર સુધીમાં તો હજારો લોકો એકઠાં થઈ ગયા હતા.
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે એકવાર એમના દર્શન કર્યા હોય, અને અહીં ઉપસ્થિત ન હોય !
લુધિયાણાથી ૧૪ બસો ભરાઈને આવી. અંબાલાથી ૪, સમાના, રોપડ, માલેર કોટલા, જાલંધર, જંડિયાલા, પટ્ટી, ચંડીગઢ , ચેન્નાઈ, મુંબઈ, સૌરાષ્ટ્ર, મેરઠ, આગ્રા, શિવપુરી, મુરાદાબાદ, હોશિયારપુર, જમ્મુ, અમદાવાદ વગેરે સ્થળોના હજારો ભક્તોનો વલ્લભસ્મારકમાં માનવ મહેરામણ છલકાતો હતો. બધાના કંઠમાંથી મહારાજના દિવ્ય જીવનનાં પુનિત સ્મરણો પ્રગટ થતાં હતાં.
મહત્તરાજી જ્યાં પ્રવચન આપતા હતા તે સ્થળે આ પાર્થિવ શરીર મૂકવામાં આવ્યું હતું અને સમાધિમુદ્રામાં રહેલા એ શરીરના દર્શન કરીને ભાવિકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા.
૧૯મી જુલાઈએ બપોરે ૧૨ વાગ્યે એમના પાર્થિવ શરીરને દર્શનાર્થે રાખવામાં આવ્યું. ત્યાંજ એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું. ભારતની અગ્રણી સંસ્થાઓ અને મહાનુભાવોએ તથા જૈન સમાજના ચારેય સંપ્રદાયના પ્રમુખ વ્યક્તિઓએ, પંજાબના સમસ્ત સંઘોએ પૂ. મહત્તરાજીના મહાન કાર્યોનું સ્મરણ કરીને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સેંકડો કામળીઓ ચડાવવામાં આવી, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંહજીએ એમના અંગત મિલિટરી સેક્રેટરીને મોકલીને પુષ્પમાળા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
એમની સ્મૃતિને ચિરસ્થાયી બનાવવા માટે ટ્રસ્ટ સ્થાપવાની યોજના કરવામાં આવી, જેમાં થોડી વારમાં તો લાખો રૂપિયા એકત્રિત થઈ ગયા.
વિદુષી સાધ્વી સુવ્રતાશ્રીજીએ હૃદયસ્પર્શી માર્મિક પ્રવચન આપ્યું. એમણે અપૂર્વ ધૈર્ય ધારણ કરીને માર્મિક શબ્દોમાં મહત્તરાજીનો ગુણાનુવાદ કરતાં એકત્રિત સમાજ ભાવવિભોર થઈને રડવા લાગ્યો. અંતિમ યાત્રામાં પૂ. સાધ્વી શ્રીજીની પાલખીને ખભો આપવા માટે ચાર બોલી અને એક અગ્નિસંસ્કારની લાખોની બોલી બોલવામાં આવી. અંત્યેષ્ઠિનો લાભ લાલા લધુ શાહ મોતીરામ જૈન પરિવાર (ગુજરાનવાલા)એ લીધો. અંતે પાલખી ઊચકવાનો સમય આવી ગયો. હજારો કંઠમાંથી અવાજ ઊઠ્યો, ‘જય જય નંદા, જય જય ભદ્દા.'
જ ૧૯૧