Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
ચાર ભાઈઓએ પોતાના ખભા પર મહત્તરાજીના પાર્થિવ શરીરની પાલખી ઉઠાવીને અંતિમ સફર માટે ચાલવાનું શરૂ કર્યું. આગળ બૅન્ડ વાગી રહ્યાં હતાં અને પાછળ હજારોની સંખ્યામાં લોકો ‘જય જય નંદા, જય જય ભદ્દા'નો ઘોષ કરતા હતા. સાંજે પાંચ વાગે અંતિમ યાત્રા એના નિર્ધારિત સ્થળે પહોંચી. ચંદનની ચિતા બનાવીને એમની અંત્યેષ્ઠિ સ્મારકસ્થળ પર કરવામાં આવી, જ્યાં ચંદન અર્પણ કરવા માટે ઘણી લાંબી કતાર હતી. આશરે ચારસો કિલો ચંદન ચિતા પર ચડાવવામાં આવ્યું. સંસ્થાઓ અને ભક્તજનો દ્વારા ત્રણસો જેટલી કામળી ચડાવવામાં આવી હતી.
સાંજે પાંચ વાગે સાધ્વીજીના સમાધિસ્થ શરીરને અગ્નિ આપવામાં આવ્યો. ‘મહત્તરાશ્રીજી અમર રહે’ અને ‘સાધ્વી મૃગાવતીશ્રીજીકી જય હો' એવા વાક્યોથી વાતાવરણ ગાજી ઊઠ્યું. લોકોની આંખમાં આંસુઓના તોરણ હતા. સૂર્ય અસ્તાચળે પહોંચી ગયો હતો. આકાશમાં લાલિમા છવાઈ ગઈ હતી. ધીરે ધીરે અવાજો શાંત થતા હતા અને સંધ્યા વિદાય લેતી હતી.
સંધ્યાની આ વિદાયની સાથે જાણે તેજસ્વી સૂર્યએ વિદાય લીધી હોય તેવું સહુએ અનુભવ્યું. એ સૂર્ય જેણે સમાજમાં જ્ઞાનનો પ્રકાશ આપ્યો હતો, એ સૂર્ય જેણે સામાજિક રૂઢિઓ અને જડબંધનોને ફગાવી દઈને નવી જ્યોત જગાવી હતી, એ સૂર્ય જેણે ગુરુભક્તિનો આદર્શ આપ્યો, એ સૂર્ય કે જે સંકલ્પબળનું દૃષ્ટાંત બન્યો અને એ સૂર્ય કે જે અનેકોના જીવનને અજવાળનારો, પ્રકાશિત કરનારો બન્યો.
૧૨
૧૫
સાધુતાની સુવાસ
ન
वदनं प्रसादसदनं, सदयंहृदयं सुधामुचो वाचः । करणं परोपकारमं येषां केषां न ते वन्द्याः || ‘પ્રસન્નતાથી ભરેલું મુખ, દયાથી છલકાતું હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને જેના કાર્ય માત્ર પરોપકારનાં હોય, તે કોને વંદનીય ન બને? અર્થાત્ તે સર્વને વંદનીય બને છે.’ મહત્તરા સાધ્વીશ્રીનું જીવન એ આંતરિક ઊર્ધ્વતાથી પરિપૂર્ણ સાહજિક જીવન હતું. એમનું હૃદય સ્ફટિક જેવું નિર્મળ હતું અને એમના ઉદ્ગારો અંતરની સ્ફુરણામાંથી નીકળતા હોવાથી હ્રદયસ્પર્શી અને પ્રેરક હતા, આથી કોઈ સિદ્ધિના પ્રસંગને પણ એ અધ્યાત્મ-આરાધનામાં પલટાવી શકતા હતા.
એમની જીવનચર્યા પર દૃષ્ટિ કરીએ, ત્યારે એમની સાધુતાની ગરિમાનો આપણને સાક્ષાત્ અનુભવ થશે. સવારે ચાર વાગે ઊઠવું અને રાત્રે દસ વાગે સૂઈ જવું. સવારે નવકારશી સુધી અને બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી તેઓ મૌન ધારણ કરતા હતા. એક ગૃહસ્થના ઘરે ગોચરી માટે દિવસમાં એક જ વખત જતા હતા અર્થાત્ જે ગૃહસ્થને ત્યાંથી એક વખત ગોચરી લીધી હોય, તેને ધરે તે દિવસે પુનઃ ગોચરી અર્થે જતા નહીં અને ગોચરી સામૂહિક રૂપે જ કરતા હતા.