Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
આત્મ-ક્રાંતિનાં ઓજસ
આત્મ-ક્રાંતિનાં ઓજસ
બહાર પાદવિહાર ચાલતો જાય અને ભીતરમાં અંતરયાત્રા ચાલે, સાધ્વીશ્રીની વિહારયાત્રાની સાથોસાથ અધ્યાત્મયાત્રાના જુદા જુદા પડાવો આવતા ગયા. ગુજરાતથી આરંભાયેલી એ વિહારયાત્રા રાજસ્થાન, પંજાબ થઈને હવે પુનઃ પોતીકી ધરતી ગુજરાત તરફ વળી. દીક્ષાજીવનની શરૂઆતમાં ગુજરાતમાં ગહન સ્વાધ્યાયની સાથોસાથ વિચારપ્રેરક વ્યાખ્યાન-પ્રવૃત્તિનો એક સાથે આરંભ થયો અને એને પરિણામે આંતરબાહ્ય ચેતનાનું જાગરણ શરૂ થયું.
રાજસ્થાનની ભૂમિ પર એ ભવ્ય ચેતનામાં વર્તમાન દુ:ખદ પરિસ્થિતિને કારણે સમાજસુધારણાનાં કાર્યોનો ઉમેરો થયો. સાધ્વીશ્રી મૃગાવતીજીએ જોયું કે સમાજ બાળલગ્નો, દહેજ , કન્યાવિક્રય જેવી રૂઢિઓમાં એવો ઘેરાયેલો હતો કે એના જીવનમાંથી ધર્મનું તેજ પ્રગટ થતું નહોતું. સામાજિક જડ વ્યવહારો, રૂઢ માન્યતાઓ અને સાંકડાં બંધનોમાં સમાજની અમાપ શક્તિ, શાંતિ અને સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે. પરિણામે સમાજ આર્થિક અને વૈચારિક રીતે નિર્બળ, નિષ્ક્રિય અને પ્રારબ્ધવાદી બની ગયો છે.
- સાધ્વીશ્રી એ એમની પ્રભાવક અને હૃદયસ્પર્શી વાણીમાં પંજાબના જનસમૂહને દહેજનો દેખાડો કે આડંબર કરવાનું બંધ કરવાનો ઉપદેશ આપ્યો. આ દહેજ લગ્નપ્રસંગે જાહેરમાં
દેખાડવામાં આવતું હોવાથી સામાન્ય માનવીને એને માટે ગજા ઉપરાંતનો મોટો ખર્ચ કરવો પડતો. જો એ દહેજ ઓછું લાગે, તો દંપતીના જીવનપ્રવેશે જ હોળી સળગતી રહેતી.
આને કારણે કેટલીય નવપરિણીતાનાં જીવન બરબાદ થતાં અને ક્યારેક તો એ સ્ત્રી પર દહેજને કારણે એટલો ત્રાસ વરસાવવામાં આવતો કે એમાંથી છૂટવા માટે એ આત્મહત્યા કરીને યાતનાગ્રસ્ત જીવનનો અંત આણતી હતી. જુદા જુદા સંઘોએ સાધ્વીજીના ઉપદેશથી પ્રભાવિત થઈને સગાઈ સમયે માત્ર બે રૂપિયા રોકડા અને સવા ત્રણ શેર લાડુ આપવાનું નક્કી કર્યું અને લગ્ન સમયે દહેજનો સામાન કોઈને બતાવવાનો નહીં, પણ એક ટૂંક (પતરાની પેટી)માં બંધ કરીને આપવો એવું લુધિયાણા સંઘે અને અન્ય સંઘોએ નક્કી કર્યું. સાધ્વીશ્રીની ભાવના હૃદયમાં આત્મસાત્ કરીને દહેજની કુપ્રથા સામે અનેક લોકોએ અને વિશેષે સેંકડો યુવક-યુવતીઓએ વિરોધ કર્યો અને પોતે દહેજ માગશે કે લેશે નહીં, તેવી પ્રતિજ્ઞા કરી.
પંજાબની ભૂમિ પર તો સાધ્વીશ્રી મૃગાવતીજીની સિંહછટા નિખરી ઊઠી. એમનો ધર્મવિચાર જનજનના હૃદયમાં ગુંજવા લાગ્યો. એમનાં ધર્મકાર્યોએ સૂતેલા સમાજને જગાડી દીધો. એક બાજુ ધર્મઆરાધનાનો આધ્યાત્મિક ઉત્સવ ચાલે, તો બીજી બાજુ લોકકલ્યાણનાં વિરાટ કાર્યો સર્જાતાં જાય, એમની ઉદાર પ્રતિભાના પ્રકાશમાં દિગંબર, શ્વેતાંબર કે સ્થાનકવાસીઓના ભેદ ઓગળી ગયા. સહુ કોઈ જાતિ, જ્ઞાતિ કે ધર્મ ભૂલીને એમનો ઉપદેશ હૃદયે ધરવા લાગ્યા. એમના વિચારોએ લોકોને સાંપ્રદાયિકતાની સાંકડી સીમાઓ ઓળંગીને ધર્મનું વિરાટ આકાશ નિહાળતા કર્યા. હવે વળી એક નવી ક્ષિતિજનો ઉઘાડ થતો હતો. એમના સાધ્વીજીવનમાં ધર્મ-કર્મનો યોગ સધાઈ ચૂક્યો હતો, હવે જ્ઞાનયોગની સાધના માટે નવી દિશામાં પ્રયાણ આદર્યું.
સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં ઘણા લાંબા સમયથી આગમનો અભ્યાસ કરવાની તીવ્ર તાલાવેલી હતી. સ્થાનકવાસી આચાર્યશ્રી આત્મારામજી મહારાજે એમનામાં આગમના અભ્યાસની ભાવનાનું બીજ રોપ્યું હતું. એ પછી શુભસંયોગે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનો અમદાવાદમાં મેળાપ થતાં એ