Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મૃગાવતીશ્રીજીએ હસતાં હસતાં કહ્યું, “પાંચ વાગી ચૂક્યા છે. બધા આવી ગયા છે. પહેલાં આપણે શાંતિથી બેસીને આપણું કાર્ય સંપન્ન કરીએ, પછી દવાનો વિચાર કરીશું. હા, પણ મારો વિચાર આવતીકાલે રૂપનગરથી વલ્લભસ્મારક પહોંચવાનો છે. ભવિષ્યને તો જ્ઞાની જાણે.”
બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગે મૃગાવતીશ્રીજીએ વલ્લભસ્મારક માટે વિહાર શરૂ કર્યો. તેઓ સ્મારકના સ્થાન પર પહોંચ્યાં, ત્યારે એક અગ્રણીએ કહ્યું, “ગુરુદેવ, આપ શા માટે આટલું બધું કષ્ટ લઈને અહીં આવ્યાં? અમને આદેશ આપ્યો હોત, તો અમે લોકો જ આપને મળવા માટે રૂપનગર આવી ગયા હોત.”
મૃગાવતીશ્રીજીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, નાનાં-મોટાં કારણોને લીધે અગાઉ નિશ્ચિત કરેલો કાર્યક્રમ બદલવો યોગ્ય નથી. મારા ગુરુદેવોએ મને આ શીખવ્યું છે.”
આખા પગમાં છાલા પડી ગયા હતા, તેમ છતાં મહત્તરાજીએ કઈ રીતે વચ્ચે થોભ્યા વિના રૂપનગરથી વલ્લભ-સ્મારક સુધીની વિહારયાત્રા કરી હશે, તે એક ૫૨મ આશ્ચર્ય છે !
વલ્લભસ્મારકના જિનાલયમાં ચૌમુખજીમાં મૂળનાયક ભગવાન પૂ. વાસુપૂજ્યસ્વામી ઉપરાંત ભગવાન શ્રી ઋષભદેવ, મુનિસુવ્રતસ્વામી અને ભગવાન પાર્શ્વનાથને પરોણા બિરાજમાન કરવામાં આવ્યા. એ જ રીતે રંગમંડપમાં અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી, આચાર્ય વિજયાનંદસૂરિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ અને આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાઓ પરોણા બિરાજમાન કરવામાં આવી.
મુખ્ય ઘુમ્મટની નીચે સુંદર પટ પર ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પદ્માસન મુદ્રામાં પિસ્તાલીસ ઇંચની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી. મહત્તરા મૃગાવતીજી હંમેશાં ઉત્તમતાનાં આગ્રહી હતાં, આથી આ મૂર્તિનું કાર્ય એમણે અમદાવાદના પ્રસિદ્ધ શિલ્પી શ્રી ડી. એલ. માહા અને પદ્મશ્રી શ્રી કાંતિભાઈ પટેલને સોંપ્યું. ભગવાનની મનોહારી પ્રતિમાજીઓ બનાવવાનું કાર્ય શ્રી બી. એલ. સોમપુરાને સોંપ્યું અને અન્ય ગુરુમહારાજોની પ્રતિમાઓ
૧૭૨
નવી પેઢીનું નૂતન તીર્થ
જયપુરમાં બનાવવાનો નિર્ણય લીધો. અહીં સતત નિર્માણકાર્ય ચાલતું હોવાથી સ્મારકમાં સ્થાયી રૂપે કોઈ શિલ્પીની સેવા આવશ્યક બની હતી, આથી એમણે ઘનશ્યામ જેવા કુશળ શિલ્પીની સેવાઓ સ્થાયી રીતે સંસ્થાને માટે ઉપલબ્ધ કરાવી.
વલ્લભસ્મારક એ એક વિરાટ કલ્પનાનું સર્જન હતું. એ સર્જનની પૂર્ણ સિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે એમાં વ્યાપક રીતે લોકસમૂહ સામેલ થાય. આ દૃષ્ટિએ સ્મારકના ટ્રસ્ટીમંડળમાં ભારતના ટ્રસ્ટીઓ ઉપરાંત એમણે ધીરે ધીરે ઇંગ્લૅન્ડ, અમેરિકા અને જાપાનના એક-એક ટ્રસ્ટીની નિમણૂંક કરી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને સમર્થ, કર્મઠ, સમર્પિત એવા મૂક કાર્યકર્તા શ્રી કાંતિલાલ કો૨ાને નિધિના કાર્ય માટે બીજા મંત્રી તરીકે નિયુક્ત કર્યા. આ રીતે દેશ અને વિદેશના વિચારકો અને કાર્યકરોને સાથે રાખીને એક વ્યાપક દર્શન સાથે એમણે આયોજન કર્યું.
મદ્રાસના શ્રાવક શ્રી માણેકચંદજી બેતાલા અને શ્રી સાય૨ચંદજી નાહર, અમદાવાદના આત્મારામ સુતરિયા, બેંગલુરુના જીવરાજજી ચૌહાણ અને કુંદનમલજી સિંધવીએ સ્મારકને આર્થિક રીતે સુદ્દઢ બનાવવાનો નિર્ણય કર્યો. ગુરુવલ્લભ પ્રત્યે અગાધ ભક્તિ ધરાવતા મુંબઈના શ્રી શૈલેષભાઈ કોઠારીએ તો સ્મારકના કાર્ય માટે માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. નિષ્ઠાવાન શ્રી શ્રીપાલભાઈ ભંડારી, અંબાલાના રાજકુમાર રાયસાહબ અને લુધિયાણાના શ્રી શ્રીપાલ બિહારે શાહ મહત્ત્વની જવાબદારી સંભાળવા
લાગ્યા.
દિલ્હીના લાલા રતનચંદજી, લાલા રામલાલજી, શ્રી કૃષ્ણકુમારજી (કે. કે. રબ્બર), શ્રી શાંતિલાલજી ખિલૌનેવાલે, ધનરાજજી, વિશંભરનાથજી, શ્રી મનમોહનજી, વિનોદલાલ દલાલ, નિર્મલકુમારજી, બીરચંદજી તથા મહેન્દ્રકુમાર ‘મસ્ત’બધા જ પ્રયત્નશીલ રહ્યા અને એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું, સમય જતાં શ્રી મનોહરલાલજી કોષાધ્યક્ષ બન્યા, ત્યારે એમણે પણ આગવી ભૂમિકા ભજવી.
ભવ્ય જિનાલયનું સર્જન થયું. છેક પાકિસ્તાનમાં રહેલો ઉત્તમ ગ્રંથસંગ્રહ પ્રાપ્ત થયો. વળી સાધ્વીજીના મનમાં પુરાતન ગ્રંથભંડાર અને પુસ્તકાલયના
૧૭૩