Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
નવી પેઢીનું નૂતન તીર્થ
પ્રેરણાની પાવનમૂર્તિ જગપ્રસિદ્ધ દેલવાડાનાં જિનમંદિરોની સ્થાપત્યકલા આજે અહીં દૃષ્ટિગોચર થાય છે
આના નિર્માણ માટેના પથ્થરની પસંદગી કરતાં પૂર્વે કરૌલી, બરૌલી, ધોલપુર, બંશી પહાડપુર અને સૂરસાગર, જોધપુરના પથ્થરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એના પરથી નક્કી કરવામાં આવ્યું કે બંશી પહાડપુરનો પથ્થર આને માટે સર્વથા યોગ્ય રહેશે. આ પથ્થર અન્ય પથ્થરો કરતાં ઘણો મજબૂત અને આરસપહાણના પથ્થરથી પણ વધુ લચકવાળો હોય છે. વળી આ પથ્થરની વિશેષતા એ છે કે એમાં કાટ લાગતો નથી, એનું રંગપરિવર્તન થતું નથી અને એના પર કરવામાં આવેલી કારીગરીની સુંદરતા જળવાઈ રહે છે. બંશી પહાડપુરના પથ્થરનો ઉપયોગ આસપાસ આવેલાં મંદિરો અને ભવનોમાં વ્યાપકપણે થતો હતો. આ સ્મારકની છતમાં આર.સી.સી.નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, કારણ કે જૈન શિલ્પશાસ્ત્ર અનુસાર લોખંડને નિકૃષ્ટ ધાતુ માનવામાં આવે છે. વળી સ્મારકમાં બનાવેલો ડોમ એ પ્રકારનો છે કે જેમાંથી કોઈ પથ્થર તૂટી જાય, તો એને આસાનીથી બદલી શકાય છે.
વલ્લભસ્મારકના પ્રાંગણમાં જી. ટી. કરનાલ રાજમાર્ગ પર કલાત્મક પ્રવેશદ્વારની રચના કરવામાં આવી. ૪૫ ફૂટ પહોળા અને ૪૦ ફૂટ અને નવા ઇંચ ઊંચા આ પ્રવેશદ્વારને ગુલાબી રંગના સુંદર પથ્થરમાં જૈન શિલ્પકલા અનુસાર જૈન પ્રતીકોથી શોભાયમાન કર્યું. વૃક્ષો અને ઘાસની હરિયાળી વચ્ચે ગુરુ વિજયવલ્લભની શિક્ષાપ્રદ વાણીનાં વચનો સુંદર પટ પર અંકિત કરવામાં આવ્યાં. સ્મારકનો ૮૪ ફૂટ ઊંચો રંગમંડપ ગુરુ વલ્લભના ૮૪ વર્ષના આયુષ્યનો દ્યોતક છે.
મુખ્ય પ્રવેશદ્વારની ભવ્યતા માટે ૨૫ ફૂટ પહોળી, ૨૭ પગથિયાં ધરાવતી સીડી સ્મારકભવનને ભવ્યતા પ્રદાન કરે છે. પ્રવેશમંડપમાં અત્યંત આકર્ષક કારીગરી ધરાવતા બાર સ્તંભો પર જૈન શિલ્પની આકૃતિઓ છે, તો વળી ઉત્તર અને દક્ષિણ દિશામાં પણ ભવનમાં પ્રવેશવાનાં દ્વાર છે. હકીકતમાં મુખ્ય રંગમંડપમાં પહોંચતાં પૂર્વે જ સ્તંભો, બીમ અને છતની કારીગરી દર્શકોને એક હજાર વર્ષ પૂર્વેની જૈન શિલ્પકલાની કમનીયતાનું મનભર દર્શન કરાવે છે. એની આસપાસની
ડિઝાઇનમાં જોવા મળતું વૈવિધ્ય આપોઆપ ચિત્તને આકર્ષે છે.
આ ભવનની વચ્ચે ૬૮ ફૂટ વ્યાસના ભવ્ય રંગમંડપનું નિર્માણ કર્યું છે, જેનું શિખર ૮૪ ફૂટ ઊંચું છે. એમાં હવા અને રોશની આવે તે માટે પ્રવેશદ્વાર ઉપરાંત આ ડોમમાં ૪૫ બારીઓ રાખવામાં આવી છે અને આ ડોમનું નિર્માણ એ જૈન સ્થાપત્યકલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
આજે પણ વલ્લભસ્મારકનું દર્શન કરતાં સાધ્વીજીની અપ્રતિમ ગુરુભક્તિનાં દર્શન થાય છે. શ્રુતજ્ઞાન માટેની એમની ઉત્કૃષ્ટ ભાવના વ્યક્ત થાય છે. ભારતીય દર્શનોની સમન્વયદષ્ટિનો અહીં જયઘોષ સંભળાય છે. ઉત્તમ સ્થાપત્યકળાનું દર્શન કરાવતી ઇમારતોમાં એમનો કલાપ્રેમ ગુંજે છે. ચિકિત્સાલય જેવી સંસ્થા દ્વારા વ્યાપક જનકલ્યાણની ભાવનાઓ જોવા મળે છે.
એમણે એક વિરાટ આકાશ જોયું હતું. પોતાના દાદાગુરુ અને ગુરુ પાસેથી ઉદાત્ત અને ભવ્ય ભાવનાઓ આત્મસાત્ કરી હતી અને એ સઘળું પ્રગટ થયું “શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર' રૂપે. આમાં પૂજ્ય મૃગાવતીશ્રીજીની વ્યવહારકુશળતા, સમયજ્ઞતા, પ્રભાવશીલતા અને ભક્તિપરાયણતા પ્રગટ થઈ.
ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ સરિતાનું મિલન થાય, ત્યારે પાવન પ્રયાગ સર્જાય છે. અહીં ગુરુ આત્મારામજીની વિદ્વત્તા, ગ્રંથસર્જન અને પ્રભાવકતા દૃષ્ટિગોચર થાય છે. ગુરુ વલ્લભની ધર્મપ્રસાર, નારીજાગૃતિ અને શિક્ષણ માટેની પ્રબળ ભાવના પ્રગટ થાય છે, તો ગુરુ, આચાર્ય સમુદ્રસૂરીશ્વરજીની ગુરુભક્તિ, ધર્મોપાસના અને જનકલ્યાણની ભાવનાનો સંગમ સધાયો છે. અને આ ત્રિવેણી સંગમ જ્યાં સર્જાય છે એવા પ્રયોગના તીર્થ જેવું જૈનભારતી મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું જીવન છે.
ગુરુ વલ્લભના સાધર્મિક ઉત્કર્ષના ધ્યેયને સાથે જોડવા માટે સાધ્વીશ્રી મૃગાવતીજીની એવી પ્રબળ ભાવના હતી કે વલ્લભસ્મારકની નજીકના સ્થાને પર શ્રી આત્મવલ્લભ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું સર્જન થાય. એમણે જોયું હતું કે આપણાં તીર્થોની આસપાસ એવું બનતું કે તીર્થની રચના થાય, પણ આજુબાજુ ઉપાસકો ન હોય અને એને પરિણામે સમય જતાં એ તીર્થની ઉપેક્ષા થતી હોય છે. આથી દૂરંદેશીથી એમણે વિચાર્યું કે અહીં સમીપમાં જ સામૂહિક
ર