Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 89
________________ પ્રેરણાની પાવનમૂર્તિ આ પ્રસંગે ૨૮મી નવેમ્બરે ‘શ્રાદ્ધ પ્રતિક્રમણ સુત્ર : પ્રબોધટીકા’ ગ્રંથની હિંદી આવૃત્તિનું પ્રકાશન અને વિમોચન થયું. આ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ (વિલેપાર્લે, મુંબઈ) દ્વારા એના સ્થાપક શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રબળ પરિશ્રમ અને પુરુષાર્થથી તૈયાર થયો હતો. સાધ્વીશ્રીને ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી અને એમનાં ધર્મપત્ની ચંદ્રાવતીબહેને એ ગ્રંથ અર્પણ કર્યો. વલ્લભસ્મારકના શિલાન્યાસનો મહોત્સવ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુકાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોના જૈન સમાજના અગ્રણીઓ અને શ્રાવક-શ્રાવિકાની ૧૦,000થી વધુ વિશાળ જનસમૂહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. એક સાથે એક હજાર ભાઈબહેનો ભોજન લઈ શકે તેવું ભોજનગૃહ, વિશાળ રસોઈગૃહ તથા ‘કલ્પતરુ” નામક વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. આ શિલાન્યાસ વિધિ પ્રસંગે ધર્મપ્રેમીશ્રી ધરમચંદ જશવંતાએ જૈન ધ્વજ લહેરાવ્યો હતો અને બપોરે વલ્લભસ્મારકમાં સંમેલનનું ઉદ્ઘાટન લોકપ્રિય કાર્યકર શ્રી કેદારનાથજી સાહનીએ કર્યું હતું, જ્યારે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી સાયરચંદજી નાહરે પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિના કાર્યનિષ્ઠ મંત્રી શ્રી રાજ કુમાર જૈને સ્મારક સાથે સાંકળવામાં આવેલી સર્વે પ્રવૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. - ૨૯મી નવેમ્બરે ધર્મનિષ્ઠ પરમ ગુરુભક્ત બાર વ્રતધારી સુશ્રાવક લાલા ખેરાયતીલાલજી જૈન અને એમનાં કુટુંબીજનોએ શિલાન્યાસ કર્યો હતો. આ શિલાન્યાસના પ્રસંગે અને સ્થળે ૨૯મી અને ૩૦મી નવેમ્બરે શ્રી દીપચંદભાઈ ગાર્ડીના પ્રમુખસ્થાને શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું ૨૪મું અધિવેશન યોજવામાં આવ્યું. આ અધિવેશનમાં જૈન સમાજના અગ્રણી મુખ્ય કાર્યકર્તાઓ, પ્રવક્તાઓ, વિદ્વાનો, નેતાઓ, મુખ્ય વેપારીઓ અને સમાજસેવકો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા. આ પ્રસંગે ગાડજીએ અતિપ્રાચીન કાંગડા તીર્થના જીર્ણોદ્ધારના વિશિષ્ટ કાર્ય માટે અને વલ્લભસ્મારકની યોજના અંગે અપાર પરિશ્રમથી કાર્યસિદ્ધ કરનારા સાધ્વીજી મૃગાવતીજી મહારાજ વિશે કહ્યું કે, 'એક નવી પેઢીનું નૂતન તીર્થ સંયમશીલ, નિષ્ઠાવાન અને તેજસ્વી સાધ્વીજી મહારાજ શાસનનાં કેવાં કેવાં મહાન કાર્યો કરી શકે છે, તે અહીં જોવા મળે છે.’ મહોત્સવના સમાપનમાં સાધ્વીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે ‘આ સ્મારકની યોજનાને પૂર્ણ કરવા માટે ભારતભરમાંથી સહકાર મળશે, કારણ કે પૂજ્ય ગુરુદેવે સમાજ કલ્યાણ અને તેના ઉત્થાન માટે તેમજ ધર્મોદ્યોત કરવા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું. તેઓશ્રીનું ઋણ અદા કરવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આજે તમને આવી તક મળી છે, તો તમારા જે ભાવ અને શક્તિ હોય, તે અર્પણ કરજો.’ - સાધ્વીશ્રીના છટાદાર અને ભાવપૂર્ણ પ્રવચનનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આ જ સમયે કેટલાંક ભાઈ-બહેનોએ પોતાના શરીર પર પહેરેલા સોનાના અલંકારો અર્પણ કરી દીધા. જ્યારે અનેક શ્રાવક શ્રાવિકાઓએ યુગદ્રષ્ટા આચાર્યશ્રીના ૮૪ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ૮૪ મહિના માટે દર મહિને ૨૧ રૂપિયાથી માંડીને એક હજાર એક કે તેથી વધારે રકમ આપીને આ નિર્માણકાર્યમાં અનેરો ઉમળકો દાખવ્યો. સાધ્વીશ્રી મૃગાવતીજીના મનમાં વલ્લભસ્મારકના પ્રાંગણમાં જિનમંદિરની રચના કરવાનો વિચાર સતત ઘૂમરાતો હતો. આથી સમગ્ર વલ્લભસ્મારકની રચના ત્રણ વિભાગમાં કરવામાં આવી, જેમાં એક મુખ્ય સ્મારક-ભવન, બીજું જિનાલય અને ત્રીજું અતિથિ-આવાસગૃહ, આ ત્રણેય કાર્ય વલ્લભસ્મારક કે શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર દ્વારા સિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ વિરાટ કાર્યને સાકાર કરવા માટે એમણે મારકના સ્થળે જ સ્થિરતા કરી અને પોતાની સાધના અને આરાધના સાથે સક્રિય ગુરુભક્તિ રૂપે સ્મારકનું નિર્માણકાર્ય ચાલવા લાગ્યું. એમના રોમેરોમમાં ગુરુવલ્લભનું નામ વસેલું હતું. અહીં મચ્છર-ડાંસ વગેરેનો પુષ્કળ પરિષહ સહન કર્યો. ભૂખ અને તરસ પણ વેઠવી પડી, પરંતુ કડકડતો શિયાળો હોય કે બળબળતો ઉનાળો હોય, પરંતુ સાધ્વીજી મહારાજે કશું ય ગણકાર્યા વિના આ નિર્જન ભૂમિ પર મહિનાઓના મહિના પસાર કર્યા. એમનું જીવન આદર્શ ગુરુભક્તિનું દૃષ્ટાંત બની રહ્યું, તો એમની ગુરુભાવના સક્રિય જીવનસમર્પણનું ઉદાહરણ બની ગયું. વલ્લભસ્મારકનું નિર્માણ એ ગુરુભક્તિનું ઉજ્જવળ પ્રતીક બન્યું.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161