Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નવી પેઢીનું નૂતન તીર્થ
એના શિલારોપણ પ્રસંગની ભવ્ય ઉજવણી ૨૯ નવેમ્બર ૧૯૭૯ના રોજ થઈ અને આ સમયે આ સ્મારકને કાજે જીવન સમર્પિત કરનાર ઉત્સાહી અને કર્તવ્યનિષ્ઠ મંત્રી શ્રી રાજ કુમારજી જૈન તરફથી આ સ્મારક-ભવનમાં કરવા ધારેલ અગિયાર જેટલી પ્રવૃત્તિઓની આ પ્રમાણે માહિતી આપવામાં આવી.
(૧) ભારતીય તથા જૈનદર્શનનું અધ્યયન-સંશોધન, (૨) સંસ્કૃત તથા પ્રાકૃતનો અભ્યાસ, (૩) પ્રાચીન ગ્રંથોનો ભંડાર, (૪) પ્રાચીન ભારતીય દર્શનોનું તુલનાત્મક વિવેચન, (૫) જૈન તથા સમકાલીન સ્થાપત્યકળાનું સંગ્રહસ્થાન, (૯) યોગ અને ધ્યાનનું સંશોધન, (૭) નિસર્ગોપચારનું સંશોધન, (૮) પુસ્તકો તથા પત્રિકાઓનું પ્રકાશન, (૯) પ્રાચીન સાહિત્યનું પુનઃ પ્રકાશન, (૧૦) સ્ત્રીઓની કલાકારીગરીનું કેન્દ્ર અને (૧૧) મોબાઇલ દવાખાનું.
આમ સંસ્કૃતિના સર્વ ક્ષેત્રોને આવરી લેતી વિરાટ કલ્પના સાથે વલ્લભસ્મારકના સર્જન કાર્યમાં સહુ કોઈ જોડાઈ ગયા. તત્ત્વજ્ઞાન, સ્થાપત્ય, રોજગારી અને માનવઆરોગ્ય - એમ સઘળાં ક્ષેત્રોને એણે વ્યાપમાં લીધાં. એક વિશાળ આકાશનું સર્જન કરવાનો મહાપુરુષાર્થ આરંભાયો.
શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિ મંદિરની અનેકવિધ પ્રવૃત્તિઓની કલ્પના સહુના મનમાં રમવા લાગી.
વિરાટ સ્વપ્નનું વાસ્તવના ધરાતલ પર સર્જન કરવાનો શુભારંભ થયો.
સ્વપ્નો જોવાં સરળ છે, એને હકીકતમાં કંડારવા અતિ મુશ્કેલ છે.
વલ્લભસ્મારક(શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર)નું સ્વપ્ન એટલું વિશાળ હતું કે એણે ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મઆરાધના, ભારતીય દર્શનો, યોગ-ધ્યાન, જ્ઞાનપ્રસાર અને માનવઆરોગ્ય જેવાં સર્વવ્યાપી ક્ષેત્રોમાં કાર્ય કરવાનો ઉદ્દેશ રાખ્યો હતો. રાષ્ટ્ર, ધર્મ અને સમાજમાં સર્વતોમુખી નવજાગરણનો સંદેશ આપનાર ગુરુવલ્લભને સાચી શ્રદ્ધાંજલિ તો આ સર્વ ક્ષેત્રોમાં નવજાગૃતિ આણીને જ આપી શકાય. સ્મારકનું બાંધકામ શરૂ કરવા માટે નક્કર ભૂમિકા રચાઈ ગઈ. ભૂમિખનનની વિધિ પછી માત્ર ચાર જ મહિનામાં ૧૯૭૯ની ૨૯મી નવેમ્બરે શિલારોપણ (શિલાન્યાસ)ની વિધિનો મહોત્સવ યોજવામાં આવ્યો. આ પ્રસંગે વિશાળ જનસમુદાયે હાજરી આપી. સાધ્વીશ્રી મૃગાવતીજીના સાંનિધ્યમાં હર્ષોલ્લાસ અને ભક્તિપૂર્વક મહોત્સવની ઉજવણી થઈ અને પ્રચંડ લોકજુવાળ જોઈને સહુને એમ થયું કે ‘શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર” નામ ધરાવતા શ્રી વલ્લભસ્મારકની રચના થોડા જ સમયમાં દિલ્હીની ભૂમિ પર સાકાર થશે.