Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
ગુરધામને વંદના
ગુરૂધામને વંદના
પંજાબની વીર ભૂમિ પર વીરના ધર્મ એવા જૈન ધર્મનો પુનઃ પ્રસાર કઈ રીતે થયો ? જિનશાસનના ઇતિહાસની એક અજોડ અને અનેરી ઘટના છે કે લાંબા સમય બાદ પંજાબમાં જૈન ધર્મની બે મહાન વિભૂતિઓનો પ્રાદુર્ભાવ થયો. આ બંને વિભૂતિઓ પોતપોતાની પરંપરામાં રહ્યા હોત, તો સમર્થ ધર્મગુરુઓ બન્યા હોત, પરંતુ એમણે જૈન ધર્મના આચારવિચારો અપનાવ્યા અને જૈન ધર્મને બે સમર્થ વિભૂતિઓના પ્રભાવનો અનુભવ થયો.
ઈ. સ. ૧૮૦૭(વિ. સં. ૧૮૬૩)માં લુધિયાણા પાસેના દુલવા ગામમાં શીખ પરિવારમાં જન્મેલા બુટ્ટાસિંહનું મન પંજાબમાં વિહરતા સ્થાનકવાસી સાધુઓ તરફ આકર્ષાયું અને ઈ. સ. ૧૮૩૨(વિ. સં. ૧૮૮૮)માં દિલ્હીમાં આવીને પચીસ વર્ષની વયે દીક્ષા લઈ બુઢેરાયજીનું નામ ધારણ કર્યું. આગમોનું પરિશીલન, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઊંડો અભ્યાસ અને ક્રિયાકાંડની શિસ્તબદ્ધતા એમનામાં હતી, પરંતુ એમનું મન મૂર્તિપૂજા તરફ ઢળ્યું હોવાથી એમણે વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવી, પૂ. મણિવિજય મહારાજ પાસે નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમનું નામ બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું પરંતુ બુદ્ધિવિજયજી કરતાં બુટેરાયજી મહારાજ તરીકે વિશેષ જાણીતા બન્યા. એ જ પરંપરામાં કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના આત્મારામજી મહારાજ
આવ્યા, જેઓ બુટેરાયજી મહારાજના શિષ્ય બન્યા.
ઈ. સ. ૧૮૩૬ (વિ. સં. ૧૮૯૨)ના ચૈત્ર સુદ એકમ અને મંગળવારના રોજ પંજાબના જીરાનગર(ફિરોજપુર)થી સવા ત્રણ કિલોમીટર દૂર આવેલા લહરા ગામમાં આત્મારામજીનો જન્મ થયો. એમનું નામ દિનારામ રાખવામાં આવ્યું. ગણેશચંદ્ર અને રૂપાદેવીના આ પુત્રનો મૂળ ધર્મ કપૂર બ્રહ્મક્ષત્રિય હતો, પરંતુ દિત્તારામ (દેવીદાસ અથવા આત્મારામ) જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા. એમના પર ધાર્મિક ક્રિયાઓના સંસ્કાર પડ્યા અને ઈ. સ. ૧૮૫૪ (વિ. સં. ૧૯૧૦)માં ૧૮ વર્ષની વયે માલેરકોટલામાં સ્થાનકવાસી જીવણરામજી મહારાજ પાસે દીક્ષા લીધી અને એમનું નામ આત્મારામજી મહારાજ રાખવામાં આવ્યું.
પ્રતાપી મુખમુદ્રા, અજોડ સ્મરણશક્તિ, ભાષા પરનું પ્રભુત્વ, શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ ધરાવનાર પૂ. આત્મારામજી મહારાજે જૈન ધર્મના આગમગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, શાંકરભાષ્ય જેવા હિંદુ ધર્મના ગ્રંથો તેમજ કુરાન અને બાઇબલનો પણ અભ્યાસ કર્યો.
બન્યું એવું કે પૂર્વે બુટેરાયજીએ જેમ સ્થાનકવાસી છોડીને શ્વેતાંબર સંપ્રદાય અપનાવ્યો હતો, એ જ રીતે સ્થાનકવાસી જીવણરામજી મહારાજના શિષ્ય તરીકે આત્મારામજી મહારાજે બાવીસ વર્ષના દીક્ષાપર્યાય પછી બુટે રાયજી મહારાજ પાસે સંવેગપક્ષની દીક્ષા લીધી અને મૂર્તિપૂજક જૈન ધર્મનો ડંકો વગાડ્યો. તેઓની ઉદાર દૃષ્ટિને કારણે તમામ ધર્મના લોકો એમની પાસે આવતા અને હિંદુ, મુસલમાન અને શીખ કોમની કેટલીય વ્યક્તિઓ એમના ઉપદેશોનું પાલન કરતી હતી. તે સમયે જ્યોતિષ, આયુર્વેદ અને મંત્રતંત્રને કારણે યતિઓનો વિશેષ પ્રભાવ હતો. કેટલાંક નગરોમાં યતિની આજ્ઞા વિના ચાતુર્માસ થઈ શકતો નહીં. વળી રાજાઓની સંમતિને કારણે જૈન સાધુઓ કરતાં જૈન યતિઓનું ઘણું જોર હતું, ત્યારે આત્મારામજી મહારાજે યતિઓ સાથે શાસ્ત્રાર્થ કરીને એમનો પ્રભાવ દૂર કર્યો. પોતાની પ્રકાંડ વિદ્વત્તા, નિર્મળતા અને લોકોના સહકારને કારણે સાધુસમાજનો મહિમા કરવાની મોટી સિદ્ધિ મેળવી. શાસ્ત્રાભ્યાસ, વિદ્વત્તા અને તર્કપટુતા ઉપરાંત એમનામાં પંજાબી દેહનું ખડતલપણું અને પંજાબી મિજાજની ખુમારી પણ હતી.
ર