Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ એમણે ગુરુચરણોમાં રહીને જ્ઞાનાભ્યાસ કર્યો. જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંગ્રહણી, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ જેવા ધાર્મિક ગ્રંથોના સ્વાધ્યાયની સાથોસાથ વિનય, વૈયાવચ્ચ આદિ આવ્યંતર તપ એમના જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં હતાં. એમની ગુરુસેવા પણ અદ્ભુત હતી. પોતાના તપોમૂર્તિ ગુરુ શ્રી શીલવતીજી મહારાજની પચીસ વર્ષ સુધી સેવા કરી. એ ઉપરાંત છ મહિના ગૃહસ્થાવસ્થામાં ચાતુર્માસમાં સમર્પણ ભાવથી સેવા કરી હતી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને એમણે ગુરુ આત્મવલ્લભની સંસ્થાઓનું કે વલ્લભ-સ્મારકનું કાર્ય હોય, શિક્ષણસંસ્થાઓનું કામ હોય, સાધર્મિક બંધુઓને સહાય હોય કે દીન-દુ:ખી, ગરીબ કે બીમારને મદદ કરવાની હોય ત્યારે એમણે પ્રત્યેક કાર્યમાં ગુરુમહારાજને સાથ આપ્યો. કાંગડા તીર્થ સમયે જાપ કરીને એમની આત્મિક શક્તિનો પરિચય આપ્યો.
છેલ્લા દોઢ વર્ષ વલ્લભ-સ્મારકમાં પણ એમના નવકાર મંત્રના જાપ અને શંખેશ્વર પાર્શ્વનાથના જાપ લાખોની સંખ્યામાં થયા હતા, મીતભાષી સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજીના જીવનમાં પાઠ, પ્રાર્થના, માળા, જપ, ગુરુસેવા અને સદ્વાંચન એ મહત્ત્વનાં હતાં, સાધના, સેવા અને સમર્પણનો જીવનમંત્ર એમણે અંતિમ ક્ષણ સુધી સાર્થક કર્યો. તેઓ પોતાના ગુરુમહારાજમાં જ સર્વસ્વ પામ્યાં હતાં. એમને પાણી આપીને પાણી પીવું, ગોચરી આપ્યા પછી ગોચરી કરવી. એમની નાનામાં નાની જરૂરિયાત અને દવાઓનો ખ્યાલ રાખવો. આવાં સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજી અંતિમ સમયે પણ એટલાં જ સ્વસ્થ હતાં અને છેલ્લે પણ ત્રણ વખત એમણે કહ્યું કે મારા મહારાજ (સાધ્વીશ્રી મૃગાવતીજી)ની સંભાળ રાખજો. આ સાંભળી સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમને કહ્યું, મહારાજ , મહારાજ શું કરે છે ? છોડી દે મહારાજને ! અરિહંત અને શંખેશ્વર દાદા અને વલ્લભ સગુરુનું સ્મરણ કર. ત્યારે એમણે કહ્યું કે હવે હું બોલી શકતી નથી ત્યારે મોટા મહારાજ સાહેબે એમને ત્રણ નવકારમંત્ર સંભળાવ્યા અને સાધ્વીશ્રી સુયેષ્ઠાજી મહારાજનો આત્મા અનંતમાં લીન થઈ ગયો. છેક અંતિમ ક્ષણ સુધી એમની શુદ્ધિ રહી. ગુરુભક્તિ, સેવાભાવના, અત્યંતર તપ દ્વારા આગવી છાપ છોડી જનારાં સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીના કાળધર્મ પ્રસંગે સાધ્વી મૃગાવતીજીએ કહ્યું કે એ મારી
શિષ્યા હતી પણ એણે એક માતા હોય તે રીતે મારું ધ્યાન રાખ્યું છે. સેવા, સાધના, સમર્પણ, તપશ્ચર્યા અને સરળતા જેવા ઉચ્ચ ગુણ ધરાવતાં સાધ્વી સુજ્યેષ્ઠાજીનું સમાધિસ્થાન ગુરુ વલ્લભના ભવ્ય સ્મારકની પવિત્રભૂમિ પર રચવામાં આવ્યું. ગરીબોની સેવા અને સહાયતા માટે સતત ઉત્સુક એવાં સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીની સ્મૃતિમાં નિરાધાર લોકોની મદદને માટે સાધ્વી શ્રી સુજ્યેષ્ઠાજી ટ્રસ્ટ રચવામાં આવ્યું.
સુડતાલીસમાં ચાતુર્માસ બાદ સાધ્વી સુજ્યેષ્ઠાશ્રીજીના કાળધર્મ પછી મહત્તરાશ્રીજી એમનો વિયોગ વધુ સહન કરી શક્યાં નહીં અને માત્ર ઓઠ મહિનામાં જ મહત્તરા સાધ્વીશ્રી એ જ વલ્લભસ્મારકમાં ૧૯૮૬ની ૧૮મી જુલાઈએ કાળધર્મ પામ્યાં. જાણે ધર્મજીવનદાયી ગુરુદેવ વિજયવલ્લભસૂરિને એમની પુત્રીસમાન શિષ્યાની ધર્માજલિ ન હોય !
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીના ભવ્યજીવનની આ આછેરી ઝલક છે. એમનાં ચાતુર્માસોનાં વિહંગાવલોકન દ્વારા એમની વિહારયાત્રાને પામવાનો આ પ્રયત્ન છે. વિરાટ સાગરની ઓળખ આપવા માટેની હાથમાં રહેલી જલઅંજલિ છે. આની ઝાંખી મેળવીને હવે આપણે એમના સમગ્ર જીવનની સૂર્યસમાન ચમકતી ઘટનાઓનો આલેખ મેળવીશું, એમાં લહરા તીર્થ માટેનો પુરુષાર્થ, કાંગડા તીર્થનો ઉદ્ધાર, વલ્લભસ્મારકનું યશસ્વી નિર્માણ અને એમના કાળધર્મ પ્રસંગની ઝાંખી મેળવીશું.
પુષ્પોની સુવાસ પામવા માટે જેમ કોઈ ઉદ્યાનના પ્રવેશદ્વારે આપણે પ્રવેશીએ, એ રીતે આ વિરલ, પુણ્યસુવાસદાયી ઉદ્યાનના પ્રવેશદ્વારે આપણે પહોંચ્યા છીએ. એમાં ખીલેલાં આધ્યાત્મિક પુષ્પોનું દર્શન હવે પછીનાં પ્રકરણોમાં કરીશું.