Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાતમાં સૂર પુરાવ્યો. આ અંગે સાધ્વીશ્રી મૃગાવતીજીએ શ્રી આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ શ્રી ધર્મપાલજી ઓસવાલ (લુધિયાણાવાળા)ને બોલાવ્યા અને આ મહાન ગુરુની ભૂમિ પર એક સારી હૉસ્પિટલ ઊભી કરવાની પ્રેરણા આપી. ગ્રામજનોએ હૉસ્પિટલને જમીન આપવાનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને શ્રી ધર્મપાલજી ઓસવાલે એક અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલનો નકશો તૈયાર કર્યો, પરંતુ એવામાં ૧૯મી એપ્રિલ, ૧૯૭૯ના વૈશાખીના દિવસે અમૃતસરમાં નિરંકારી સમાજ-ભીંદરાવાલાના અનુયાયીઓ વચ્ચે મોટો વિવાદ થતાં સાંપ્રદાયિક તંગદિલી ઊભી થઈ. થોડો સમય સાંપ્રદાયિકતાનું વાતાવરણ શાંત પડે તેની રાહ જોઈ અને પછી લહરામાં લહરા સિવિલ હૉસ્પિટલ બનાવવાની યોજના સાથે આગળ વધ્યા.
આ સમયે પંજાબ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી સરદારીલાલજી કપૂર સાથે ધર્મપાલજી ઓસવાલ સંપર્કમાં હતા. ગ્રામજનોના સહયોગથી તથા શ્રી ધર્મપાલજી ઓસવાલ અને એમનાં ધર્મપત્ની શ્રી અંજના ઓસવાલના આર્થિક સહયોગને પરિણામે લહરા ગામમાં લહરા સિવિલ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી અને પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીના આશીર્વાદ તથા શ્રી ધર્મપાલજી ઓસવાલ અને શ્રી સત્યપાલજી જૈનના અથાગ પ્રયત્નોને કારણે આ તીર્થસ્થાનમાં લોકોની સુખાકારી માટે સુંદર હૉસ્પિટલ તૈયાર થઈ.
સાધ્વીશ્રી મૃગાવતીજી ઈ. સ. ૧૯૬૯ના મૈસૂરના ચોમાસા પછી બેંગલુરુ માં ગયાં અને તેઓ પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા ગયાં. ઉપાશ્રયમાં સાધ્વીજી જેવાં વંદન માટે પ્રવેશ્યાં, તેવા જ આચાર્યશ્રીએ કહ્યું, ‘આવ આવ, કમાઉ બેટા, આવ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ અને અમારા આચાર્યશ્રી લબ્ધિસૂરિજી મહારાજ ન કરી શક્યા તે, બેટા તેં કરી બતાવ્યું.’
આચાર્યશ્રીનો કહેવાનો ભાવ એ હતો કે બીજા કોઈ કરી શક્યા નહીં એવું કાર્ય તમે સંપન્ન કર્યું છે. કમાઉ દીકરાની માફક અઢળક કમાણી કરી આપી છે. વાત પણ સાચી હતી. લહરામાં પૂ. વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજ)નું જન્મસ્થળ શીખ સમાજ પાસે હતું. પૂર્વે એ જમીન મેળવવાના ઘણા પ્રયત્નો થયા હતા, પણ નિષ્ફળ ગયા હતા. આ સમયે તપોમૂર્તિ પૂજ્ય સાધ્વીશ્રી
રદ
ગુરુધામને વંદના
શીલવતીજી મહારાજ અને સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજ જમીનમાલિક પાસે ગયાં અને કહ્યું, ‘બાબાજી, હમારી ઝોલી મેં યે ડાલ દો.’ અને શીખ સમાજના એ ભાઈએ પોતાની ભૂમિ સાધ્વીશ્રીને સમર્પિત કરી દીધી.
આ રીતે ગુરુ આત્મારામજી મહારાજના જન્મસ્થાન તરફ સહુની દૃષ્ટિ ગઈ અને એ પછી એમના આજ્ઞાનુવર્તી શિષ્યા સાધ્વીશ્રી સુવ્રતાજી મહારાજ, સાધ્વીશ્રી સુયશાજી મહારાજ અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાજી મહારાજની પ્રેરણા અને એમની નિશ્રામાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગારોહણ શતાબ્દીના ઉપલક્ષમાં જીરામાં શિક્ષણ સંસ્થાનું ભૂમિપૂજન અને શિલાન્યાસ યોજાયો. એ સમયે ભાવનાની ભરતી જાગી અને જીરામાં પૂ. આત્મારામજી મહારાજના સમાધિસ્થળના વિશાળ પ્રાંગણમાં ‘શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ’ (સ્કૂલ)નું નિર્માણ કરવામાં આવ્યું. ૧૯૯૪ની ૨૫મી એપ્રિલે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસવિધિ થયાં અને શ્રી વીરેન્દ્રકુમારજી જૈન (વીરભાઈ)ના અથાગ પ્રયત્નથી માત્ર ચાર મહિનાના અલ્પકાળમાં જ ‘શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠ' (જીરા)ના ઉદ્ઘાટનનો લકી ડ્રો શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના હસ્તે થયો અને ઉદ્ઘાટન તા. ૧૬મી નવેમ્બર ૧૯૯૪ના રોજ થયું.
ભાવનાઓમાં કેવી ભરતી આવે છે, એનો આનંદ આ પંજાબના ફિરોજપુર
જિલ્લામાં આવેલા જીરા ગામની ઘટનાથી જોઈ શકાશે.
સાધ્વી મૃગાવતીજીએ લહરા-જીરામાં કીર્તિસ્તંભની રચના ઈ. સ. ૧૯૫૮માં કરી. એ પછી થોડા સમય બાદ ઈ. સ. ૧૯૭૮માં સાધ્વીશ્રી મૃગાવતીજીના ઉપદેશ અને નિશ્રામાં પહેલીવાર લુધિયાણાથી ગુરુધામ લહરાનો ત્રણસો ભાઈબહેનોનો પદયાત્રાનો સંઘ નીકળ્યો. એ સમયે લહરા તીર્થના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક સહાય અપાવી, તો એમનાં આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓએ એ જ ગામમાં ગુરુવલ્લભે પ્રબોધેલા સરસ્વતીમંદિરનું ઈ. સ. ૧૯૯૪માં નિર્માણ કર્યું. દીવે દીવો પેટાય તે આનું નામ !
૧૨૯