Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ એક એવું અનુપમ, હર્ષોલ્લાસભર્યું સ્વાગત થયું કે જેમણે એ નિહાળ્યું, તે હજી પણ એ ભાવ, ભક્તિ, ઉમંગ અને ઉત્સાહ ભૂલી શક્યા નથી. ઉત્સવમાં ભાગ લેવા આવેલા હિમાચલ પ્રદેશના તત્કાલીન શિક્ષણમંત્રી શ્રી દોલતસિંહજી ચૌહાણ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શ્રમણકુમારજી ચૌહાણે સાધ્વીશ્રી મૃગાવતીજીના કાંગડામાં ચાતુર્માસ સમયે સ્વાગત કરતાં કહ્યું કે એમના આગમનથી આ ધરતી પાવન થઈ છે અને કણ કણ પુલકિત થઈ ગયા છે. આવો સંત સમાગમ જન્મજન્માંતરના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય.
આ પ્રસંગે સાધ્વશ્રી મૃગાવતીજીએ ગુરુવલ્લભના વચન અનુસાર કાંગડા તીર્થને શત્રુંજય બનાવવા માટે નજીકની તળેટીમાં શાસ્ત્રીય રીતે એક નૂતન રમણીય શિખરબંધી દેરાસર બનાવવાની યોજના પ્રસ્તુત કરી અને જનમેદનીએ તાલીઓના ગડગડાટ સાથે એમની વાતને વધાવી લીધી. સાધ્વીશ્રી મૃગાવતીજી અને અન્ય સાધ્વીસમુદાય ધર્મશાળાના સ્થાનમાં ઊતર્યાં હતાં, તે કાંગડાની ભૂમિનું સૌથી રળિયામણું સ્થાન હતું. જાણે કોઈ ઋષિની તપોભૂમિ જેવું જ લાગે. એની આસપાસ હરિયાળાં લીલાંછમ ખેતરો ફેલાયેલાં જોવા મળતાં હતાં. એક બાજુ બાણગંગા અને બીજી બાજુ માઝી નદીનો મધુર કલકલ નાદ અને પક્ષીઓના કલરવથી વાતાવરણ સતત કર્ણમધુર સંગીતથી ગુંજતું હતું.
મોડી રાત્રે ચોતરફ શાંત અને નિરવ વાતાવરણ હોય ત્યારે નદીના વહેતા નીરના સુમધુર નાદની સાથે એક પહાડી યુવાનની વાંસળીનો મંદમંદ સુર એવી રીતે વાગતો હતો કે મધ્યરાત્રીએ એ સાંભળનારને પ્રકૃતિ અને સંગીતની દિવ્યતાનો અનુભવ થતો. પરમતત્ત્વનો સ્પર્શ અનુભવાતો અને વાંસળીના મધુર સૂરો શ્રવણ કરનારના કાનમાં સદા ગુંજતા રહેતા હતા. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ એ વાંસળીવાદક યુવાનની તપાસ કરાવીને તેને બોલાવ્યો. પૂ. સાધ્વીજીને સંગીતકલામાં ઊંડા રસરુચિ હોવાથી એમણે એની કલાનો આનંદ માણ્યો એટલું જ નહીં, પણ એને એ કળામાં પ્રગતિ સાધીને વિકાસ સાધવાની પ્રેરણા આપી. પરોઢિયે પર્વતના હિમાચ્છાદિત શિખર પર પડતાં સૂર્યનાં કિરણો જાણે કે પ્રકૃતિ દેવીના તેજે મયાં ન હોય ! આવા અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં બેસીને ધ્યાન કરવું, એનો આનંદ જ કંઈ ઓર હતો.
આવા સૌંદર્યમંડિત પાવન સ્થાન પર જગતને અસિ, મસિ અને કૃષિને
ઉત્તર ભારતમાં શ્રી શત્રુંજય તીર્થ ! - શીખવનાર ભગવાન આદિનાથની સ્થાપિત પ્રતિમાનાં દર્શન કરવા માટે સર્વ ભાવિકો ઉત્સુક હતા. સહુ કોઈ ઇચ્છતા હતા કે એમને સદાને માટે એમના ભગવાનનાં દર્શન અને પૂજાસેવાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીએ આ મંગળકારી ઇચ્છાની પૂર્તિને માટે જપ-આરાધના શરૂ કરી. હોશિયારપુરથી આવેલી શ્રાવિકાઓને પણ કાર્યસિદ્ધિમાં સાધક બનવા માટે જપ કરવાની સલાહ આપી અને એક જપમય, તપોમય વાતાવરણ સર્જાઈ ગયું. ધ્યેયસિદ્ધિમાં જપસાધનાનું બળ ઉમેરાયું.
એનો પ્રભાવ કહો તો પ્રભાવ અને સાધ્વીજીનું સંકલ્પબળ કહો તો તે, પરંતુ જપસાધનાનો પ્રારંભ કર્યા પછી માત્ર સત્તર દિવસ બાદ ૧૯૭૮ની ૯મી ઑગસ્ટે પુરાતત્ત્વ વિભાગના અધિકારી શ્રી શીતલપ્રસાદજી જૈન સ્વયં પૂ. સાધ્વીજી મહારાજનાં દર્શને આવ્યા.
સાધ્વીજી મહારાજે કહ્યું કે જૈનોને એમના ભગવાનની પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. આ શબ્દોનો એવો પ્રભાવ પડ્યો કે પંચાવન વર્ષની મુશ્કેલીઓ માત્ર પંદર મિનિટના વાર્તાલાપમાં દૂર થઈ ગઈ. સરકારી અધિકારી શ્રી શીતલપ્રસાદજી દિગંબર જૈન હોવાથી સાધ્વીજીની ભાવનાને તત્કાળ પામી ગયા અને એમના પ્રસ્તાવને શીધ્ર કાર્યાન્વિત કરી દીધો.
પ્રભુપૂજા માટે સમગ્ર વર્ષમાં માત્ર ત્રણ જ દિવસ દ્વાર ખૂલતાં હતાં. હવે ચાર મહિના સુધી દ્વાર ખુલ્લાં રહેશે એમ કહ્યું . એમણે કહ્યું કે હું તો એક નાનો, સામાન્ય અધિકારી છું, તેથી મારાથી તમને હંમેશને માટે આ સ્થાન આપી શકાય નહીં. આ અંગે હું મારા ઉપરી અધિકારી સમક્ષ તમારી યોગ્ય દરખાસ્ત પ્રસ્તુત કરીશ.
છેલ્લાં પંચાવન વર્ષથી સમાજ અને રાષ્ટ્રના દિગ્ગજ અગ્રણીઓ પણ પ્રયાસ કરતા હતા. ખુદ શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને જે કાર્ય અસંભવ લાગ્યું હતું, તે સાધ્વીશ્રી મૃગાવતીજીના પુણ્યપ્રતાપે સંભવ બન્યું. સાધ્વીશ્રી મૃગાવતીજી રોજ બપોરે ત્રણથી ચાર વ્યાખ્યાન આપતાં હતાં. કાંગડાના પહાડી લોકો એમનું મધુર વ્યાખ્યાન સાંભળીને ભાવવિભોર બની જતા.
આ પહાડી લોકો સામાન્ય રીતે તો એમના ઘરમાંથી કાનખજૂરા, સાપ જેવા જીવ નીકળતા, તો એને મારી નાખતા હતા. હવે એમને અભયદાન
- ૧૩૭
૧૩૬