Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
નમ્રતા અને નિઃસ્પૃહતા
પ્રેરણાની પાવનમૂર્તિ વિદ્યાલયો, અતિથિગૃહો, ગ્રંથાલયો, દવાખાનાંઓ અને એવાં અન્ય લોકકલ્યાણકારી કાર્યો થઈ રહ્યાં હતાં. અનેક જીવનમાં થઈ શકે તેવું કામ તે એક જીવનમાં કરી રહ્યાં હતાં. એમની આંતરિક ગુણસંપત્તિને પરિણામે એમનું આંતરજીવન સહુ કોઈને સ્પર્શી જતું, તો એમની વિદ્વત્તા, વફ્તત્વશક્તિ અને સત્યપ્રિયતા સહુના ચિત્ત પર ચિરસ્થાયી પ્રભાવ પાડતાં હતાં.
વિધિની કેવી અપૂર્વ ઘટના કહેવાય કે જ્યારે પંજાબદેશોદ્ધારક આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીએ (પૂ. આત્મારામજી મહારાજે) સતલજના તીરેથી પોતાના શિષ્ય વિજયવલ્લભસૂરિજીને અંતિમ સંદેશમાં અનુભવ-નવનીત આપતાં કહ્યું,
‘સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, સરળતા તથા અનન્ય ગુરુભક્તિ પણ કેમ ભુલાય ? એ પ્રદેશો દ્વારા જૈનસમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે. ક્રાન્તિ અને શાંતિ એ મંત્રો જો બરાબર ઝીલી લે, તો ભવિષ્યના જગતમાં અહિંસા અને સત્યનો ભારે વિજય થાય. મારું કાર્યક્ષેત્ર હવે પૂરું થયું છે. આ ખોળિયું તો જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે ! હું ચિરશાન્તિ ઝંખી રહ્યો છું. વલ્લભ! તું હિંમત રાખજે, મારી પાર્ટ તને સોંપું છું. પંજાબની રક્ષા એ જ મારી અંતિમ કામના.”
પોતાના ગુરુના અંતિમ સમયની એ ભાવના હૃદયમાં ધારણ કરીને પંજાબ કેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પણ પંજાબની ભૂમિ પર જીવનના અંતિમકાળ સુધી કાર્ય કરવાની ભાવના સેવી હતી. આત્માનંદી ગુરુ વિજયાનંદસૂરિ પંજાબ દેશોદ્ધારક બન્યા, તો એમના શિષ્ય આચાર્ય વિજયવલ્લભસૂરિ પંજાબ કેસરી બન્યા ! જિનશાસનની આ કેવી અનેરી ઘટના કહેવાય ! એક જ ભૂમિને પ્રતાપી ગુરુ-શિષ્યના પ્રભાવનો પુણ્યયોગ સાંપડે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પાછલી અવસ્થામાં ગુજરાતમાં આવ્યા. મુંબઈમાં પધાર્યા. આ સમયે તેઓની વૃદ્ધાવસ્થા જોઈને ઘણા શ્રાવકો એમને વિનંતી કરતા કે આપ ગુજરાત છોડીને જાવ નહીં. અહીં જ શાસનસેવાનાં કાર્યો કરો.
ત્યારે જીવનના પાછલા પહોરે પણ તેઓ ગુરુની ભાવના ભૂલ્યા નહોતા. તેમણે કહ્યું, ‘શ્રી સિદ્ધાચલની યાત્રા કરવાની ભાવના રાખું છું. યાત્રા કરીને ગુજરાતમાં નહીં, પણ મારા પ્રિય પંજાબની રક્ષા માટે પાછો પંજાબમાં આવી શ્વાસોશ્વાસ ચાલતાં સુધી ગુરુદેવનો સંદેશ ગામે ગામે, શહેરે શહેરે, મંદિરે મંદિરે, ઉપાશ્રયે ઉપાશ્રયે, સંસ્થાએ સંસ્થાએ પહોંચાડવાની ભાવના છે. જ્યાં સુધી હાથપગ-જબાન સાજાં છે, ત્યાં સુધી વલ્લભવિજય વિચરતો જ રહેશે. આ શરીરથી જેટલું કાર્ય થાય, જેટલો કસ લેવાય તેટલો લેવો છે.”
વડોદરામાં જન્મેલા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પંજાબની ભૂમિની સેવા કરવાની ભાવનાનો પડઘો એમનાં શિષ્યા સાધ્વીશ્રી મૃગાવતીજીમાં ગુંજવા લાગ્યો. પંજાબના શ્રીસંઘ પ્રત્યે સાધ્વીજીની મમતા અને ધર્મપ્રીતિ સાચે જ અપાર હતી. એમની ધર્મશ્રદ્ધા અને ગુરુભક્તિનાં એ રખેવાળા હતાં. એમનાં શાસનસેવાનાં સર્વતોમુખી કાર્યોએ પંજાબમાં એક નવો જુવાળ જગાવ્યો. એમની વ્યાપક દૃષ્ટિ, અંતર્મુખ સાધના અને જીવમાત્ર પ્રત્યેની વત્સલતાને કારણે તેઓ જ્યાં જ્યાં વિહાર કરતાં હતાં, ત્યાં ત્યાં ધર્મભાવનાનો પાવન પ્રવાહ જનહૃદયમાં શુદ્ધિ લાવતો હતો અને એમનાં લોકકલ્યાણનાં કાર્યો પ્રજાજીવનમાં ખુમારી રેડતાં હતાં.
અંબાલા, લુધિયાણા, લહરા અને કાંગડા તીર્થની એમની શાસનસેવાએ સમગ્ર સંઘમાં એક નવો ભાવ જગાવ્યો. પંજાબમાં જિનમંદિરોની સ્થાપના, તીર્થોનો ઉદ્ધાર, શિક્ષણ સંસ્થાઓની પ્રેરણા, મધ્યમ વર્ગને સહાયતા વગેરેને પરિણામે એમનો પ્રભાવ સર્વત્ર ફેલાયો હતો, આથી જૈનાચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિત્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જૈનભારતી, પરમ વિદુષી, સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની'ની પદવી અર્પણ કરવાનું વિચારવામાં આવ્યું.
જૈન ધર્મમાં નારીશક્તિનો અપાર મહિમા છે અને જિનશાસનમાં ગૌરવવંતી શ્રમણીઓ મળે છે. છેક ભગવાન ઋષભદેવના સમયમાં એમની બંને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ દીક્ષા લીધી હતી અને સ્ત્રીઓ માટે મોક્ષમાર્ગનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. ભગવાન ઋષભદેવનાં માતા મરુદેવાને કેવળજ્ઞાન
૧૪