Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
મહારાજા સંસ્કૃત કૉલેજમાં સંસ્કૃત ભાષામાં માર્મિક વ્યાખ્યાન આપ્યું હતું. સાધ્વીજીની પ્રેરણાથી ‘હીરાચંદ નાહ૨ દેવભવન’(ધર્મશાળા)નું નિર્માણ થયું અને જનસમુદાયમાં એમના પ્રત્યે એટલી બધી શ્રદ્ધા જાગી કે સહુ કોઈ એમનાં દર્શન અને વ્યાખ્યાન-શ્રવણ માટે આવતા હતા. એમણે સહુને સાચા માનવી બનવાની પ્રેરણા આપી અને ગુનેગાર હોય તેને ગુણવાન બનાવવાનો પ્રયાસ કરવાનો ઉપદેશ આપ્યો. ત્યાંના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ આર્ય લક્ષ્મણ, દિગંબર વિદ્વાન ધરણેન્દ્રેય્યા વગેરે સાથે સાધ્વીજીને વિચારવિમર્શ થતો.
બેંગલુરુના આ ચાતુર્માસ સમયે શ્રીસંઘના પ્રમુખ શ્રી લક્ષ્મીચંદજી કોઠારી, શ્રી દેવીચંદજી કુંદનમલજી, શિક્ષાપ્રેમી કર્મઠ કાર્યકર્તા વિદ્વત્ પરિચયપ્રેમી શ્રી જીવરાજજી ચૌહાણ, શ્રી લબ્ધિચંદજી વગેરે કાર્યકર્તાઓએ ઘણું યોગદાન આપ્યું હતું અને સાધ્વીજીની નિશ્રામાં શ્રી હસ્તિનાપુર તીર્થ ભોજનાલય માટે તથા બેંગલુરુની દિગંબર રન્ના કૉલેજ માટે સારી એવી ૨કમ એકત્રિત થઈ. મહાવીર જૈન વિદ્યાલયની આગમપ્રકાશન યોજનામાં આર્થિક સહયોગ મળ્યો.
મુંબઈના ઉપનગર ખારના સ્થાનકવાસી સંઘ તથા મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈન વગેરે શ્રાવકોની આગ્રહભરી વિનંતીને કારણે ૧૯૭૧ના તેત્રીસમા ચાતુર્માસ માટે આચાર્યશ્રી સમુદ્રસૂરિજીની આજ્ઞા મેળવીને સાધ્વીજીએ બેંગલુરુથી મુંબઈ તરફ વિહાર કર્યો. વિહારનાં મહત્ત્વનાં સ્થાનોએ વ્યાખ્યાનધારા ચાલુ રહી. કચ્છના પરમ ગુરુભક્ત ખીમજીભાઈ છેડા અને શ્રી દામજીભાઈ છેડાના પરિવારના શ્રી નાનજી ધારશી છેડાની સુપુત્રી જયભારતીબેનને વૈરાગ્યનો રંગ લાગતાં દીક્ષા ગ્રહણ કરવાની પુણ્યભાવના તેમણે પ્રગટ કરી. આ પહેલાં જયભારતીબહેનને ભાયખલામાં સાધ્વીશ્રી મૃગાવતીજીનો પ્રથમ પરિચય થયો. તે પછી દહાણુ, મૈસૂર, બેંગલુરુ વગેરે શહેરોમાં પાંચ વર્ષ તેમની સાથે જ વિચરણ કર્યું, જેના પરિણામે ભાયખલામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ અને પરમ શ્રદ્ધેય આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજના શુભહસ્તે એમને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ સાધ્વી શ્રી સુયશાશ્રીજી ઘોષિત કરવામાં આવ્યું.
મધુર કંઠ ધરાવતાં સાધ્વી સુયશાશ્રીજી અવધૂ યોગી આનંદધન અને શ્રી
૧૦૬
આત્મ-ક્રાંતિના ઓજસ
ચિદાનંદજી મહારાજનાં પર્દા અને પ્રભુસ્તવનોનું એવું મધુર ગાન કરે છે કે જેનાથી શ્રાવક-શ્રાવિકાઓમાં ભક્તિનું જાગરણ થાય છે.
એક વાર ૧૯૮૧ના ચાતુર્માસમાં અંબાલામાં સાધ્વીશ્રી મૃગાવતીજી પાસે શ્રી દેવરાજજી સિંગર આવ્યા. આ દેવરાજજી સિંગરને સ્વયં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ દરેક પૂજા એના મૂળ શાસ્ત્રીય રાગોમાં શિખવાડી હતી. આવા પરમ ગુરુભક્ત શ્રી દેવરાજજી સિંગર વયોવૃદ્ધ થયા હતા તેથી એમણે સાધ્વીજી સમક્ષ એવી ભાવના વ્યક્ત કરી કે મારે મારું આ સંગીતજ્ઞાન કોઈ યોગ્ય પાત્રને આપવું છે. જો આ મૂળ શાસ્ત્રીય રાગો હું કોઈને શિખવાડું નહીં તો સમય જતાં એ લુપ્ત થઈ જશે અને આપણો સંગીત વારસો નષ્ટ થઈ જશે.
શ્રી દેવરાજજી સિંગરની આવી ભાવના જાણીને સાધ્વીશ્રી મૃગાવતીજીએ તત્કાળ કહ્યું કે મારાં સાધ્વીશ્રી સુયશાજીને તમે શિખવાડી દો. અને એ રીતે વિવિધ પૂજાઓના મૂળ શાસ્ત્રીય રાગોનું જ્ઞાન એમને પ્રાપ્ત થશે અને અમે એમના દ્વારા એ જ્ઞાન સતત વહેતું રહે એવો પ્રયત્ન કરીશું. અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં તે જ રાગોમાં પૂજાઓ શિખવાડીશું અને એ રીતે આપની ભાવના પરિપૂર્ણ થશે. દીવે દીવો પેટાય એવું બનશે.
એ પછી સાધ્વીશ્રી સુયશાજીએ શ્રી દેવરાજજી પાસેથી શાસ્ત્રીય રાગોમાં એ પૂજાઓ શીખી લીધી અને ત્યારબાદ પંજાબમાં સમગ્ર મહિલા મંડળોને શાસ્ત્રીય રાગોમાં બધી પૂજાઓ શિખવાડીને પૂજ્ય ગુરુ વલ્લભ અને લાલા દેવરાજજીની ભાવના પૂરી કરી.
શિષ્યાઓની બાબતમાં સાધ્વીજી અતિ નિઃસ્પૃહ હતાં. તેઓ શિષ્યાઓનો અલ્પ પરિવાર રાખવામાં માનતાં હતાં. શિષ્યા પરિવારની વૃદ્ધિમાં સહેજે રસ નહીં. ૧૮ વર્ષની ઉંમરે એમણે પચ્ચખ્ખાણ લીધાં હતાં કે માત્ર બે શિષ્યાઓ જ કરવી, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીની તેજસ્વિતા, તપશ્ચર્યા અને જ્ઞાનનું ઊંડાણ જોઈને અનેક શિક્ષિત બહેનો એમની પાસે દીક્ષા લેવા માટે આતુર રહેતી. એમણે ધાર્યું હોત તો ચાલીસ જેટલી એમ.એ., પીએચ.ડી. થયેલી અથવા ઉચ્ચ શિક્ષિત કન્યાઓને પોતાની શિષ્યા બનાવી શક્યાં હોત, પરંતુ કોઈ એમની સમક્ષ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કરે, ત્યારે એને કોઈ બીજા ગુરુમહારાજનું નામ આપતાં અને કહેતાં કે એ એમની પાસે જઈને દીક્ષા લેશે, તો એનું ભવિષ્ય વધુ ઉજ્જ્વળ થશે.
૧૦૭ -