Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
આત્મ-ક્રાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ મહિમા’, ‘વીરચંદ ગાંધી અને ભારતીય સંસ્કૃતિ', ‘આજના સમયમાં અહિંસાની આવશ્યકતા’ ‘વર્તમાન યુગ અને ધર્મ’, ‘જૈન આગમસાહિત્યમાં સંગીતનું સ્થાન’ જેવા વિષયો પર પ્રેરક વ્યાખ્યાનો આપ્યાં. તા. ૧૧-૮-૧૭ના રોજ અચલગચ્છના પૂ. દાનસાગરસૂરિજીની છઠ્ઠી સ્વર્ગારોહણ જયંતિની ઉજવણી શ્રી અનંતનાથ જૈન ઉપાશ્રયમાં પૂ. સુનંદાશ્રીજી વગેરેની નિશ્રામાં ઉજવાઈ તેમાં માંડવી જૈન સંઘની વિનંતીથી પૂ. મૃગાવતીજી પધાર્યા અને ગચ્છ, સંપ્રદાયોને નજીક આવવા અપીલ કરી. સાધ્વીજીની સત્યનિષ્ઠાએ સમાજના પ્રબુદ્ધ વર્ગને વિચારતા કરી દીધો. યુવાનો અને પ્રગતિચાહકો ધર્મમાં પહેલીવાર રસ લેવા માંડ્યા. ધર્મમાં જામેલાં આડંબરનાં આવરણો ઉખાડીને સત્યધર્મની ઓળખ આપવા લાગ્યા. આનું એક ઉદાહરણ જોઈએ તો સાધ્વીજીએ ‘તપનો મહિમા' વિષય પર વ્યાખ્યાન આપતાં કહ્યું -
“આજે આપણી તપશ્ચર્યામાં અજ્ઞાન અને આડંબર પ્રવેશી ગયાં છે, પરિણામે ન તો કર્મોની નિર્જરા થાય છે કે ન તો તેજ કે આત્મશક્તિ વધે છે કે ન તો કોઈ વિશેષ લબ્ધિ કે શક્તિ પ્રાપ્ત થાય છે. આપણે પોતે જ તેમનું રહસ્ય સમજતા નથી અને બીજાઓને સમજાવી શકતા નથી. આજે મોટે ભાગે બધી જગાએ લોકો શક્તિ ન હોય તો પણ ધૂમધામ અને વાહ-વાહને માટે કે આ જન્મ અને આગલા જન્મના સાંસારિક સુખ-ભોગોની લાલસાથી તપ કરે છે. આમ કરવાથી નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો દોષ લાગે છે. શાસ્ત્રઅનુસાર તપ શલ્યરહિત હોવું જોઈએ. આપણે મોટેભાગે એ બાબત હંમેશાં જોઈએ છીએ કે લોકો બે-ત્રણ ઉપવાસ કર્યા પછી શિથિલ થઈ જાય છે અને ત્યારબાદ પથારીમાં સૂતાં-સૂતાં અઠ્ઠાઈ કરે છે. ઘરના બે-ચાર લોકોને એમની સેવામાં હાથ જોડીને ખડેપગે ઊભા રહેવું પડે છે. ડૉક્ટરને બોલાવવો પણ જરૂરી બને છે. કેટલાકનું તો મંદિરમાં જવું પણ બંધ થઈ જાય છે. પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ ધર્મકાર્યો અને બીજાં અનેક જરૂરી કાર્યોમાં અવરોધ આવે છે.
“આપણે તપશ્ચર્યા એ રીતે કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછું આપણું રોજિંદુ ધર્મકાર્ય અવરોધ વગર અને અન્યની મદદ વગર કરી શકીએ. એવું પણ ઉદહરણ છે કે તપશ્ચર્યા બાદ વ્યક્તિ એટલી બધી નબળી થઈ જાય છે કે ડૉક્ટરને
લિવર એક્સ્ટ્રક્ટનાં ઇંજેક્શન આપવાં પડે છે. આમ એક બાજુ આત્મકલ્યાણ અને
અહિંસાની વૃદ્ધિ માટે તપ કરવામાં આવે અને બીજી બાજુ અભક્ષ્ય દવાઓનું સેવન કરવામાં આવે, તો તે આત્મવંચના નથી તો બીજું શું છે ?”
અન્ય એક પ્રસંગે તેઓએ જણાવ્યું કે આપણી ધાર્મિક ક્રિયાઓ કરતાં આવડે તો તે બધામાં યોગ જ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પણ જુદા જુદા આસનો અને યોગ જ છે.
સાધ્વીશ્રી મૃગાવતીજીના વિચારોમાં પ્રચંડ ક્રાંતિ હતી, પણ એમના વક્તવ્યમાં ભરપૂર વાત્સલ્ય અને અભિવ્યક્તિમાં ઊંડી સમજ પ્રગટતાં હતાં. આથી સમાજના રૂઢાચાર કે બાહ્યાડંબર પર પ્રહાર કરતાં, ત્યારે ગુસ્સાભર્યા આક્રોશને બદલે એમની વાણીમાં હૃદયને ખાદ્ધ કરે તેવી કરુણા પ્રગટતી હતી. ધર્મોપાસનાને નામે દંભ, આડંબર, ધનનું પ્રદર્શન કે દેખાડો ચાલતો હતો, તેની સામે નિર્ભય રીતે અવાજ ઉઠાવતાં હતાં. એમની વાણીની નિખાલસતા શ્રોતાઓને વિચારવા પ્રેરતી અને એની સચ્ચાઈ શ્રોતાઓના હૃદયને પ્રભાવિત કરતી. આને પરિણામે સમાજ નો જાગ્રત અને બૌદ્ધિક વર્ગ મતાનુગતિક રીતે વિચારવાને બદલે નવી દષ્ટિએ ધર્મનાં મૂળતત્ત્વોને યથાર્થ રૂપે સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
વળી, સાધ્વીજી ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ વારસાનું સ્મરણ કરાવવા માટે પુણ્યતિથિ કે જયંતીના સંદર્ભે ઉત્સવો યોજતાં અને વ્યાખ્યાનવાણી વહાવતાં હતાં. એ મહાન પ્રભાવકોના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતાં હતાં. મુંબઈમાં એમણે જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પુણ્યતિથિ, આચાર્ય સાગરાનંદસૂરિજીની પુણ્યતિથિ, ગુરુ વલ્લભની પુણ્યતિથિ અને ગાંધીજયંતી જેવા વિષયો પર નમિનાથ ઉપાશ્રય, વાલકેશ્વર જૈન ઉપાશ્રય, કચ્છી-વીસા ઓસવાળ જૈન મહાજન વાડી અને અખિલ હિંદ મહિલા પરિષદ જેવાં સ્થળોએ વ્યાખ્યાનો આપ્યાં.
જેમ કમળની પાંખડીઓ ધીરે ધીરે વિકસીને પૂર્ણરૂપ પામે, એ રીતે સાધ્વીશ્રી મૃગાવતીજીને જ્ઞાન, ધ્યાન અને સેવા-સત્કાર્યમાં પૂર્ણ રૂપે ખીલેલાં જોઈને માતાગુરુ સાધ્વીશ્રી શીલવતીજીને અપાર આનંદ થતો હતો. પોતાની