Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
નૈતિક વિષયો ઉપરના વ્યાખ્યાનોની જનતા ઉપર ખૂબ અસર થઈ. કૃષ્ણભવનમાં પણ બે વ્યાખ્યાન થયા. ત્યાં વ્યાખ્યાન બાદ કીર્તન પણ થતાં. ડૉ. દિલબાગરાય, શેઠ દુર્ગાદાસ, શેઠ જક્કીમલ જૈનના પુત્ર શ્રી જુગમિંદરદાસ જૈન વગેરેએ ઉત્સાહપૂર્વક કામગીરી બજાવી. ત્યાં સંક્રાંતિની ઉજવણીમાં આજુબાજુના ૫૦ ભાઈ-બહેનો આવ્યા. પછી અંબાલા તરફ વિહાર કર્યો.
સાધ્વીશ્રીએ ઈ. સ. ૧૯૫૮માં અંબાલામાં બીજી વાર ચાતુર્માસ કર્યો. આ સમયે તેઓના ચિત્તમાં ૧૯૫૪ના પ્રથમ ચાતુર્માસની સ્મૃતિઓ તાજી હતી. એ સમયે પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થયો હતો. પંજાબ-કેસરી ગુરુદેવ પ્રત્યે અગાધ આસ્થા ધરાવતા પંજાબી ગુરુભક્તોની આંખમાંથી આંસુની ધારા વહી હતી. એમનાં ભાવ અને ભક્તિ એટલાં બધાં હતાં કે એમને સાંત્વના આપવી અત્યંત મુશ્કેલ હતી અને એ સમયે સાધ્વી મૃગાવતીજીએ સહુને સાંત્વના આપી હતી તેમજ ગુરુદેવે કરેલા વિરાટ કાર્યોની વાત કરીને એ સબળ પરંપરાના પથ પર આગેકદમ કરવાનો વિચાર આપ્યો હતો. અંબાલાની સર્વ પ્રવૃત્તિઓમાં પ્રમુખ લાલા પન્નાલાલજી, સેક્રેટરી લાલા રિખવદાસજી, કૉલેજ માટે સમર્પિત લાલા મંગતરામજી અને મંત્રી રાજકુમારજી (એમ.એસસી.) વગેરેનો અપ્રતિમ સહયોગ રહ્યો.
અંબાલા શહેરમાં ‘વલ્લભવિહાર' નામની ગુરુસમાધિનો શિલાન્યાસ ૧૪ જુલાઈ, ૧૯૫૮માં રાયસાહબ પ્યારેલાલજીએ કર્યો અને વેદીનું નિર્માણ લાલા કસ્તૂરીલાલ જૈને (મેસર્સ સંતરામ મંગતરામ જ્વેલર્સ અંબાલા) સાધ્વીજીની પ્રેરણાથી કર્યું. પોતાના ગુરુદેવે જીવનભર જૈન એકતા માટે પ્રયાસ કર્યો હતો. સાધ્વીજીએ સ્વયં એ એકતાનો સંદેશ ઝીલીને જૈનોના વિભિન્ન સંપ્રદાયો વચ્ચે ઐક્ય સ્થાપવા માટે રાતદિવસ એક કર્યાં. અંબાલાના આ ચાતુર્માસમાં પહેલીવાર દિગંબર મંદિરની ચૈત્યપરિપાટીનો પ્રારંભ કરાવ્યો અને સ્થાનકમાં જઈને સ્થાનકવાસી સાધ્વીઓને સામે ચાલીને સ્નેહપૂર્વક મળ્યા. જૈન એકતા સર્જનારી આવી ઘટના પ્રથમવાર જ સર્જાતી હતી. આની પાછળ સાધ્વીશ્રી મૃગાવતીજીની ઉદાર દૃષ્ટિ, ગુરુની આજ્ઞા, ઐક્યની પ્રબળ ભાવના અને હૃદયની પારદર્શિતા હતી. આને કારણે તેઓ જે કોઈ સંપ્રદાય સાથે હાથ અને હૃદય મેળવવાનો પ્રયાસ કરતા, એ સંપ્રદાય એમને હર્ષભેર વધાવી લેતો.
se
સમન્વયાત્મક સાધુતા
અંબાલાના આ ચાતુર્માસ સમયે કૉલેજના દીક્ષાંત સમારોહમાં ભારતના સમર્થ રાજપુરુષ શ્રી મોરારજીભાઈ દેસાઈ આવ્યા હતા. એમની સાથે સાધ્વીશ્રીએ વીસેક મિનિટ વાર્તાલાપ કર્યો હતો અને એ પછી સાધ્વીશ્રી મૃગાવતીજીએ એમની ઉપસ્થિતિમાં અડધો કલાક સુધી સંસ્કૃતમાં વ્યાખ્યાન આપ્યું.
જન્માષ્ટમીના દિવસે આ જૈન સાધ્વીએ ગૌશાળામાં શ્રીકૃષ્ણ વિશે વ્યાખ્યાન આપીને ભારતીય સંસ્કૃતિમાં ગાયોના મહિમા વિશે નવીન સંદેશ આપ્યો હતો . અંબાલાથી દિલ્હી જતાં રોહતક થઈને પસાર થયા ત્યારે ત્યાં એક દિવસ રોકાવાના હતા, પણ ૧૫ દિવસ રોકાયા. ત્યાં દિગંબરોના ઘર હતા, સાત દિગંબર દેરાસર હતા. લોકો શિક્ષિત હતા. બાવીસ જેટલા તો એડવોકેટ હતા. ત્યાં ઓળી કરાવી, મહાવીર જંયતી ઉજવી, બાબરા બજાર, ચેંબર ધર્માદા ટ્રસ્ટ સ્કૂલ, રેલ્વે રોડ વગેરે સ્થળોએ વ્યાખ્યાનો થયા. સ્કૂલ માટે ફાળો કરાવ્યો.
૧૯૫૯નો એકવીસમો ચાતુર્માસ દિલ્હીમાં યોજાયો. એ સમયે દિલ્હીના રૂપનગરમાં કોઈ જિનાલય કે ઉપાશ્રય નહોતા, આથી દિલ્હીના કિનારી બજારમાં સાધ્વીશ્રીનો ધૂમધામથી પ્રવેશ થયો. હીરાલાલ જૈન માધ્યમિક શાળા, લાલમંદિર, ટાઉનહૉલ, યુનિવર્સિટી હૉલ, કરોલ બાગ, રોહતક રોડ જેવાં સ્થળોએ એમનાં જાહેર વ્યાખ્યાનો યોજાયાં. દિલ્હીમાં હતાં એટલે સ્વાભાવિક રીતે સમર્થ સાહિત્યસર્જક જૈનેન્દ્રકુમારજી અને અન્ય વિદ્વાનોનો પરિચય થયો. સાધ્વીજી સરસ્વતીપૂજકોનું ખૂબ આદર-સન્માન કરતાં હતાં અને વિદ્વાનો પણ એમની પ્રતિભા જોઈને ધન્યતા અનુભવતા હતા.
વિશાળ જનસમૂહ ઉપસ્થિત થતો હોવાથી સાધ્વીશ્રીનાં વ્યાખ્યાનો દિગંબર ધર્મશાળામાં યોજવામાં આવ્યાં. આ એક નવીન ઘટના હતી કે શ્વેતાંબર ઉપાશ્રયમાં ભાવિકો બેસી શકે તેટલી જગા નહીં હોવાથી દિગંબર ધર્મશાળામાં પર્યુષણની આરાધના કરવાની અનુમતિ મળી. સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યા, પૂજા, પ્રભાવના અને બોલીઓ તો ખૂબ ઉત્સાહપૂર્વક થઈ, પરંતુ કોઈ નવું સર્જન કરે નહીં, તો સાધ્વીશ્રી મૃગાવતીજી શાનાં ? એમણે દિલ્હીમાં શ્રી આત્મવલ્લભ બાલ પાઠશાળા અને શ્રી સુધર્મ જૈન લાઇબ્રેરીની સ્થાપના કરી અને એ રીતે