Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ સંશોધન માટે જ્ઞાનયાત્રા કરી રહેલા આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ વર કાણામાં પધાર્યા અને એમની પાસેથી એમના શાસ્ત્રજ્ઞાન અને સંશોધનકાર્યની જાણકારી મેળવી. આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની સાથે વિહાર કરવાથી પુષ્કળ જાણકારી મળી. ક્યારેક તેઓ કોઈ શ્લોક્નો અર્થ સમજાવતા, વળી સતત જ્ઞાનગોષ્ઠિ ચાલતી, તો ક્વચિત્ કોઈ રમૂજભર્યું દૃષ્ટાંત પણ આપતા. ક્યારેક વર્તમાન સામાજિક-સ્થિતિ વિશેનું એમનું આગવું ચિંતન પ્રગટ કરતા હતા.
મુનિશ્રી પ્રખર વિદ્વાન, સાહિત્યસંશોધક, દીર્ઘચારિત્રપર્યાયી અને જ્ઞાની હોવા છતાં એમના વિનોદપૂર્ણ સ્વભાવથી ગંભીર વાતાવરણને હળવું બનાવી શકતા હતા અને એ રીતે વિહારનો થાક ઊતરી જતો હતો. આમ જેસલમેરનો વિહાર સાધ્વીજીને માટે વિહારયાત્રા જ નહીં, પણ ઉલ્લાસભર જ્ઞાનયાત્રા બની રહ્યો. જેસલમેરમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનો અવર્ણનીય સંશોધન પુરુષાર્થ પ્રત્યક્ષ નિહાળ્યો. સાધ્વીશ્રી તો પંદર દિવસ રહીને વિહાર કરી ગયાં, પરંતુ પુણ્યવિજયજી મહારાજ ત્યાં ૧૪ મહિના રહ્યા અને ભગીરથ સંશોધનકાર્ય કર્યું. આગમપ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજી મહારાજના પ્રત્યક્ષ મેળાપની સાધ્વીશ્રી મૃગાવતીજી પર પ્રબળ અસર પડી. મુનિરાજ શ્રીની જ્ઞાનપિપાસા, સૂક્ષ્મ સંશોધકવૃત્તિ અને આગમોનું જ્ઞાન સાધ્વીશ્રીની સ્વાધ્યાયવૃત્તિને માટે પ્રેરક બની રહ્યાં.
ગુજરાતમાંથી રાજસ્થાનની શુરવીરોની ધરતી પર પગ મૂકતાં અત્યાર સુધી ગુજરાતી ભાષાનો અને તે ય સૌરાષ્ટ્રની બોલીનો અનુભવ ધરાવનાર સાધ્વીશ્રીને રાજસ્થાની બોલીનો હૃદયસ્પર્શી અનુભવ થયો. એની ભિન્નતા વિલક્ષણ લાગી, પણ સમય જતાં સાધ્વીજી આસાનીથી રાજસ્થાની બોલી સાંભળી અને સમજી શકતાં હતાં.
કવયિત્રી મીરાંની જન્મભૂમિ અને અધ્યાત્મયોગી આનંદઘનજીની કાળધર્મભૂમિ મેડતામાં આવ્યાં અને પછી મેડતા ગામમાં યોગી આનંદઘનજીનું સ્મારક-ચિહ્ન પ્રાપ્ત કરવાની ઘણી કોશિશ કરી. માત્ર જીર્ણ હાલતમાં એક નાનકડી દેરી મળી. મહાન આત્મયોગીના સ્મારકની આવી અવદશા ? સાધ્વીશ્રીને યોગી આનંદઘનજીનાં અનેક પદો અને સ્તવનો કંઠસ્થ હતાં. એનું ગાન કરતી વખતે એમના હૃદયને અગમપિયાલો પીતા હોય, તેવી અનુભૂતિ થતી હતી. એમણે નાનકડી સાવરણી લઈને અવધૂત આનંદઘનજીની દેરીના અસ્વસ્થ સ્થાનને સ્વચ્છ કર્યું. પાણીથી એને ધોયું, પણ પથ્થર પર એકેય અક્ષર જોવા ન મળ્યા. સાધ્વીશ્રીને પારાવાર નિરાશા થઈ. આવા મહાન આધ્યાત્મિક યોગીની કોઈ સ્મૃતિ અહીં જળવાઈ નથી, તે સમાજની કેવી ઉદાસીનતા કહેવાય?
૧૯૫૦નો બારમો ચાતુર્માસ નાગોરના વોરાવાડી