Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
સમન્વયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનો જિર્ણોદ્ધાર થયો. લાલા રોશનલાલજીની ચાતુર્માસ કરાવવાની ભાવના એટલી ઉત્કટ હતી કે એક મહિનાની અંદર તો તેમની ધર્મશાળાની ઉપર એક માળ લેવામાં આવ્યો અને તેમાં જ પૂ. સાધ્વીશ્રી મ.ને ચાતુર્માસ કરાવ્યો. અક્ષયનિધિ તપની આરાધના થઈ. બીજી બાજુ જૈન ધર્મના તમામ સંપ્રદાયોએ સાથે મળીને જગતને સ્યાદ્વાદનું દર્શન આપનાર પ્રભુ મહાવીરના જન્મ-કલ્યાણકનો ઉત્સવ ઊજવ્યો.
ધર્મના પ્રસારની સાથે સમાજની સ્થિતિનો સાધ્વીશ્રી સતત વિચાર કરતાં હતાં. એક બાજુ ભવ્ય ઉત્સવ-મહોત્સવ થતા હોય, ઝાકઝમાળભરી ઉજવણીઓ થતી હોય અને બીજી બાજુ સમાજના સાધર્મિકોની દયાર્દ્ર સ્થિતિનો વિચાર કરવામાં આવે નહીં, તે કેમ ચાલે? ‘પેટમાં ખાડા અને વરઘોડા જુઓ’ એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સાધ્વીજીએ સમાજને એનાં દુઃખ અને અભાવથી પીડાતા ધર્મબંધુઓનાં આંસુ લૂછવા આવાહન કર્યું.
લુધિયાણામાં સાધ્વીશ્રી પહેલીવાર ગયાં અને સર્વત્ર ધર્મપ્રવૃત્તિનો ઉલ્લાસ છવાઈ ગયો. જૈનસમાજની ચિંતનધારા અને લોકમાનસની વિચારધારામાં સહુએ આંતર-બાહ્ય પરિવર્તનનો અનુભવ કર્યો. સાધ્વીજીના હૃદયદ્રાવક સદુપદેશને પરિણામે કેટલાય યુવાનો અને યુવતીઓએ દહેજ-ત્યાગની પ્રતિજ્ઞા લીધી, આત્માની ઓળખનો ભીતરી માર્ગ અને કલ્યાણનો બાહરી રસ્તો સહુને દૃષ્ટિગોચર થયો. ગુરુ વલ્લભની આત્મસંન્યાસ અને સમાજ ઉત્કર્ષની ભાવના સર્વ કાર્યોમાં પ્રગટવા લાગી. જૈન સાધ્વીએ પંજાબના જનસમૂહમાં નવજાગરણનો શંખનાદ ફૂંક્યો.
જૈન અને જૈનેતરોની સંસ્થાઓમાં સાધ્વીશ્રીનો સત્સંગ સતત ચાલવા લાગ્યો. લોકમેદની ઊભરાવા લાગી. દરેસી ગ્રાઉન્ડ લુધિયાણાની એક સભામાં સાધ્વીજીનું ‘શિક્ષણથી ઉન્નતિનું વ્યાખ્યાન સાંભળી બ્રાહ્મણ , શીખ, સનાતની, આર્યસમાજી સહુ સાથે મળીને હાઈસ્કૂલને માટે પોતાની પાસે જે કંઈ હતું, તે અર્પણ કરવા લાગ્યા. મહિલાઓએ પોતાનાં ઘરેણાં આપી દીધાં.
ઈ. સ. ૧૯૫૬માં અઢારમા ચાતુર્માસ માટે આઠમી જુલાઈએ સાધ્વીશ્રીએ
અમૃતસરમાં ચાતુર્માસ-પ્રવેશ કર્યો. અહીં એમની પ્રેરણાથી અભ્યાસ કરતા અંધ વિદ્યાર્થીઓ માટે એક ભાવનામય વાતાવરણનું નિર્માણ થયું. એ જમાનામાં વિદ્યાર્થીઓને ટેપરેકોર્ડર તથા કામળી, સ્વેટર, મફલર જેવાં કપડાં પણ આપ્યાં, અંધ વિદ્યાલય માટે વિપુલ આર્થિક યોગદાનની સાથે ખુરશી, પંખા, કબાટ, સિતાર, વાયોલિન, હિંદી તથા અંગ્રેજી બે ટાઈપ મશીન આપ્યા. શ્રી આત્મવલ્લભ જૈન શિલ્પવિદ્યાલયની પણ સ્થાપના કરી જેમાં સ્થાનકવાસી ભાઈઓએ પણ સિલાઈ મશીનોનું દાન આપ્યું. સિલાઈ મશીનો આવતાં એકસો છોકરીઓ સિવણનું રોજગારી અને સ્વાવલંબન આપનારું શિક્ષણ લેવા માંડી. ‘કલ્પસૂત્ર'નાં વ્યાખ્યાન અને બોલીઓ પર્યુષણમાં ચાલુ થઈ ત્યારે સેન્ટ્રલ બેંકના મૅનેજર (ક્ષત્રિય) શ્રી કરતારસિંહજી “કલ્પસૂત્ર'ની બોલી બોલીને ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક પોતાના નિવાસસ્થાને * શ્રી કલ્પસૂત્ર' લઈ ગયા અને રાત્રિ-જાગરણ કર્યું. ભાઈબીજના ગુરુવલ્લભના જન્મદિવસે સાધર્મિકોની સહાયતા માટે ‘પૈસા ફંડ'ની પંચવર્ષીય યોજના શરૂ કરી. ૪૯ વર્ષ પછી અમૃતસરમાં મૂર્તિપૂજક સાધ્વીનો ચાતુર્માસ અત્યંત ઉત્સાહથી સંપન્ન થયો અને એ પછી ૧૯૫૭માં સાધ્વીશ્રી જૈન લાઇબ્રેરી વ્યવસ્થિત કરવા માટે પુનઃ અમૃતસર ગયાં. અમૃતસરમાં મહિલા મંડળ અને પાઠશાળાની સ્થાપના કરી.
પોતાની પ્રશંસાથી હંમેશા દૂર રહેનાર સાધ્વીશ્રી મૃગાવતીજીએ ૧૯પ૭ની તેરમી જાન્યુઆરીએ જીરામાં યોજાયેલી સંક્રાંતિ સભામાં કહ્યું કે જો તમે સાધુસાધ્વીસંઘથી શાસનસેવા કરાવવા ઇચ્છતા હો તો સાધુ-સાધ્વીઓને અને ખાસ કરીને મને પ્રશંસાત્મક સ્તુતિઓ અને અભિનંદન પત્રોથી દૂર રાખો. આપણી સામે તીર્થંકરો અને સ્વર્ગીય ગુરુદેવોનું પરમ પાવન ચરિત્ર છે, તેમની સ્તુતિ શું અપર્યાપ્ત છે ? હું તો માત્ર સ્વર્ગીય ગુરુદેવોના મિશનનો જ યથાશક્તિ પ્રચાર કરી રહી છું. મારામાં આપ જ્યાં પણ ખામીઓ કે ભૂલો જુવો ત્યાં મને નિઃસંકોચ પણે જણાવો. વળી પત્રિકામાં મારા ફોટાઓ છપાય છે ત્યારે મારા હૃદયને ઘેરી ચોટ પહોંચે છે. મને જો ચિંતામુક્ત કરવા ઇચ્છતા હો તો આ આદેશ વાંચીને હવેથી પત્રિકાઓમાં મારા ચિત્ર ન આપશો. ૧૯૫૭ની ૧૩મી માર્ચે ગાંધી વિચારધારામાં દેઢ શ્રદ્ધા ધરાવનાર
૨ ૭૩