Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે
પ્રેરણાની પાવનમૂર્તિ માર્ગોપદેશિકા અને સાધુક્રિયા કરાવી. બપોરે નળ-દમયંતી ચારિત્ર્ય પર વ્યાખ્યાન કર્યું અને આવી રીતે એ સમયે પણ તપશ્ચર્યા અને સ્વાધ્યાય અવિરતરૂપે ચાલી રહ્યાં.
ઈ. સ. ૧૯૪૮નો દસમો ચાતુર્માસ કપડવંજમાં પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી દેવશ્રીજીના શિષ્યા પૂ. પ્રવર્તિનીશ્રી દાનશ્રીજી મહારાજની નિશ્રામાં ૧૦ ઠાણા સાથે થયો. અહીં વળી એક વિશિષ્ટ ઘટના થઈ. સ્વાધ્યાયરત સાધ્વીશ્રી મૃગાવતીજીના જ્ઞાનનો લાભ લેવાનો અન્ય સાધ્વીજીઓને અતિ ઉત્સાહ જાગ્યો. આથી શ્રી દાનશ્રીજી મહારાજ સાધ્વીશ્રી મૃગાવતીજીને ગોચરી માટે જવા દેતા નહોતા, પરંતુ એમને અન્ય સાધ્વીજી મહારાજોને અધ્યયન કરાવવાનું કાર્ય સોંપ્યું. તેઓએ પ્રાચીન કથાસંગ્રહ, બાલમનોરમા, શબ્દેન્દુશેખર વગેરેનો સ્વાધ્યાય કર્યો અને પહલી-દૂસરી બૂક, આચારાંગ, પૂ. બુદ્ધિસાગરજી કૃત આનંદઘનપદસંગ્રહ વગેરેનું અધ્યયન કરાવ્યું. આમ સ્વાધ્યાયની સાથોસાથ અધ્યયનનો આરંભ થયો. તેઓશ્રી બપોરે વ્યાખ્યાન પણ કરતા હતા. આટલી પ્રવૃત્તિ છતાં સોળ ઉપવાસ પણ કર્યા. પૂ. દાનશ્રીજી મહારાજની વિશેષકૃપા તેઓએ પ્રાપ્ત કરી અને પૂ. સુચેષ્ઠાશ્રીજીએ સેવા દ્વારા બધાનું મન જીતી લીધું.
ગુજરાતના કપડવંજનો ચાતુર્માસ પૂર્ણ કરીને તેઓ સૌ રાજસ્થાન તરફ ગયાં. ગુજરાતની ધરતી પરથી વિદાય લીધી. અહીં જન્મ્યાં, દીક્ષા લીધી અને હવે ‘સાધુ તો ચલતા ભલા’ એ ન્યાયે રાજસ્થાન તરફ ઉત્સાહભેર જઈ રહ્યાં હતાં. આનું કારણ એ કે એમના પ્રેરણામૂર્તિ એવા ગુરુ વલ્લભ રાજસ્થાનની ધરતી પર બિરાજતા હતા. વર્ષોથી જેમના વિચારોથી પ્રભાવિત થયાં હતાં, એમનાં સાક્ષાત્ દર્શન કરવાનાં હતાં. જેમના પ્રત્યે હૃદયમાં અગાધ ભક્તિ પ્રગટી હતી, તેમને પ્રત્યક્ષ મળવાનું હતું. રાજસ્થાનના સાદડી શહેરમાં પોતાની પાવન પ્રેરણામૂર્તિ સમાન ગુરુવલ્લભનાં દર્શન પામીને ધન્ય બન્યાં.ગુરુના વિચારો જાણ્યા હતા, હવે એમની ભાવનાઓ પામ્યાં. ગુરુએ પંજાબમાં કરેલી ક્રાંતિની વાતો સાંભળી હતી, હવે એ ક્રાંતિનો પ્રત્યક્ષ પ્રભાવ જોવા મળ્યો.
પ.પૂ. ગુરુદેવશ્રી વલ્લભસૂરિજીને વંદન કરવા બધાં સાધ્વીજીઓ ગયા ત્યારે પૂ. વલ્લભસૂરિજીની આંખોનું ઑપરેશન થયું હતું અને તેમની આંખે પાટો
બાંધેલ હતો. બધા સાધ્વીજી મહારાજોની સાથે ગુરુવંદન કરતી વખતે આજ્ઞા લઈને પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી ગુરુવંદનના પાઠ બોલવા લાગ્યા. એમનું શુદ્ધ ઉચ્ચારણ અને બોલવાની શૈલી સાંભળીને પૂ. ગુરુદેવે પૂછવું કે જે ભણેલી ગણેલી સાધ્વી છે એ પાઠ બોલે છે ને ? કહ્યું કે હા, ત્યારે એ જાણીને પૂ. ગુરુ મહારાજ ખૂબ રાજી થયા.
પોતાની ગુરુ વલ્લભને મળવાની લાંબા સમયની ઝંખતા હતી તેથી તેમને મળ્યાથી પૂ. સાધ્વીશ્રીને રાજીપો તો થયો, પણ તેમની તીવ્ર ઇચ્છા હતી કે પોતાના ગુરુ વલ્લભની પાવન નિશ્રામાં એક ચાતુર્માસ કરવાની તક મળે, જેથી એમના વ્યાખ્યાનો સાંભળીને તેમની શૈલી, તેમનું જ્ઞાન અને તેમના બહોળા અનુભવનો લાભ પોતે જીવનમાં ઉતારી શકે. સાદડીમાં થોડા દિવસો રહ્યા ત્યારે પૂ. સાધ્વીજી મૃગાવતીજીએ એક દિવસ પોતાના પ્રાણપ્યારા ગુરુ મહારાજ પાસે દિલની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું કે સાદડીમાં આપની નિશ્રામાં ચોમાસુ કરવાની અમારી તીવ્ર ભાવના છે.
પૂ. ગુરુદેવજીએ ઉત્તરમાં જણાવ્યું કે તમારી ભાવના સારી છે, પણ મારી પાસે આસપાસના બધા ગામોની ચોમાસા માટેની આગ્રહભરી વિનંતીઓ આવી છે. મારી પાસે જેટલા સાધુઓ હતા તે બધાને મેં બે બે કરીને બધા જ ક્ષેત્રોમાં મોકલ્યા છે. હવે લાઠારા અને થાણેરાવ બાકી રહે છે. લાઠારા માટે તો મેં અમુક સાધુઓને મોકલવાનું વિચારી લીધું છે. મારી પાસે હવે બીજા કોઈ સાધુમહારાજ નથી તેથી આપ ધાણેરાવ સંઘને સંભાળી લો. - પૂજ્ય ગુરુદેવની આ વાત સાંભળીને પૂ. સાધ્વીજીનું મોટું પડી ગયું. તેમણે ધીરે રહીને નમ્રભાવે કહ્યું કે જિંદગીમાં આવી સોનેરી તક અમને નહીં મળે. ત્યારે પૂ. ગુરુદેવે ખૂબ હેતપૂર્વક સમજાવ્યું કે તમે તો ભણેલાગણેલા છો, ક્ષેત્ર સાચવી શકો તેમ છો અને શાસન પ્રભાવના કરી શકશો, એટલે તેમને મોકલવા ઇચ્છું છું. પૂ. ગુરુદેવની સામે હવે સાધ્વીજી કાંઈ બોલી તો ન શક્યા, પણ તેમની અંતરની ભાવના પૂરી ન થઈ.
પોતાની બાવીસ વર્ષની ઉંમરે આ સાધ્વીશ્રી વિચારે ચઢી ગયા અને ઉપાશ્રયમાં આવીને આખી રાત પ્રાર્થના કરતા રહ્યા કે હે પ્રભુ ! કોઈ એવો રસ્તો