Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
અનુભવ થયો. બીજા દિવસે સવારે વિહાર સમયે એક મદમસ્ત પાડો દોડતો આવી રહ્યો હતો. સાધ્વીજીઓ રસ્તા પર વિહાર કરી રહ્યાં હતાં. રસ્તાની બંને બાજુ ખાઈ હતી. પૂજ્ય શીલવતીશ્રીજી મહારાજે જોશથી કહ્યું, “મૃગાવતી, ભાગ, ભરાટ થયેલો પાડો આવી રહ્યો છે.”
બધા ગભરાઈ ગયા, પણ સાધ્વી મૃગાવતીએ કહ્યું, ‘એને પ્રેમની નજરે જુઓ, તો એ સ્વયં શાંત થઈ જશે.’ ‘નમસ્કાર મહામંત્રની સાધના સાથે આરાધનાભરી અમીદ્રષ્ટિનો મેળાપ થયો હોય, તો જ આ શક્ય બને.
પૂજ્યશ્રી શીલવતીજીએ કહ્યું, “અરે ! આ તે કંઈ પ્રેમ કરવાનો સમય છે? આ ભરાટો થયેલો પાડો ક્યાંથી તારા પ્રેમને સમજશે ? પશુ અને તે હું પાગલ પ્રાણી અહિંસાની વાત શી રીતે સમજશે ?” પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજીએ પોતાનો પ્રયોગ ચાલુ રાખ્યો અને સર્વના આશ્ચર્ય વચ્ચે સાધ્વીશ્રી મૃગાવતીજીની પાસે એ પાડો ધસમસતો આવ્યો. એકાએક અટકીને શાંત થઈ ગયો.
આ જોઈને શીલવતીજી મહારાજે કહ્યું, “મૃગાવતી, અમે બધાં ખૂબ ગભરાઈ ગયાં હતાં, પણ તે કમાલ કરી દીધી. તારા પ્રેમને એ (પાડો) સમજી ગયો હોં ! મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી.”
ઘણીવાર સાધ્વીજી ગામમાંથી પસાર થાય, ત્યારે ક્યારેક કૂતરાઓ ખૂબ ભસતા પાછળ દોડે, પરંતુ સાધ્વીશ્રી મૃગાવતીજી કશુંય કર્યા વગર એમની પાસેથી ચૂપચાપ નીકળી જતાં હતાં.
૧૯૭૫માં સરધના ગામમાં ચાતુર્માસ પ્રવેશના દિવસ પૂર્વે રાત્રે સ્કૂલમાં ઉતારો હતો. આખી રાત વરંડાની નીચે એક બાજુ સર્પ પડ્યો રહ્યો અને બીજી બાજુ વરંડામાં સાધ્વીજીઓ, ‘બધાં પ્રાણીઓને આત્મવત્ જોવાં’ એ ધર્મજીવનના પાઠનો પ્રત્યક્ષ અનુભવ થયો.
પૂજ્ય સાધ્વીશ્રી મૃગાવતીજીના જીવનની સૌમ્યતા અને વાણીની મધુરતા સહુને આકર્ષતી હતી. એકવાર એમના પરિચયમાં આવે, એ સદાને માટે એમના બની જતા હતા. શ્રેષ્ઠિવર્યશ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું સમગ્ર જીવન એમના સત્સંગના પ્રભાવે પરિવર્તન પામ્યું.
ક્યારેક શરીરમાં અત્યંત પીડા થતી હોય, તેમ છતાં એ સમયે પણ
સાધ્વીજીનાં વ્યાખ્યાનોમાં વિમલતા વરસતી રહેતી.
જીવન મળ્યું છે તો કંઈક પામીને જઈએ, તો જ જીવનની સફળતા છે.” એવા એમના શબ્દો શ્રી મહેન્દ્રકુમાર “મસ્ત’ જેવા અનેક લોકોના કાનમાં આજે પણ ગુંજે છે. કુંડલિની યોગ અને તેને જાગ્રત કરવા અથવા સાચા સુખની અનુભૂતિ સુધી પહોંચવાની વાત તેઓ વ્યાખ્યાનમાં કરતાં હતાં અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ઉપર નાગની ફેણને પ્રભુની જાગ્રત કુંડળીના પ્રતીક રૂપે જોતાં હતાં. સ્વ-જીવન અને સ્વાધ્યાયથી જે કંઈ નવનીત પ્રાપ્ત કર્યું હતું, તે ભાવિકોને આપતાં હતાં. આત્મબોધ, સાક્ષીભાવ કે કુંડલિની યોગની બાબતમાં એ કહેતાં, “ખોદતા રહો, ખોદતા રહો. એક વાર તો રણમાં પણ પાણી મળી આવે છે.”
પોતાના આધ્યાત્મિક અનુભવો પર એમને અડગ વિશ્વાસ હતો. અને પંજાબના સમાના ગામમાં તો એક વ્યાખ્યાનમાં એમણે જૈન ગ્રંથોની સાથોસાથ આધુનિક વિજ્ઞાનની તુલના પણ કરી હતી, આથી જ ભારતના સમર્થ બંધારણવિદ્ અને મનીષી ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ એમને હાર્દિક ભાવાંજલિ આપતાં લખ્યું,
‘પહેલી વખત જ્યારે હું શ્રી વી. સી. જૈન સાથે એમનાં દર્શન કરવા ગયો, ત્યારે મને મૃગાવતીજી મહારાજની વકતૃત્વશક્તિનો પરિચય મળ્યો. એમની પ્રગતિશીલ, ક્રાંતિકારી સામાજિક દૃષ્ટિને સમજવાનો અવસર મળ્યો. એમની સ્વપ્નદર્શી સંગઠનક્ષમતાની ઝલક નિહાળવાનો અવસર મળ્યો. એમની વાણીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની રત્નત્રયી અભિમંડિત હતી. એમના સંબોધનમાં એક સચેતન ઉદ્ધોધન હતું.”
આવા વાણીના વૈભવને વરેલા મહત્તરા સાધ્વીશ્રીના દીક્ષાજીવનની ઘટનાઓને હવે જરા નિહાળીએ.
૪૮