Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વાણીની વસંતનો વૈભવ
જ્યાં જ્યાં વિહાર કર્યો, ત્યાં ત્યાં વિદ્વત્તા અને નમ્રતા, કરુણાસભર હૃદય અને બાળસહજ સરળતા, જીવનની નિખાલસતા અને માનવતાની મહેક પોતાની સાથે લઈ ગયાં. ફૂલની સુવાસ વાયુની દિશામાં વિસ્તરે છે, જ્યારે મહાપુરુષની સુવાસ સર્વ દિશાઓમાં છવાઈ જાય છે. કામ વધુ અને બોલવું ઓછું એ એમનો સિદ્ધાંત હતો, આથી કોઈની નિંદા કે ટીકા-ટિપ્પણમાં ક્યારેય પડતાં નહીં. શ્રીસંઘમાં આવે કે સાધુ-પરિવારમાં આવે, ત્યારે એમને જોડવાની વાત કરે અને પરસ્પરને નજીક લાવવાની કોશિશ કરે.
એકવાર એવું બન્યું કે પટના પાસેના ગજરાજ ગંજ ગામમાં એક ઉપસર્ગ થયો, ત્યાં એક કાયસ્થના ઘર પાસે વરંડામાં રહ્યા ત્યારે તે બહારથી આવીને પૂ. સાધ્વીજી વગેરેને જોઈને ખુબ ગુસ્સે થયો. લોટ ક્યાંથી લાવી ? એવું પૂછતાં તેણે હાથમાં લાકડી લીધી અને પૂ. શીલવતીજીને મારવા દોડ્યો. મૃગાવતીજીએ વચ્ચે પડીને કહ્યું કે મને મારો, પણ મારા ગુરુ મહારાજને ન મારો. અવાજ થવાથી મહોલ્લાના લોકો ભેગા થયા અને તેને પકડીને પૂછપરછ કરતાં પૂ. મૃગાવતીજીએ જણાવ્યું કે ભાઈઓ, વાતમાં કાંઈ નથી. અમે જૈન સાધુ તો માત્ર રાત્રે વિશ્રામ કરીને સવારે તો જતાં રહીએ. આ બિચારા અજાણ્યાને જૈન સાધુના આચાર-વિચારનો ખ્યાલ નથી. તેનો દોષ નથી. તે તો કંઈ બીજું જ. માની બેઠો છે. તેની કોઈ ભૂલ નથી. તેથી તેને છોડી દો. તે કાયસ્થ પાસે ઊભો ઊભો આ વાત સાંભળતો હતો. તેને વિચાર આવ્યો કે મેં તેમના પર ગુસ્સો કર્યો, ગાળો આપી, લાકડી લઈને દોડ્યો તો પણ તેઓ મને સારો જ કહે છે. મારી ભૂલને ભૂલ નથી કહેતા. સાચે જ આ કોઈ અલૌકિક સંત છે. તેનું હૃદય પરિવર્તન થયું, પશ્ચાત્તાપ થયો અને પગમાં પડીને માફી માગી રોયો. પછી તો તે તેમને ઘેર લઈ ગયો. ગોચરી પાણીનો લાભ લીધો, ધર્મચર્ચા કરી. શત્રુ અને વિરોધી જેવો હતો તે પણ મિત્રવત બની ગયો. સાધ્વીજીના આચરણે એ સિદ્ધ કર્યું કે સમતા અને શાંતિમાં એ શક્તિ છે કે તે હૃદયની દુર્ભાવના અને દ્વેષને શુભ ભાવના અને મૈત્રીમાં બદલી નાંખે છે.
સાધ્વીશ્રી દ્વારા શાસનની શોભારૂપ અનેક કાર્યો થયાં, પરંતુ તેઓ સ્વયં કીર્તિ, પ્રતિષ્ઠા અને કામનાથી પર રહ્યાં અને સફળતા મળવા છતાં સદા નિઃસ્પૃહ
રહ્યાં. એમને જાણ થાય કે કોઈ શ્રેષ્ઠી પોતાના નોકર-ચાકર સાથે યોગ્ય વર્તાવ કરતો નથી, તો એને સાચો રાહ સમજાવતાં હતાં. સહુને ગરીબોની દુવા લેવાનું કહેતાં, આથી જ લેખક શ્રી રતિલાલ દેસાઈએ લખ્યું છે, ‘બુઝુર્ગો માટે એ પુત્રી હતાં, સમવયસ્કો માટે બહેન હતાં અને બાળકો માટે ધર્મમાતા હતાં.'
પોતાના ગુરુનો ગુણાનુવાદ કરતાં સાધ્વીજીનું હૈયું છલકાઈ જતું. પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબના તેરમા સ્વર્ગારોહણ પ્રસંગનું મુંબઈમાં આયોજન થયું, ત્યારે પોતાના ગુરુદેવનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે પૂ. ગુરુવર્ય સાચા સમાજ પારખુ હતા. સમાજજાગૃતિની ધગશ, જ્ઞાનપ્રચારની જ્યોત, ધર્મપ્રસારની ભાવના, શાસનઉન્નતિ, સંધસંગઠન અને શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષની વિવિધ યોજનામાં એટલા બધા રત હતા કે વૃદ્ધ ઉંમરે યુવાનોને પણ શરમાવે એટલું કાર્ય કરી ગયા છે. આવી ચિત્તની જાગૃતિને લીધે જ તેઓ સમાજનાં સુખ-દુઃખમાં સહભાગી એવા સાચા ધર્મગુરુ બની શક્યા હતા.
એમની ગુરુભક્તિ અનુપમ હતી. તેઓ કહેતા કે જ્યાં સુધી હૃદય ધબકતું રહેશે, ત્યાં સુધી ગુરુવલ્લભની સેવા કરતી રહીશ અને સાચે જ તેઓ એ અર્થમાં પરમ ગુરુભક્ત સિદ્ધ થયાં. કાંગડી તીર્થનો ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય કરનાર અને ભવ્ય વલ્લભસ્મારકની પ્રેરણામૂર્તિ બનનાર આ સાધ્વીરત્ન પોતાની સઘળી શક્તિ અને સિદ્ધિ સદૈવ ગુરુચરણે સમર્પિત કરતાં રહ્યાં.
એમના વ્યાખ્યાનમાં આવનાર પ્રત્યેક શ્રોતા મનની, વિચારોની અને આત્માની વિરલ પ્રસન્નતા લઈ બહાર આવતો. એમની સાથે રહેનારાઓને સતત હોરેલી વસંતનો અનુભવ થતો. વસંત જ્યારે જ્હોરી ઊઠે, ત્યારે પુષ્પો ખીલે છે, પ્રકૃતિ મધુર હાસ્ય રેલાવે છે અને ચોતરફ ઉત્સાહભર્યું કેસૂડાના રંગ જેવું ઉલ્લાસમય વાતાવરણ સર્જાય છે. સાધ્વીશ્રી સાથે રહેનાર સહુ કોઈને એમના સત્સંગ બાદ આત્મામાં વસંતનો ઉલ્લાસ અનુભવવા મળતો.
અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જૈન ધર્મનો વિજયડંકો વગાડનાર શ્રી વીરચંદ ગાંધીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ૧૯૬૬માં સાધ્વીશ્રીએ હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. આ સમયે મહુવા યુવક સમાજ , મહુવા જૈન મિત્ર