________________
થાય તે સતી ! સતી તરીકે મારે અત્યારે બીજું કંઈ જ ક૨વાનું ન હોય. પતિનો માર્ગ એ જ મારો માર્ગ !
શ્રી લક્ષ્મણજીને થયું : વડીલ ભાઈ વનમાં જાય ને હું અહીં પડ્યો રહું ? એ ઘોર અરણ્યમાં ભાઈ-ભાભીની સેવાનો અપૂર્વ અવસર મને ફરી નહિ મળે ! ગુણિયલ ભાઈનો વિયોગ કેમ વેઠાય ? અને શ્રી લક્ષ્મણજી પણ સાથે ચાલી નીકળ્યા. જોયું ને ? સૌએ પોતપોતાનો ધર્મ કેવો બજાવ્યો ?
તમે તમારી દુકાન આ રીતે ભાઈને આપીને ચાલી નીકળો તો તમને તમારી પત્ની શું કહે ? તમારે ઘેર પત્ની તો હશેને ? જો કે તમારો એ સ્વભાવ જોતાં તમે કંઈ આવું અર્પણ કરો એમ લાગતું નથી, છતાં પણ ધારો કે આ ઉપદેશ સાંભળ્યા પછી તમે કંઈક એવું અર્પણ કરી બેસો તો એ સમાચાર સાંભળી તમારી સ્ત્રી પ્રસન્ન થાય કે રાંધેલા રોટલા પણ ચૂલામાં ફેંકી મોઢું ચઢાવી બેસી જાય ? આ પ્રસંગ ચાલે છે ત્યારે સૌએ પોતાના ઘરની સ્થિતિ પણ વિચારવી તો જોઈએ ને ?
શ્રી ભરતજી બહારગામ છે. ત્યાંથી તેમને બોલાવવામાં આવે છે. આવીને ભરતજી માતા કૈકેયીને પ્રણામ કરવા જાય છે. પુત્રને આશીર્વાદ આપતાં કૈકેયીએ આનંદથી કહ્યું, “વત્સ ! તારી માતા તારા હિતની કેટલી ચિન્તા કરે છે ! આજની વાત સાંભળતાં તું હર્ષથી નાચી ઊઠવાનો. આજ મેં મારા વરદાનની માંગણી તારા પિતા પાસે કરી લીધી છે. હવે રાજ્યાભિષેક રામનો નહિ, પણ તારો થવાનો.”
શ્રી ભરતે કહ્યું, “મા, મા ! તું આ શું બોલે છે ? ઇક્ષ્વાકુ કુળમાં આ સ્વાર્થાંધતા કેવી ? તને હજુ મારામાં અને શ્રીરામમાં ભેદ લાગે છે ? મા, હું માનતો હતો કે તું મારી કલ્યાણકારી માતા છે, પણ આજે મેં જાણ્યું કે તું માતાના વેશમાં પૂર્વનું વેર લેવા આવેલ કોઈ વેરણ છે ! આહ ! આ ઉત્તમ કુળમાં સ્વાર્થ અને સત્તાની દુર્ગંધ કેવી ! મા, તું તારો ધર્મ ચૂકી. સ્વાર્થમાં અંધ બની, તેં મારા જીવનમાં ઝેર રેડ્યું. ધિક્કાર હો સ્વાર્થાંધતાને !'' આટલું કહેતાં કહેતાં તો એ મૂર્છાને પામ્યા. દાસ-દાસીઓ દોડી આવ્યાં. ચંદનનું વિલેપન અને ગુલાબજળનું સિંચન એમના પર કરવા લાગ્યાં.
આ પ્રસંગ ચાલે છે ત્યારે, આપણા હૈયાંને પણ જરા તપાસવાની જરૂર છે. આવા સુખદ સમાચાર આજની કોઈ માતાએ આજના કોઈ યુવાનને આપ્યા હોય તો યુવાન શું કહે ? આવી વાત સાંભળી માતાને ઠપકો દેવાની વાત તો દૂર રહી, પણ સાંભળીને જ નાચવા માંડે. હર્ષથી પુલકિત થતો એ કહે, “હેં ! રાજ્ય મને મળશે ?’’
Jain Education International
૧૪૦ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org