Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 439
________________ આવા પ્રકારના વિદ્યાર્થીઓ ભલે પાસ થતા હોય, પરંતુ મેટ્રિકમાં આવે છે ત્યારે પછી આંખમાંથી જાતે તો આંસુ પાડે છે; પરંતુ મોટાઓની પાસે પણ પડાવે છે. મિત્રો, તમે આજથી નક્કી કરો કે સ્વર્ગમાંથી દેવતા આવીને પણ કહે કે હું તમને મેટ્રિકમાં પાસ કરાવી દઉં તો, તમે એ દેવતાને કહેશો કે અમારે તો અમારા પરિશ્રમથી, અમારી મહેનતથી, અમારી બુદ્ધિથી પાસ થવું છે.” આજે આવી ભાવના ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીમાં વસે છે. આજે તો કૉપી કરવી, ચોરી કરવી એ સહેલી વાત થઈ ગઈ છે. વિદ્યા મેળવવી છે, પણ વગર મહેનતે એ કેમ બને ? સોમાંથી પાંત્રીસ ટકા પાસ માર્ક લાવવાના હોય તો ચોરી કરવી પડે. કૉપી કરવી પડે એ કેટલું હીણપતભર્યું ગણાય ? હવે તો પાંત્રીસ ટકાનું ધોરણ પણ કહે છે કે, વિદ્યાર્થીઓને વધારે પડે છે કે, એટલે તેઓ માગણી કરે છે કે, પાંત્રીસને બદલે પચીસ ટકાનું ધોરણ રાખવું જોઈએ. તમને જે શિખવાડવામાં આવે તેનો ત્રીજો ભાગ પણ તમને જો આવડે નહિ, તો પછી શિક્ષણનો અર્થ શો ? કોઈ રસોઇયો આવીને કહે કે હું સો રોટલીઓ બનાવીશ, તેમાં પચીસ રોટલી સારી બનાવીશ, અને બાકીની રોટલીઓમાંથી કેટલીક કાચી હશે, અને બાકીની બળેલી હશે; તો તમે એવા રસોઇયાને ઊભો રહેવા દો ખરા ? સોમાંથી પાંત્રીસ ટકા માર્ક આવે એટલે સંતોષ માનનારો વિદ્યાર્થી જો ડૉક્ટર હશે તો પાંત્રીસ ટકાનો ડૉક્ટર હશે. સો દરદીમાંથી પાંત્રીસને બચાવશે, અને બાકીનાને કદાચ ઠેકાણે કરશે. અને જો એન્જિનિયર થશે તો સો પુલમાંથી પાંત્રીસ પુલ સારા બાંધશે, અને બાકીના પુલોમાં ગાબડાં પડશે. એ જો શિક્ષક હશે તો એના સો વિદ્યાર્થીઓમાંથી પાંત્રીસેક વિદ્યાર્થીઓ જીવનક્ષેત્રે સફળ થાશે, અને બાકીના નાપાસ થશે. એટલે મિત્રો, મારી તો એ વિનંતિ છે કે, જો પાંત્રીસ ટકા માર્ક આવે અને પાસ થઈ જવાય તો આંખમાંથી આંસુ વહાવીને ખૂબ રડો. પાંત્રીસ ટકા માર્ક લાવીને પાસ થનારો ખરી રીતે પાસ નથી થતો, નાપાસ જ થાય છે. વિદ્યાર્થીની તમન્ના તો પહેલે નંબરે પાસ થવાની હોવી જોઈએ. અને તે માટે તેની પાસે પ્રબળ પુરુષાર્થ હોવો જોઈએ. ૪૩૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450