________________
તમારે જે કંપની ન જોઈતાં હોય જે તમને અહિતકારક લાગતાં હોય તેને ગ્રહણ કરવા તમને કોણ ફરજ પાડી શકે ? બીજું કોઈ નહિ, તે માત્ર તમે એક જ છો. અશુભ કંપનો તમારામાં ઘર કરી બેઠાં છે, કારણ કે તે તમને અહિતકારક લાગતાં નથી. તેને તમે કાઢી મૂકવા પુરુષાર્થ કર્યો નથી. જ્યારે તમે સમજશો કે, “હું કોણ છું” અને “હું તે કરી શકીશ” ત્યારે તમારામાં અદ્દભુત શક્તિ પ્રગટે છે. બીજા પર દોષારોપણ કરવાને બદલે તમે પોતે તેની જવાબદારી લો છો. હવે તમે જૂનાં અશુભ કંપનોનો વિલય કરવા શુભ કંપનોના ઉપયોગની કલા જાણો છો.
તમારા મનમાં એવા વિચારો હોય કે જે તમને ચિંતા કરાવતા હોય, તમને ગમતા ન હોય – તેને યોગ્ય શબ્દોમાં બ્લેકબોર્ડ પર લખો. પછી. સફેદ પાટિયા પર તમારે જે સંગીન રચનાત્મક ચીજો જોઈતી હોય તેની યાદી લખો. પછી કાળા પાટિયા પરની એક એક લીટી ભૂંસતા જાવ અને સફેદ પાટિયા પર લખેલી લીટીઓ પૂરી એકાગ્રતાપૂર્વક વાંચી તે તમને મળી રહી છે તેવું કલ્પનાચિત્ર મગજમાં લાવો. આ રીતે તમારી ચેતનાની દિશા સંપૂર્ણ બદલાઈ જશે.
જ્યારે તમારે શું જોઈએ છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, ત્યારે અનિચ્છનીય ચિત્ર પ્રતિ આકર્ષણ નહિ થાય. જ્યારે તમારી જાતને જાણો, ત્યારે તમારી તલાશ શી છે તે પણ ખબર પડશે અને તે પછી બીજાની ઇચ્છાઓ પણ માલુમ પડશે. પોતાની જાતને જાણ્યા વિના બીજાને કેમ જાણી શકાય :
યોગશાસ્ત્રમાં લખ્યું છે કે :
જ્યારે તમારામાં રહેલ આત્માનું તમને જ્ઞાન થાય, ત્યારે જ બીજાના આત્માનું જ્ઞાન થશે.
બધી જીવો સુખ ઇચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. તેથી તમને જેવું ગમે તેવું બીજા પ્રત્યે વર્તો. તમને ન ગમે તેવું બીજા પ્રતિ ન આચરશો.
એક વખત એની બેસન્ટ ભારતમાં આવ્યાં. તેમને એક ફૂલ બહુ ગમતું હતું. તેથી તે જ્યાં જ્યાં ગયાં ત્યાં તે ફૂલનાં બીજો વાવ્યાં. તે કહેતાં કે “હું તમારી સામે બે કે ત્રણ દિવસ રહી, હવે તમારા ઘરમાં મારા પ્રેમના પ્રતીકરૂપે અતિપ્રિય આ ફૂલ વાવવું છે.” અને લોકો એક કૂંડું, થોડુંક ખાતર અને પાણી લાવતા અને એની બેસન્ટ તેમાં આ ફૂલનાં બીજો વાવતાં. આ રીતે મદ્રાસ, મુંબઈ, બેંગલોર વગેરે સ્થળોએ જ્યાં ગયાં ત્યાં આ બીજો ફૂટ્યાં. છોડ થયા ને ફૂલો આવ્યાં ને સુગંધ ફેલાવી. આનો એક જ સંદેશ છે, તમે જે ચાહો છો તે બીજાને આપો.
જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org