________________
૧૦૩
તેના ડંખથી પ્રભુના શરીરનું પ્રવાહી બહાર ઝરવા માંડ્યું છતાં પ્રભુ ક્ષોભ પામ્યા નહિ. ત્યાર પછી પણ તીક્ષ્ણ ડંખ મારે તેવાં જંતુઓનો ઉપદ્રવ કરીને તે થાકયો ત્યારે તેણે કાતિલ ડંખવાળા અસંખ્ય વીંછીઓ ભગવાનના શરીર પર મૂકી દીધા. અસહ્ય વેદના સિવાય શું હોય ? પણ પ્રભુ મહાવીર તો જાણે શરીર જ નથી તેમ અડગ રહ્યા.
સંગમ તો જાણે પ્રભુના શરીરને લાકડું સમજ્યો હતો, કાં તો પૂર્વનો કોઈ મહાવેરી હતો. હજી પણ તે તો બીજા પ્રકારો યોજતો જ રહ્યો. હવે તેણે જંગલી નોળિયા ઉત્પન્ન કર્યા. સામાન્ય માનવી તો તેની આકૃતિ જોવામાત્રથી છળી ઊઠે. આ નોળિયા ખીં ખીં અવાજ સાથે પ્રભુના શરીર પર દોડતા જાય અને દાઢો વડે ભગવાનના શરીરનું માંસ લેતા જાય. છતાં મહાવીર તે મહાવીર જ હતા. પ્રભુ તો કેવળ આત્મવૃત્તિમાં લીન હતા, પ્રભુનું અતિશય પુણ્યબળ પણ સાથે હતું, તેથી શરીરના ઘા તરત જ રુઝાઈ જતા.
સંગમ પણ જાણે બરાબર પાછળ જ પડી ગયો હતો. તેણે નોળિયા દૂર કરીને હવે મોટા મોટા વિષધરોને ઉત્પન્ન કરી પ્રભુના શરીર પર વીંટાળી દીધા. તે ભયંકર સર્પોએ મોટી ફણાઓ વડે પ્રભુના શરીર પર પ્રહાર કર્યા અને ડસવા લાગ્યા. તેમનામાં જેટલું વિષ હતું તે બધું પ્રભુના શરીરમાં ઠાલવી દીધું. પણ પ્રભુનું શરીર અમૃતમય હતું, કારણ કે તેમના ચિત્તમાં કોઈ પ્રત્યે વૈરભાવ અંશે પણ હતો નહિ. તેથી શરીર નિર્વિકારી પવિત્ર હતું. એથી બન્યું એવું કે તે વિષ પ્રભુના શરીરને કંઈ પણ અસર ઉપજાવી શક્યું નહિ. સંગમ ઘડીભર આશ્ચર્ય પામ્યો. પણ હવે તે પણ વટે ચડ્યો હતો. એટલે વળી તેણે જંગલી ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ દાંત અને નખથી પ્રભુના શરીરને ખોતરવા લાગ્યા, અને વળી તેના પર મૂત્રક્રિયા કરીને ઘા પર ખાર નાખવા લાગ્યા. પણ પ્રભુ તો એમ ને એમ અચલ રહ્યા.
એક બાજુ અપૂર્વ ક્ષમા અને શાંતિ, બીજી બાજુ પ્રચંડ ક્રોધાગ્નિની જ્વાળાઓ અનેક પ્રકારે ફેલાતી રહી. એવા ક્રોધાવેશમાં તેણે મદોન્મત્ત હાથીઓ ઉત્પન્ન કર્યા. તે હાથીઓએ ભયંકર ચિત્કાર કરી લાંબી સૂંઢ વડે પ્રભુના શરીરને પકડી આકાશમાં ઉછાળવા માંડ્યું. દંતૂશળ વડે પ્રહાર કરવા લાગ્યા. શું લેવા માટે સંગમ, તું આ કરી રહ્યો છું ? દેવસભા આખી સ્તબ્ધ થઈ ગઈ હતી, પણ સંગમ તો હવે વટ પર ચઢ્યો હતો. અત્યારે પ્રભુના કર્મનો પણ કોઈ અઘોર ઉદય હતો છતાં પ્રભુ પુણ્યવંતા હતા.
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org '