Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જે લોકવિશ્રુત, પ્રતિભાસંપન્ન અને શ્રુતસાગરના પારગામી વિદ્વાન હોય. આચાર્ય હારિલના નામ પર નવીન ગચ્છની સ્થાપનાથી એ ફલિત થાય છે કે, આચાર્ય હારિલ પોતાના સમયના ઉત્કૃષ્ટ શ્રુતધર, મહાન પ્રભાવક અને સમર્થ યુગપ્રધાનાચાર્ય હતા.
નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ
જૈનજગતના દિવ્ય જ્યોતિર્ધર નક્ષત્ર આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય) વી. નિ. સં. ૧૦૦૦ થી ૧૦૪૫ની મધ્યાવધિમાં થયા. તેઓ પોતાના સમયના વિશિષ્ટ વિદ્વાન, નિમિત્તજ્ઞ, નિયુક્તિકાર તથા ગ્રંથકાર હતા. વર્તમાનમાં ઉપલબ્ધ નિર્યુક્તિ સાહિત્યના નિર્માતાઓમાં એમનું સ્થાન અગ્રણી માનવામાં આવે છે. તેમણે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, કલ્પસૂત્ર, દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત - આ દસ સૂત્રો પર દસ નિયુક્તિઓની રચના કરી. સૂત્રોના ગૂઢાર્થને સ્પષ્ટ કરવાવાળી દસ નિર્યુક્તિઓની રચના કરી ભદ્રબાહુએ જિનશાસનની મહત્ત્વની સેવા કરી.
વિગત કતિષય શતાબ્દીઓથી નામ - સામ્યતાના કારણે અનેક વિદ્વાન વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયેલા અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુને જ ઉપર લિખિત દસ નિયુક્તિઓના રચનાકાર માનતા રહ્યા છે, પરંતુ શોધબુદ્ધિ વિદ્વાનોએ ન કેવળ એક-બે, પરંતુ અનેક સબળ પ્રમાણોથી એ સિદ્ધ કરી દીધું છે કે - ‘નિર્યુક્તિઓના રચનાકાર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ, પરંતુ એમના સ્વર્ગસ્થ થવાના લગભગ પોણા નવસો (૮૭૫) વર્ષ પછી થયેલા નિમિત્તજ્ઞ ભદ્રબાહુ (દ્વિતીય) હતા.' નિમિત્તજ્ઞ તથા નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુનું જીવનચરિત્ર, નિમ્નલિખિત રૂપમાં મળે છે.
વી. નિ.ની આઠમી શતાબ્દીના અંતિમ દશકાની વાત છે. મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણ યુવાન (કિશોર) રહેતા હતા. તે બંને સહોદર (સગાભાઈ) હતા. એક બાજુ તેઓ ખૂબ કુશાગ્રબુદ્ધિ અને વિદ્વાન હતા, તો બીજી બાજુ તેઓ નિતાંત નિરાશ્રિત અને નિર્ધન હતા. એક દિવસ બંન્ને ભાઈઓને એક વિદ્વાન જૈનાચાર્યનાં પ્રવચન સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૪