Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માસોપવાસ વગેરે ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. નિરંતર કઠોર તપશ્ચર્યા ને આત્મસાધનામાં લીન રહીને ગર્ગર્ષિએ અંતમાં આલોચનાપૂર્વક પાદપોગમન સંથારો કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગસ્થ થયા.
અહીં આચાર્યપદ પર આસીન થયા બાદ સિદ્ધર્ષિ જૈનસંઘનો સર્વતોમુખી વિકાસ કરવામાં વ્યસ્ત થઈ ગયા. સિદ્ધર્ષિનો યુગ શાસ્ત્રાર્થોનો યુગ હતો. અવારનવાર અનેક દર્શનોના વાદીઓની તરફથી તેમને શાસ્ત્રાર્થ માટે પડકાર આવવા લાગ્યા. સિદ્ધર્ષિએ આ પ્રકારના પડકારોનો સહર્ષ સ્વીકાર કરીને મોટા-મોટા વાદઇચ્છુક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો. તેમણે જગ્યાએ જગ્યાએ બીજાં દર્શનોના મોટા મોટા દિગ્ગજ વિદ્વાન વાદીઓ, મહાવાદીઓ અને પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી આર્યધરા પર જિનશાસનની વિજય પતાકા ફરકાવી તેમણે ધર્મની પ્રભાવનાનાં ઘણાં કામો કરાવ્યાં.
આચાર્ય હરિભદ્રને ઉદ્યોતનસૂરિએ પોતાના ‘સિદ્ધતેણ ગુરુ’ અને સિદ્ધર્ષિએ ‘બોધકરો ગુરુ' જણાવ્યા છે. આ જ ભ્રમણાથી પ્રભાવક ચરિત્રકારે ઉદ્યોતનસૂરિથી ૧૨૮ વર્ષ પછી થયેલા સિદ્ધર્ષિને તેમના ગુરુભાઈ માનીને લખ્યું છે કે - સિદ્ધર્ષિ એ સૌ પ્રથમ ધર્મદાસગણિની લોકપ્રિય આધ્યાત્મિક કૃતિ ‘ઉપદેશમાલા’ પર વૃત્તિની રચના કરી. યુવા સિદ્ધર્ષિએ કુવલયમાલાકાર પોતાના ગુરુભ્રાતા ઉદ્યોતનસૂરિને પોતાની કૃતિ ‘ઉપદેશમાલાવૃત્તિ’ બતાવી.
આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાના ગુરુભ્રાતા સિદ્ધર્ષિને કોઈ અનુપમ આધ્યાત્મિક કૃતિની રચનાની પ્રેરણા આપવાના અભિપ્રાયથી ‘ઉપદેશમાલાવૃત્તિ'ને ઉપેક્ષાભાવથી જોતાં કહ્યું : “સિદ્ધ ! અન્ય વિદ્વાનોની કૃતિઓ પર રચના કરવાથી કોઈ ખાસ લાભ નથી. ‘સમરાઇચ્ચ કહા’ જેવા કોઈ ઉત્કૃષ્ટ કોટિના સ્વતંત્ર આધ્યાત્મિક ગ્રંથની રચનાની સાથો-સાથ રચનાકારનું નામ પણ અમર થઈ શકે છે.''
આ પ્રેરણાથી આખરે સિદ્ધર્ષિએ ‘ઉપમિતિ ભવ પ્રપંચ કથા’નામના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથની રચના કરી. આ ગ્રંથ સાધકોને માટે તેમના ચરમ-પરમ લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રશસ્ત પથદર્શક દીપકની સમાન સાચો સહાયક અને અંત સુધી સાથ નિભાવનાર સહૃદય સખા (મિત્ર) જેવો છે.
૨૨૬ ૩
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)