Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થઈ. મૂળરાજને ધક્કો મારીને રાજસિંહાસન પરથી ઉતારી દેવા માટે જેવો તે આગળ વધ્યો કે મૂળરાજ પ્રત્યે સ્વામીભક્તિના શપથ લીધેલા સેનાની અને સેવકોએ સામંતસિંહને બંદી બનાવી લીધો. પૂર્વ નિયોજિત કાર્યક્રમાનુસાર મંત્રીઓ, સેનાનીઓ અને ગણગામ્ય નાગરિકોએ મૂળરાજનો રાત્રિના દ્વિતીય પ્રહરની સમાપ્તિની વેળામાં અણહિલપુર-પાટણના રાજસિંહાસન પર વિધિવત્ અભિષેક કર્યો. આ પ્રમાણે વનરાજ ચાવડા દ્વારા વિ. સં. ૮૦૨માં સંસ્થાપિત ચાપોત્કટ રાજવંશના અણહિલપુર-પાટણના રાજ્ય પર વિ. સં. ૯૯૮માં સોલંકી મૂળરાજનો અધિકાર થઈ ગયો. આ મૂળરાજ, સોલંકી (ચાલુક્ય) રાજવંશનો સંસ્થાપક બન્યો.
ઐતિહાસિક તથ્યોની પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે મૂળરાજને ચાપોત્કટ રાજાએ સ્વેચ્છાથી અથવા શાંતિપૂર્વક પોતાનું રાજ્ય નહોતું આપ્યું, પરંતુ મૂળરાજે પોતાના બાહુબળ અથવા બુદ્ધિના બળે તેના પર જબરદસ્તીથી અધિકાર કર્યો હતો.
‘પ્રબંધ-ચિંતામણિ’ અનુસાર મૂળરાજે રાજસિંહાસન પર બેસતા પહેલાં જ અને અન્ય અનેક પુષ્ટ પ્રમાણો મુજબ રાજસિંહાસન પર બિરાજમાન થતાંની સાથે પાટણ રાજ્યનો વિસ્તાર કરવાની શરૂઆત કરી દીધી.
મૂળરાજના સિંહાસન પર આરૂઢ થતાં જ શાકંભરી સપાદલક્ષના રાજા વિગ્રહરાજે એક મોટી સેના લઈને મૂળરાજ પર આક્રમણ કર્યું. તે જ સમયે લાટ રાજ્યના શક્તિશાળી પશ્ચિમી ચાલુક્યવંશી રાજા બરપા(ગોગિરાજના પિતા)એ પણ પાટણ રાજ્ય પર આક્રમણ કરી દીધું. ‘પૃથ્વીરાજ રાસો'ના ઉલ્લેખાનુસાર મૂળરાજે પોતાના મંત્રીઓની સલાહથી કન્યાદુર્ગમાં આશ્રય લીધો. ‘મેરુત્તુંગ' મુજબ મંત્રીઓએ મૂળરાજને કહ્યું કે - “શાકંભરીનરેશ આસો માસની નવરાત્રિના પ્રસંગે પોતાની આરાધ્ય દેવીની ઉપાસના કરવા માટે શાકંભરી પાછો ફરી જશે. તેના જવાથી કિલ્લામાંથી બહાર નીકળીને લાટરાજ બરપા પર આક્રમણ કરવામાં આવે.’’
શાકંભરીરાજ વિગ્રહરાજને કોઈક રીતે આ વાતની ખબર મળી ગઈ. તેણે પોતાની આરાધ્ય દેવીની મૂર્તિને શાકંભરીથી મંગાવીને પોતાના સૈનિક શિબિરમાં જ શાકંભરીની રચના કરી, ત્યાં પોતાની આરાધ્યદેવીની ઉપાસના કરવાનો નિર્ણય કરી લીધો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૐ
૨૬૫