Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મંડન મિશ્રે પણ પ્રતિજ્ઞા કરી - “જો હું આ શાસ્ત્રાર્થમાં હારી જઈશ તો હું ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને સંન્યાસધર્મ ગ્રહણ કરી લઈશ.”
શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યની યુક્તિઓ સાંભળી મંડન મિશ્ર નિરુત્તર થઈ ગયા. તેમના ગળાની માળા મલિન (ઝાંખી) પડી ગઈ. ભારતીએ શંકરને વિજયી અને પોતાના પતિ મંડન મિશ્રને પરાજિત ઘોષિત કર્યો.
તે સમયના ભારતના સૌથી ઉચ્ચ કોટિના વિદ્વાન મંડન મિશ્રને પરાજિત કરી દેવાથી ભારતભરના વિદ્વાનો ઉપર શંકરાચાર્યની અજેય પાંડિત્યની ધાક જાણે જામી ગઈ.
ભારતીએ શંકરને કહ્યું : વિદ્વાન ! તમે શાસ્ત્રાર્થમાં હજુ મારા પતિને જ જીત્યા છે. તમારી આ જીત પૂરી ત્યારે જ માનવામાં આવશે, જ્યારે તમે વાદમાં મને પણ હરાવી દો. હજુ આપનો આ વિજય અધૂરો જ છે, કેમકે નારી પોતાના નરની અર્ધાગિની હોય છે.” શંકરાચાર્યે ભારતીની સાથે શાસ્ત્રાર્થ પ્રારંભ કર્યો. એમાં પણ શંકરાચાર્યે ભારતીને નિરુત્તર કરી દીધી.
પોતાની પ્રતિજ્ઞા અનુસાર મંડન મિશ્ને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શંકરાચાર્યનું શિષ્યત્વ સ્વીકારી સંન્યાસ ગ્રહણ કર્યો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી મંડન મિશ્રનું નામ શંકરાચાર્યે “સૂરેશ્વર” રાખ્યું. ત્યાર બાદ વિભિન્ન ધર્મોના સુદઢ ગઢ સમાન કેન્દ્ર ગણાતા ૪૩ નગરો અથવા સ્થળો પર શંકરાચાર્યે અન્ય દર્શનના આચાર્યો અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો. એ શાસ્ત્રાર્થોમાં તમામ ધર્મના વિદ્વાનોને પરાજિત કર્યા. એ પરાજિત વિદ્વાનોમાંથી મોટા ભાગનાઓને અદ્વૈતવાદી વૈદિક ધર્મના અનુયાયી બનાવ્યા.
(શંકરાચાર્યનો સમય) શંકરાચાર્યના સમય સંબંધમાં વિદ્વાનોમાં મોટા મતભેદ છે, પરંતુ અદ્યયુગીન વિદ્વાનોએ એક રીતે અંતિમ રૂપમાં શંકરાચાર્યનો સમય વિક્રમ સં. ૮૪૫ થી ૮૭૭ (ઈ.સ. ૭૮૮ થી ૮૨૦) સુધીનો માન્યો છે.
એક ઉલ્લેખનીય તથ્ય એ પણ છે કે - કુમારિલ્લ ભટ્ટ અને શંકરાચાર્ય દ્વારા બધાં દર્શનો વિરુદ્ધ જે ધાર્મિક અભિયાન ચલાવવામાં આવ્યું, તેનાથી બૌદ્ધ ધર્મ આ આર્યભૂમિ પરથી પૂર્ણરૂપે મૃતપ્રાયઃ થઈ ગયો, પરંતુ જૈન ધર્મના પાયા વિશ્વકલ્યાણકારી જેવા સિદ્ધાંતો પર આધારિત હોવાના કારણે, ભારતના જીવંત અને સન્માનિત ધર્મના રૂપે જૈન ધર્મનું અસ્તિત્વ કાયમ રહ્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 396969696969696969699 ૧૩૯ ]