________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુન કર્મને પોતાને માટે માને છે, એટલા માટે તેને યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ ભયંકર લાગે છે. તેથી ભગવાન અર્જુનને આશક્તિ રાખ્યા વિના કર્મયોગી બનવાનો ઉપદેશ આપે છે. ગાંધીજી આ કર્મયોગને અનાસક્ત કર્મયોગ કહેતા, અહીં ભગવાન અર્જુનને બુદ્ધિના વિવેક દ્વારા અર્જુનને અનાસક્ત કર્મનું સ્વરૂપ સમજાવ્યું.
કર્મયોગી આપણને કર્મ માટે જ કર્મ - આસક્તિરહિત કર્મ કોને મદદ કરાય છે અને શા માટે કરાય છે તેનો ખ્યાલ કર્યા સિવાયનું કર્મ કરવાનું શીખવે છે. કર્મયોગી કાર્ય કરે છે કારણ કે તેનો સ્વભાવ છે. આથી ભગવાન અર્જુનને અનાસક્ત ભાવથી યુદ્ધ કરવાનું કહે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે જીવનમાં અનાસક્તિ હોય તો વાસનાનો ત્યાગ થઇ શકે છે. હે અર્જુન! હું ક્યારેક એમ નથી કહેતો કે માણસે ઇન્દ્રિયોને નિયમિત કરવું અને સંયમ ન રાખવો. કર્મયોગની શરૂઆતમાં સંયમ જરૂરી છે. પ્રયત્ન વિના મનુષ્ય કશું જ પ્રાપ્ત કરતો નથી. આથી મનને સંયમ રાખવાનો મનુષ્ય પ્રયત્ન કરવો જોઇએ. આવા પ્રયત્નથી તે સંયમની દિશામાં આગળ વધી શકે છે. ત્યારે તેનું મન આસક્તિ સેવતું હોય કે વિષય વાસનાનું ચિંતન કરતું હોય એવું બને. તે સ્થિતિમાં તે દંડને પાત્ર નથી. જ્યા સુધી માણસ સાધકની સ્થિતિમાં છે. ત્યાં સુધી આવું બનશે. તેને દંભ ન કહેવાય.
મનુષ્ય જ્યારે પોતાનું કલ્યાણ કરવાનો વિચાર હોય છે ત્યારે તે કર્મોને સાધનામાં વિદન સમજીને તેમનાથી પર થવા ઇચ્છે છે. પરંતુ કર્મોમાં કામભાવ હોવો, એ દોષિત છે. આથી ભગવાન કહે છે કે બહારથી ઇન્દ્રિયોનો સંયમ કરીને મનમાં વિષયોનું ચિંતન કરવાવાળા કરતાં આસક્તિ રહિત થઇને બીજાઓના હિત માટે કર્મ કરવાનો હોય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
કૃષ્ણમૂર્તિએ પણ સાધકના સાધનાકાળ દરમ્યાન સ્વપૃથક્કરણ ઉપર ઘણો ભાર મુક્યો છે. જે તેમના શબ્દોમાં જોઇએ તો ‘સ્વપૃથક્કરણના આરંભમાં ભલે થોડી હતાશા આવે, પણ એની ખરી દિશા જાળવી રાખવામાં આવે તો એ જીવનમાં ઉત્સાહનાં નવાં પુર લાવી શકે તેમ છે. આપણી આ શક્તિનો ઉપયોગ થવો જોઇએ.'
આથી ભગવાન કહે છે. સારા નરસાનો વિવેક કેળવો, રખે એમ માનતા કે કર્મનો ત્યાગ કરવાથી કર્મના પરિણામમાંથી મુક્તિ મળશે. પરંતુ અનાસક્ત ભાવથી પોતાને ફાળે આવેલ કર્મ કરવાથી સાચા જીવનનો આનંદ મળી શકશે. કર્મહિનતા એ કાયરતા છે. કર્મ વગરનો શરીરનિવહ પણ શક્ય નથી. દરેક આસક્તિરહિત કર્મ પવિત્ર છે. અને આવું કર્મ જ શ્રેષ્ઠતાની દિશા છે.
આપણા હાથમાં આવેલા બધા જ કર્મો સારી રીતે કરવા જોઇએ અને એ રીતે આપણું બળ વધારતા જઇએ, આમ કરવાથી આપણે એક દિવસ એવી અવસ્થાએ પહોંચીએ કે જ્યારે જીવનમાં અને સમાજમાં જેની ખૂબ અભિલાષા સેવતા હોઇએ તેવાં માનદાયક કર્મો બજાવવાને આપણે હકદાર બનીએ. તમે જે કોઇ કર્મ કરતાં હોય ત્યારે તેના પરિણામ તરફ ન જોવો. જે કાર્ય કરો તે ઉપાસના તરીકે, શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો, અને એ સમય દરમિયાન તમારા સમગ્ર જીવનને એમાં ઓતપ્રોત રાખો.
આવા ઓતપ્રોત અને આસક્તિરહિત બનીને કરવામાં આવેલ કર્મને ભગવાને યજ્ઞાચક કર્મો કહ્યાં છે. બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવાને માટે જે પણ કર્મો કરવાથી આસક્તિ બહુ જ શીઘ દૂર થઇ જાય છે.