________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ ભૌતિક વિશ્વની જેમ મનની દુનિયામાં પણ પરિવર્તનો થયા કરે છે. ચિત્તવૃત્તિઓ ચંચળ છે અને તે પરસ્પરના સંવાદ કે વિરોધ દ્વારા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, સુખ, દુઃખ, મોહ કે વૈરાગ્ય જેવા ભાવો દ્વારા માનવીના જીવનનું સંચાલન કરે છે. આ ચિત્તવૃત્તિપરિવર્તનના આધારે મનોવિજ્ઞાન વિકસી રહ્યું છે. આજ રીતે રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિવર્તનો થતા રહે છે. આમ પરિવર્તનનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. પણ આપણે તો ભારતીય દર્શનમાં અનુસૂત પરિવર્તન અર્થાત દાર્શનિક ભાષામાં કહીએ તો પરિણમનના સ્વરૂપ અને રહસ્ય વિષે વિવિધ પરિપ્રેક્ષ્યમાં થયેલા ખેડાણનો પરિચય કરવો છે. પ્રથમ દૃષ્ટિએ અસંખ્ય અને વિભિન્ન લાગતા તત્ત્વોનું અવલોકન, અધ્યયન કરતાં વિશ્લેષણ અને સંશ્લેષણ પદ્ધતિથી તેમનું અમુક વગોંમાં વર્ગીકરણ થઈ શકે છે. તે ઉપરાંત તેમની વચ્ચે કારણ-કાર્ય સંબંધ પણ નિશ્ચિત કરી શકાય છે અને એમ આગળ વધતા પ્રત્યેક દર્શન કેટલાક નિશ્ચિત મૂળ તત્ત્વો તારવી આપે છે. આ રીતે વિચારતા પ્રથમ પરીક્ષણે એમ લાગે છે કે સમસ્ત વિશ્વમાં મુખ્ય બે તત્ત્વો અસ્તિત્વ ધરાવે છે. એક જડ અને બીજું ચેતન. વિશેષ પરીક્ષણ કરતાં આ બન્ને તત્ત્વો એકબીજાથી નિરપેક્ષ છે કે કોઈ એક બીજાનું આશ્રિત છે અથવા તો તે બેમાંનું કોઈપણ એક જ મૂળ તત્ત્વ છે અને બીજું તો માત્ર તેનું રૂપાંતર છે - આવા પ્રશ્નો ઉભા થશે. દાર્શનિકોના મનમાં આવા વિચારો વારંવાર ઘોળાયા કરે છે. તેમણે પોતપોતાની રીતે તેમનો ઉકેલ શોધવાના પ્રયત્નો પણ કર્યા છે. એ પ્રયત્નોનો નિષ્કર્ષ નીચે પ્રમાણે દર્શાવી શકાય. (1) જડ એજ પારમાર્થિક તત્ત્વ છે. આ વિશ્વ એ એવા જડ તત્ત્વો એટલે કે ભૂતોનું જ બનેલું છે. તે ભૂત સમુદાયમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. તે ચૈતન્યને સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી. આ મત ભૂત ચૈતન્યવાદી (Materialist) એવા ચાર્વાકોનો માનવામાં આવે છે. કાર્લ માર્ક્સ કહે છે કે “જેમાં આપણો પણ સમાવેશ થાય છે, તે આ દશ્યમાન ભૌતિક વિશ્વ એ જ એક માત્ર વાસ્તવિકતા છે. આપણું ચૈતન્ય અને આપણી વિચારણા - ભલે તે અતીન્દ્રિય લાગે તો પણ - તે આપણા ભૌતિક શરીરના જ અવયવ છે. તેને આપણે મગજ કહીએ છીએ. દ્રવ્યજડતત્ત્વ એ કોઈ ચેતન તત્ત્વની (matters) નીપજ નથી, પણ ચૈતન્ય પોતે જ આ જડતત્ત્વ (Matter) નું જ ઉત્પાદન છે. "