________________ ભૂમિકા ભારતીય દર્શનશાસ્ત્ર માનવ ચિત્તને સતાવતા કેટલાક મૂળભૂત પ્રશ્નોને ઉકેલવાના સન્નિષ્ઠ પ્રયાસો કર્યા છે. એનો આરંભ તો સામાન્ય બુદ્ધિને જણાતા જગત અને તેના પદાર્થોથી જ કર્યો છે. આપણને આપણી સામે અને આસપાસ ફેલાએલું આ જગત દેખાય છે અને આ વિવિધ રંગે વિસ્તરી રહેલું વિશ્વ એના અપાર વૈવિધ્યથી આપણને આશ્ચર્ય પણ પમાડે છે. તેની સાથેનો સંપર્ક આપણને સુખ-દુઃખ, મોહ વગેરે ભાવોનો અનુભવ કરાવે છે અને સામાન્ય માનવી એ જેમ છે તેમ સ્વીકારીને જીવન જીવતો હોય છે. પરંતુ જીવાતા જીવનની કોઈ ક્ષણે જયારે આટલાથી સંતોષ ન પામતા આ જગતરૂપી દશ્યના સ્વરૂપ વિષે મનુષ્યને જિજ્ઞાસા થાય છે અને કેવળ સપાટી પર જ રાચવાના બદલે ઊંડો ઉતરી મનન કરવા પ્રવૃત્ત થાય છે; ત્યારે તેનો દર્શનમાં પ્રવેશ થાય છે. તેને પ્રશ્નો થવા લાગે છે. ખરેખર આ વિશ્વનું સ્વરૂપ કેવું છે? તે શાથી સર્જાયું હશે ? તેમાં સુસંવાદ છે કે વિસંવાદ? વળી આ દશ્ય તો મને દેખાય છે, તેથી હું તેનો દષ્ટા છું. પણ હું એટલે કોણ ? આ વિશ્વનો જ એક ભાગ છું કે તેથી જુદો છું ! અને દષ્ટા અને દશ્ય વચ્ચે શો સંબંધ છે ? શું આ દેખાય છે તે દશ્ય ખરેખર છે કે કેવળ દષ્ટાનું પ્રક્ષેપણ છે ! તો જેમ આ બાહ્ય જગતમાં અનેક પદાથો, ઘટનાઓ, વિરોધાભાસો, ઉત્પત્તિ અને વિનાશના આવર્તનો પ્રતીત થાય છે, તેમ માનવ ચિત્તમાં પણ વિચાર, કલ્પના, સંદેહ વગેરેથી ભરેલું કોઈ અન્ય જગત પણ સ્પંદિત થતું હોય તેમ નથી લાગતું ? જેવું પેલું બાહ્ય જગત આશ્ચર્યકારક દશ્ય છે, તેવું જ આશ્ચર્ય મુગ્ધ કરતું આ આંતર જગત પણ નથી લાગતું ! આ ઉપરાંત ઉત્પન્ન થતા, કિશ્ચિદ્ સ્થિર જણાતા, વિકસતા, પરિવર્તન પામતા, ઘસારો પામતા અને અંતે નાશ પામતા શરીરના, જન્મ-મૃત્યુ અને સુખ-દુઃખ વિષેના મૂળ સુધી જવાના અનેક પ્રશ્નો તેને ઘેરી વળે છે.