________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ અર્વાચીન હોઈ તેનું કર્તુત્વ એ પ્રાચીન કપિલ મુનિનું ન હોઈ શકે. તત્ત્વસમાસ તો 22, 25 કે 27 સૂત્રો ધરાવતો લઘુગ્રંથ છે. સાંખ્યસૂત્ર પરનું વિજ્ઞાન ભિક્ષુનું ભાષ્ય મહત્ત્વનું છે. તેમાં પરિણમન વિષે ભિક્ષુનું કેટલુંક મૌલિક પ્રદાન નોંધપાત્ર છે. આ ઉપરાંત સાંખ્યની સાથે યોગદર્શનને પણ સાંકળવામાં આવે છે. યોગસૂત્રનું કેન્દ્ર યોગ-ધ્યાન-ધારણા-સમાધિ છે, તો પણ તેમાં ચિત્તવૃત્તિઓના પરિવર્તનની ચર્ચા થઈ છે. અન્યથા તત્ત્વ વગેરેની બાબતમાં તે સાંખ્યને પ્રાયઃ સ્વીકારીને ચાલે છે. પરંતુ તેના પરના વ્યાસભાષ્ય અને તેના પરની વાચસ્પતિની વૈશારદી ટીકામાં પરિણમન વિષે મહત્ત્વનો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેથી ઐતિહાસિક કાલક્રમને ગૌણ ગણીને આ ગ્રંથોના આધારે હવે સાંખ્યના પરિણામવાદનો પરિચય કરીશું. સામાન્ય રીતે વિશ્વસંઘટનામાં પ્રતીત થતા જડ અને ચેતન એ બે તત્ત્વોનો સ્વીકાર કરી સાંખ્ય તેમના સ્વરૂપનો ઊંડાણથી અને કંઈક અંશે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કરે છે. તેમ કરવામાં તે સંશ્લેષણ અને વિશ્લેષણ એ બન્ને પદ્ધતિઓ પ્રયોજે છે. આ દર્શન આમ વાસ્તવવાદી દ્વતદર્શન છે. જડમાં કેવળ પોતાની જ શક્તિથી ગતિ અને તેથી પરિવર્તન શક્ય નથી. તેને તેમ કરવા માટે કોઈ તેનાથી ભિન્ન તેવા સ્વતંત્ર ચેતન તત્ત્વની આવશ્યકતા રહે છે. તે ચેતન તત્ત્વને સાંખ્ય પુરુષ કહે છે અને જે અચેતન તત્ત્વ છે, તેને પ્રકૃતિ કહે છે. પુરુષ-પ્રકૃતિનો સંબંધ કેવા પ્રકારનો અને કેવી રીતનો છે, તે વિષે આપણે પછી જોઈશું. આ અચેતન તત્ત્વ એવી પ્રકૃતિ પદાર્થ વૈવિધ્યમાં મૂળ કારણ છે. તેનું અસ્તિત્વ સાંખ્ય કાર્ય-કારણની શૃંખલાને સંશ્લેષણ રીતે આમ આપે છે. વિશ્વમાં આપણે વિવિધ પદાર્થો જોઈએ છીએ. તેમનામાં પરસ્પરના ભેદ પણ જોઈએ છીએ. પણ જ્યારે તે કેવી રીતે બન્યા તેનો ઉત્તરોત્તર ક્રમમાં વિચાર કરીએ છીએ અર્થાતુ જયારે કાર્ય (Effect) માંથી કારણ (Cause) તરફ આગળ ને આગળ જઈએ છીએ ત્યારે આ ભેદ ઓગળતા જાય છે. ઉદાહરણ તરીકે જુદા જુદા પ્રકારના (માટીના) ઘડા, તાવડી વગેરેના કારણનો વિચાર કરીએ છીએ તે એ સર્વ માટી સુધી પહોંચે છે, પછી તેનાથી પણ આગળ ને આગળ વધતા સ્થૂળ તત્ત્વ એટલે કે તન્માત્રા અને તેનાથી પણ સૂક્ષ્મ એવા કેવળા અસ્તિત્વ કે અસ્મિતાનું ભાન કરાવતા “અહંકાર' નામના તત્ત્વ સુધી પહોંચી જઈએ છીએ. સાંખ્ય કહે છે કે આ ભાન પણ તેનાથી પણ વિશેષ સૂક્ષ્મ એવી એક તત્ત્વ સુધી લઈ જાય છે અને તે તત્ત્વને મહતું કે બુદ્ધિ એ નામ આપે છે. છેવટે આ મહત્ પણ જેનું કાર્ય કે પરિણમન છે, તે તત્ત્વ પાસે વિરામ આવે છે.