________________ 64 ભારતીય દર્શનોમાં પરિણામવાદ આમ કાર્યકારણવાદના વળગણથી મુક્ત એવો અજાતિવાદ જ સત્ય છે. નિશ્ચલ, પરમતત્ત્વ જ પરમાર્થ સત્ય છે. ડૉ. સોલોમન ધ્યાન દોરે છે કે “અજાતિવાદ તરીકે ગૌડપાદનો મત ઓળખાય છે; જો કે એ નામ પણ પારમાર્થિક દૃષ્ટિએ બરાબર નથી. કારણ કે જાતિ કે ઉત્પત્તિ જ ન હોય ત્યાં અજાતિનું કોઈ સાર્થક્ય રહેતું નથી, પણ વાણીની મર્યાદાઓ છે જ. કોઈ અભિવ્યક્તિ કરવી હોય તો “અજાતિ’ - એ પરમ સત્યની સૌથી નજીક આવે છે.”૧૮ શાંકરમત: ઉપનિષદ, બૌદ્ધોના વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ તથા ગૌડપાદના અજાતિવાદ - એ સહુમાં પ્રાપ્ત થતી વિચારણામાં પ્રથમ દૃષ્ટિએ વૈવિધ્યરૂપે વિલસતા બાહ્યપદાર્થો કે જગતના સ્વતંત્ર વાસ્તવિક અસ્તિત્વનો અસ્વીકાર થતો જોવા મળે છે, તો ન્યાય-વૈશેષિક વિભિન્ન મતોનું તાર્કિક, આકલન કરી તેમાં આંતરિક અનુભવ અને શ્રુતિના પ્રમાણને પણ લક્ષ્યમાં લઈ આદ્યશંકરાચાર્યે કેવલાદ્વૈતનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. એમના જીવન અને કાર્યથી વિદ્વાનો સુપરિચિત છે. એમણે ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્ર - એ પ્રસ્થાનત્રયી ઉપર લખેલા ભાષ્યો, અન્ય પ્રકરણગ્રંથો તેમજ વિવિધ સ્તોત્રો પણ પ્રસિદ્ધ જ છે. પ્રાચીન ઉપનિષદોમાં પ્રસ્ફટિત અદ્વૈત સિદ્ધાંત - કેવળ બ્રહ્મ જ એકમાત્ર પારમાર્થિક સત્ય છે - એ શ્રી શંકરાચાર્યે એમના ગહન ચિંતનના પરિપાક રૂપે સ્થાપિત કર્યો. બ્રહ્મ જ એક પરમ સત્ય છે, એ જ અંતિમ મત ધરાવતા હોવા છતાં એમણે જગતની વ્યવહારિક સત્તાનો પણ સ્વીકાર કર્યો છે. સામાન્ય રીતે જગતના અનેકવિધ પ્રકારના સંબંધો રચાયા કરે છે અને એ ઉપરાંત આપણે સુખ-દુ:ખ, ચિંતા-કલ્પનાવિચાર-લાગણી વગેરે ભાવો પણ અનુભવીએ છીએ. વળી આ સહુના પરસ્પર સંબંધો વિષે વિચાર કરી શક્ય હોય ત્યાં કાર્ય-કારણ સંબંધ પણ શોધવા પ્રયત્ન કરીએ છીએ. આંતર-બાહ્ય પરિવર્તનોને નિહાળીએ છીએ અને એની અસરથી આપણી જીવનશૈલી પણ ઘડીએ છીએ. આ બધું જ જગતની પદાર્થમૂલક વાસ્તવિકતા (Objective Reality) સ્વીકારવાથી શક્ય બને છે અને આ ભાવ આપણામાં લાંબા સમયથી -