________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 73 8. આ દર્શનોમાં ઈશ્વરને શક્ય તેટલો દૂર રાખવામાં આવ્યો છે. ઈશ્વર છે કે નહીં, એ ચર્ચાથી દૂર રહીને અહીં સત્યની શોધ થઈ છે. ન્યાયદર્શનમાં ઈશ્વરનો સ્વીકાર છે, પણ તેનું કાર્ય જડ અણુને પ્રથમ ગતિ આપવા તથા જીવોના કર્મફળનું નિયમન કરવા પૂરતું જ સીમિત છે. 9. આમ છતાં ચાર્વાકને બાદ કરતા આ દર્શનોએ ચૈતન્ય સત્તાનો સ્વીકાર કર્યો છે. કારણ કે જગતમાં થતા પરિણમનોમાં ગતિ નિહિત છે અને જડતત્ત્વોમાં સ્વયમેવ ગતિ ન સંભવે, તેથી ચૈતન્યની અનિવાર્યતા છે. સાંખ્યમાં એ પુરુષ છે. જૈન, ન્યાય-વૈશેષિક અને વેદાન્તમાં તે આત્મા છે. બૌદ્ધોમાં તે ક્ષણિક ચૈતન્ય સંતતિ છે. 10. જડ અને ચેતનમાં ચેતન જ મહત્ત્વનું છે. કારણ કે જડના સંપર્કથી અથવા તો અજ્ઞાનને કારણે જડ સાથે અધ્યાસરૂપે અભેદ કલ્પવાથી સુખ-દુઃખ-બંધન વગેરેનો અનુભવ ચેતનને આત્માને થાય છે અને તેમાંથી મુક્ત થવું એ જ પરમ પુરુષાર્થ છે. તેમ માનવામાં આવ્યું છે. આ બધાં પ્રાયઃ સર્વદર્શનોના સામાન્ય અભિગમો છે. પણ એથી અલગ પ્રત્યેકનો પોતાનો પણ વિશિષ્ટ અભિગમ હોય છે. તેમાં વૈત અથવા બાહ્ય પદાર્થવાદ, સત્કાર્યવાદ કે આરંભવાદ એવા મતો છે, તો સામે પક્ષે કેવલાદ્વૈત કે વિવર્તવાદ જેવા મત પણ છે. તેના મૂળમાં સૃષ્ટિ-દષ્ટિવાદ કે દષ્ટિસૃષ્ટિવાદ રહેલા છે. તે બંને વિષે પણ ઘણું ખેડાણ થયું છે. પરંતુ સર્વદર્શનોનું અંતિમ લક્ષ્ય વિવેકથી નિજસ્વરૂપની શોધ દ્વારા આત્યંતિક અને ઐકાન્તિક દુઃખનિવૃત્તિ કે મોક્ષ રહ્યું છે અને તે માત્ર શુદ્ધ જ્ઞાન-વિવેકથી શક્ય બને અને શુદ્ધ જ્ઞાન, શુદ્ધ આચાર વિના શક્ય નથી. તેથી પ્રત્યેક દર્શને સાધનાને પણ આવશ્યક દર્શાવી છે. એટલે જ સાંખ્ય-ન્યાય-બૌદ્ધ-જૈન વગેરે દર્શનોએ યોગ કે સદાચાર, સગુણોની પ્રાપ્તિ પર ભાર મૂક્યો છે. કેવલાદ્વૈતવાદી શ્રી શંકરે પણ સાધન ચતુષ્ટયને જ્ઞાનની પૂર્વશરત તરીકે પ્રબોધ્યું છે. આમ, ભારતીય દર્શન અને ધર્મ જીવનશૈલી અને જીવનના પરમ લક્ષ્ય એવા મોક્ષ કે નિજાનંદની ઉપલબ્ધિમાં એકરૂપ થઈ જાય છે - તે જ આ દર્શનની મહત્તા છે. સંદર્ભગ્રંથસૂચિઃ ईशादिदशोपनिषद-शांकरभाष्य सहित - मोतीलाल बनारसीदास - दिल्ली. તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત) - પં.સુખલાલજી - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ