________________ 8O ભારતીય દર્શનોમાં પરિણામવાદ પણ નથી અને નાશ પણ પામતું નથી. જેમકે અશ્વત્વ અથવા માજરત્વ (બિલાડીપણું) અશ્વો આવે ને જાય પણ અશ્વત્વ તો સદાકાળ છે. ભારતીય ન્યાય દર્શનની ભાષામાં કહીએ તો વ્યક્તિની ઓળખ તેની “જાતિ એટલેકે સંપૂર્ણ વર્ગમાં સમવેત “સામાન્ય તત્ત્વથી થાય છે. વ્યક્તિની ઓળખ માટે જાતિ આવશ્યક છે. પણ જાતિ કે રૂપતત્વ પોતાના અસ્તિત્વ માટે અન્ય કોઈનો આધાર રાખતું નથી. વળી તે જે તે વર્ગમાં સંપૂર્ણ વ્યાપક છે. વ્યક્તિની પૂર્વે તે અસ્તિત્વ ધરાવે છે. તે સ્વયં અપરિવર્તનશીલ અને નિત્ય પણ છે. પણ ઇન્દ્રિયગમ્ય નથી માત્ર બુદ્ધિગમ્ય છે. એક રીતે આ Idea રૂપતત્ત્વ ઇન્દ્રિયગમ્ય પદાર્થોનું કારણ છે અને પદાર્થ તે રૂપતત્ત્વની કેવળ આંશિક અભિવ્યક્તિ કરે છે અને તે રૂપતત્ત્વની ઝાંખી, નબળી અને અપૂર્ણ નકલ સમાન જ છે. પોતાના આ મતને સમજાવવા પ્લેટો તેના રિપબ્લિક ગ્રંથમાં ગુફાનું પ્રસિદ્ધ દષ્ટાંત આપે છે. એક એવી ગુફા છે કે જેમાં કેટલાક માણસોની એવી રીતે બાંધીને બેસાડ્યા છે કે તેમના મુખ માત્ર દિવાલ સામે જ રહે છે. ગુફાના દ્વાર પાસે અગ્નિ પ્રકાશી રહ્યો છે. તે પ્રકાશને કારણે બહાર પસાર થતી વ્યક્તિઓના પડછાયા દિવાલ પર પડ્યા કરે છે. ગુફાના માણસો આ પડછાયાઓને જ સાચા માને છે. પરંતુ સંયોગવશાત જો તેમની દૃષ્ટિ બહારની તરફ પડે તો તેમને સાચી આકૃતિઓ કે યથાર્થ પદાર્થોનું જ્ઞાન થાય છે અને પડછાયાનું મિથ્યાત્વ સમજાઈ જાય છે. આ રીતે જ આ ઇન્દ્રિયગમ્ય ભૌતિક જગત મૂળ રૂપતત્ત્વના પડછાયા જેવું જ છે. પરંતુ પ્લેટોના જ પ્રમુખ શિષ્ય એવા એરિસ્ટોટલે (ઇ.સ.પૂ.૩૮૪-૩૨૨) જ પ્લેટોના આ મતનું પ્રબળ ખંડન કર્યું. એરિસ્ટોટલ કહે છે કે રૂપતત્ત્વનો વિચાર એ જેમાં છે તેના આધાર વિના થઈ શકે નહિ. જો એક પણ ઘોડો ન હોય તો “ઘોડાપણું (અશ્વત્વ) પણ ન હોય. ખરેખર તો આપણે અનેક ઘોડા જોયા પછી તેમાં રહેલા વિશિષ્ટ ગુણોના આધારે તે સહુમાં રહેલ સમાન તત્ત્વ, જાતિ કે પ્લેટો જેને રૂપતત્ત્વ કહે છે તેની વિભાવના ઉત્પન્ન થાય છે. આમ પહેલાં વ્યક્તિ અને પછી જાતિ એ જ તાર્કિક સત્ય છે. વળી જો ભૌતિક પદાર્થથી તેનું રૂપતત્ત્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ માનશો તો એ સ્વતંત્ર અસ્તિત્વ એજ રૂપતત્ત્વ રૂપે ક્યાંથી આવ્યું? શું તે પણ કોઈ એવા જ સદશ ત્રીજા રૂપતત્ત્વની પ્રતિકૃતિ છે? જો હા, તો અનવસ્થા દોષ આવશે. ખરેખર તો રૂપતત્ત્વ વસ્તુની અંદર જ વ્યાપ્ત છે. તેમજ માનવું જોઈએ તેમજ રૂપતત્ત્વ જો પરિપૂર્ણ અને અપરિવર્તનશીલ હોય તો પછી તેની પ્રતિકૃતિ કે નકલની જરૂર જ ન રહે. વાસ્તવમાં વ્યક્તિમાં જે તે રૂપતત્ત્વ અભિવ્યક્ત થાય છે એમ કહેવું જોઈએ. આપણે ઉમેરીએ કે કણાદે સામાન્યને બુદ્ધિનો જ ખ્યાલ કહ્યો છે. તેને વાસ્તવિક તો પછીના વૈશેષિકોએ માન્યું છે. પછી એરિસ્ટોટલ વસ્તુના અસ્તિત્વના સંદર્ભે કારણવાદ રજૂ કરે છે. તે અનુસાર કોઈપણ વસ્તુની ઉત્પત્તિમાં નીચેના ચાર કારણો જોઈ શકાય.