________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 1. ઉપાદાન કારણ (Material cause) : જે પદાર્થ કે સામગ્રીમાંથી વસ્તુ ઉત્પન્ન થાય તે, તે વસ્તુનું ઉપાદાન કારણ છે. જેમકે માટી ઘડાનું ઉપાદાન કારણ છે. 2. નિમિત્ત કારણ (Efficient cause) : ઉપાદાનમાં જે ફેરફાર કે ગતિ કરી તેને બનવામાં ઉપકારી નિવડે તે નિમિત્ત કારણ છે. જેમકે કુંભાર એ ઘડાની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ છે. ભારતીય દર્શનોમાં પણ પ્રાયઃ ઉપાદાન અને નિમિત્ત કારણોનો સ્વીકાર કરવામાં આવ્યો જ છે. 3. રૂપલક્ષી કારણ (Formal cause) : જે વસ્તુ બની રહી છે તેનેજ ઘાટ મળવાનો છે તેનું પ્રારૂપ તે વસ્તુનું રૂપલક્ષી કારણ છે. જેમકે ઘડો બનાવ્યા પૂર્વે કુંભારના મનમાં તેનું પ્રારૂપ ઘડાઈ ચૂક્યું હોય છે. અર્થાત્ વસ્તુ સર્જન વિષેનો માનસિક ખ્યાલ તે તેનું રૂપ લક્ષી કારણ છે. 4. અંતિમ કારણ (Final cause) : જે પ્રયોજન માટે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે વસ્તુનું અંતિમ કારણ છે. છેવટે તો વસ્તુનું નિર્માણ કોઈ હેતુ કે પ્રયોજન પાર પાડવા માટે થાય છે. કોઈ ધ્યેય માટે હોય છે. તેથી પ્રયોજન પણ એક રીતે કારણ છે. અને કારણો-વૈજ્ઞાનિક રીતે કારણો છે. પણ આ ચોથું કારણ-હેતુ લક્ષી છે. ખરેખર તો હેતુ અને કારણ વચ્ચે કંઈક ભેદ છે. પણ એરિસ્ટોટલે વ્યાપક દૃષ્ટિએ હેતુ-પ્રયોજનનો પણ સમાવેશ કારણમાં કર્યો છે. એરિસ્ટોટલની સાથે જ ગ્રીસનો જવલંત દાર્શનિક યુગનો લગભગ અંત આવી ગયો. પછી યુદ્ધો અને રાજકીય ઉથલપાથલના ધુમ્મસમાં જાણે કે દર્શનપ્રવાહ અટવાઈ ગયો. ગ્રીસ પર રોમનોનું જડબેસલાક શિસ્તનું આધિપત્ય લાંબાકાળ સુધી રહ્યું. પછી ઇસુનું આગમન અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને વળી પાછા યુદ્ધો એમ ઇતિહાસના આટાપાટા ચાલ્યા કર્યા. રાજયો અને દેશોની સરહદોમાં પણ ફેરફાર થયો. મધ્યકાળમાં ધર્મ કેન્દ્રમાં આવ્યો. રાજનીતિ અને ધર્મનીતિ વચ્ચે ઘોર સંઘર્ષ થયો. અંતે ધર્મસુધારણા, ઔદ્યોગિક ક્રાંતિ અને પછી નવજાગરણ (રેનેસાં)નો સમય આવ્યો. બીજી બાજુ વિજ્ઞાન પણ સ્વતંત્ર રીતે વિકસવા લાગ્યું. એની કેટલીક શોધોએ અનેક પ્રચલિત રૂઢ ધારણાઓને બદલી નાખી, કોપનીકસ, ગેલીલીઓ અને ન્યુટનના સંશોધનોએ એક નવી જ ક્રાંતિકારી સ્થિતિનું નિર્માણ કર્યું. અને એ સાથે યુરોપમાં દર્શનને સંજીવની પ્રાપ્ત થઈ. હવે રૂઢિના સ્થાને વિવેક, બુદ્ધિ, સંવેદન, અનુભૂતિથી મંડિત સત્યની શોધના નૂતન ઉન્મેષનો પ્રારંભ થયો. આ નૂતન યુગમાં થએલા દાર્શનિકોમાં બે નામ પ્રબળતાથી ઉપસી આવે છે. ડેકાર્ટ અને સ્પિનોઝા.