________________ પરિશિષ્ટ પાશ્ચાત્ય દર્શનમાં પરિણમન-વિચાર સૃષ્ટિની રચના, જીવનનો મર્મ અને સત્પના સ્વરૂપ અંગેના કેટલાક મૂળભૂત પ્રશ્નો તો માણસ સમજણ આપી ત્યારથી કરતો જ રહ્યો છે અને એમ એનો દર્શનના ક્ષેત્રમાં પ્રવેશ બહુ પહેલાથી જ થઈ ગયો છે. છતાં પણ પ્રાકૃતિક તત્ત્વો અને ઘટનાઓના ખુલાસા માટે પુરાકથાઓ અને દેવતાકેન્દ્રી માન્યતાઓમાંથી મુક્ત થઈ બુદ્ધિથી જયારે આ પ્રશ્નોને તપાસવાનો ઉપક્રમ આરંભાયો ત્યારથી જ “દર્શન' એક શાસ્ત્ર બનવા લાગ્યું હશે. પશ્ચિમના દેશોમાં આ પ્રવૃત્તિ સોક્રેટીસની પૂર્વે ઘણી વહેલાં શરૂ થઈ હતી. એ સમયના કેટલાએક વિચારકોએ કરલો ચિંતનના કેટલાક અંશો ઉપલબ્ધ છે. ત્યાંથી શરૂ કરીએ - તેઓ નિસર્ગવાદી ચિંતકો કહેવાય છે. એશિયા માઇનોર તટ પ્રદેશના ગ્રીક નગરોમાં એક સમયે મિલિટસ નામનું એક નગર સુસમૃદ્ધ હતું. આ નગરમાં કેટલાએક દાર્શનિકો ઇસુની પૂર્વે લગભગ સાતમી સદીમાં થઈ ગયા. નગરના નામ પરથી એમને માયલિશિઅન તત્ત્વત્તાઓ કહેવામાં આવે છે. તેમાં પ્રથમ આવે છે થેલીઝ (ઇ.સ. પૂ. 624-546). વિશ્વમાં ભલે અનેક પદાર્થો હોય, પણ તે સહુનું મૂળભૂત તત્ત્વ કર્યું છે.' આ પ્રશ્નના ઉત્તરમાં થેલીઝ કહે છે કે “પાણી’ એ જ મૂળ તત્ત્વ છે અને તેમાંથી જ વિવિધ રીતે પરિણમન પામી અન્ય પદાર્થો બને છે. આમ માનવા પાછળ થેલીઝ પાસે કયા કારણો હતા તે જાણી શકાતું નથી પણ તેમાં સૃષ્ટિના મૂળમાં રહેલી એકતા તરફ તેણે સહુ પ્રથમ ધ્યાન દોર્યું તે મહત્ત્વનું છે. થેલીઝના લગભગ સમકાલીન એવા એનેફઝીમેન્ડરે (ઇ.સ. પૂ. 611-546) થેલીઝના મતનો અસ્વીકાર કર્યો. એનેઝીમેન્ડર માને છે કે આવું વિરાટ અને વૈવિધ્યસભર વિશ્વ માત્ર “જળ'માંથી જ ઉત્પન્ન થાય તેમ સ્વીકારી શકાય નહીં. જળ પણ અન્ય પદાર્થોની જેમ એક પદાર્થ જ છે. વળી જગતના આ પદાર્થો ઉત્પન્ન થાય