________________ મધુપર્ક સ્વામી વિવેકાનંદે ઉચિત જ કહ્યું છે કે “ભારતીય દર્શન અસત્યમાંથી સત્ય તરફ નહીં, પરંતુ અપર સત્ય (Lower Truth) માંથી પરમ સત્ય (Higher Truth) તરફ ગતિ કરે છે.” આપણે સાંખ્ય, ન્યાય-વૈશેષિક, બૌદ્ધ, જૈન અને કેવલાદ્વૈત - એ દર્શનોમાં સત્યને શોધવાના સન્નિષ્ઠ પ્રયાસોનો યથાશક્ય પરિચય કર્યો. પ્રત્યેક દર્શનનો પોતાની આગવી પદ્ધતિ અને પોતાનો આગવો અભિગમ છે. એ કારણે દૃષ્ટિભેદ જણાવા છતાં પણ તે તે દર્શન કોઈનો કોઈ સત્યાંશને પ્રગટ કરે છે. અહીં માત્ર પરિણમન અને કાર્યકારણના સંદર્ભ જ મુખ્યત્વે વિચારણાનો ઉપક્રમ હોવાથી આ દર્શનના સમગ્ર વિચારક્ષેત્રને આવરી શકાયું નથી, તો પણ આવશ્યક એવા અન્ય મુદ્દાઓનો આછેરો સ્પર્શ કરી શકાયો છે. ઉદાર ચિત્તવાળા સહૃદયી વિદ્વાનો આ પ્રસ્તુતિમાં રહેલી ક્ષતિપૂર્તિ કરવા સક્ષમ છે, તેવી શ્રદ્ધા છે. ઉપર્યુક્ત દર્શનોના અભ્યાસમાંથી કેટલીક સર્વ સામાન્ય વિશેષતાઓ ઉપસી આવે છે. જે આ પ્રમાણે ગણી શકાય. 1. આ દર્શનો એમની વિચારણાનો આરંભ જગતની વાસ્તવિક સ્થિતિના સ્વીકાર સાથે કરે છે. તેના સ્વરૂપ, વૈવિધ્ય, પરિણમન અને તેમાંથી ફલિત કાર્યકારણની સ્પષ્ટતા આપે છે. 2. તે માટે તેઓ કેટલાક તત્ત્વોને સ્વીકાર કરી તેમના પારસ્પારિક સંબંધોને તપાસે છે. 3. એમની પદ્ધતિ અને મથામણ પ્રધાનપણે બુદ્ધિ કે તર્ક વડે કરે છે. પરંતુ તર્કની પણ એક સીમા છે, તે પણ તેઓ જાણે છે. એટલે જરૂર પડે ત્યારે તેમને માન્ય અને શ્રદ્ધેય એવા આગમના પ્રમાણની પણ તેઓ સહાય લે છે.