________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ આમાં અપવાદ એ છે કે પછીના સમયના આચાર્યો સ્વપક્ષ સ્થાપનાના અભિનિવેશથી પરપક્ષ ખંડન કરવાના ઉત્સાહમાં તર્કને વિશેષ પ્રમાણમાં ખેંચી જઈ શબ્દજાળ ઉભી કરી દે છે, જે આપણને ગળે ઉતારવી કઠિન થઈ પડે છે. એ તો ઠીક, પણ ક્યારેક તેઓ પોતે પણ વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. તર્ક અને કેવળ તર્ક પર જ આધાર રાખવાથી આવી સ્થિતિ આવી પડે તે સ્વાભાવિક જ છે. બર્ટાન્ડ રસેલે ક્યાંક લખ્યું છે કે “આવો ફિલોસોફર અંતે અસંગતિ (એબ્સર્ડટિ)માં પહોંચી જાય છે.” રસેલ બર્કલેનો મત રજૂ કરે છે. તે આ પ્રમાણે છે - “સામાન્ય રીતે વિચારતા જગતમાં અનેક વસ્તુઓ આપણને દેખાય છે અથવા પ્રતીત થાય છે. તેનું કારણ પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મો (ગુણધર્મો અથવા ગુણો રહેલાં છે, તે લાગે છે. જેમકે આપણે એક ટેબલ જોયું. પણ જોયું એટલે શું? ખરેખર તો આપણે રૂપ, લંબાઈ, જાડાઈ, પહોળાઈ (પરિમાણ) વગેરે જોયા, એટલે કે કેટલાક ગુણો અમુક રીતે જોયા (?) અને એના સંયુક્ત પરિણામ રૂપે આપણને “ટેબલ' એવી એક નિશ્ચિત વસ્તુનો ખ્યાલ બંધાયો. આનો અર્થ તો એ થયો કે માત્ર ગુણો જ છે, દ્રવ્ય જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે જ નહિ. પણ મુશ્કેલી એ છે કે કોઈપણ ગુણને સ્વતંત્ર રીતે આપણે અનુભવી શકતા નથી. “રૂપને કેવળ “રૂપ' તરીકે આપણે જોઈ શકતા નથી, તે કોઈકનું રૂપ હોય ત્યારે જ તે દેખાય અને આ “કોઈક' શું છે? એ જ કે જેમાં રૂપ હોય છે. આ તો વિરોધાભાસ થયો. પરિણામે આપણે ખરેખર એક આભાસનું જ ગ્રહણ કરીએ છીએ.” (જુઓ : Some Problems of Philosophy - Ch.1) એટલે પ્રત્યેક દર્શન તર્ક ઉપરાંત અનુભવને પણ સ્થાન આપે છે. તાર્કિક વિશ્લેષણ ભલે ગમે તેટલું કરો, પણ છેવટે તો વ્યવહાર કે અનુભવ જ બળવાન છે - એવો ન્યાય-વૈશેષિકોનો તો પ્રચલિત મત છે જ. 6. તો વિજ્ઞાનવાદ અને કેવલાદ્વૈત જેવા દર્શનોમાં, તર્ક અને અનુભવ ઉપરાંત આંતર-પ્રેરણા (ઈન્ટીયુશન)ને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અનુભવ પણ ક્યારેક સાચો ન હોય. ધ્યાન અને નિદિધ્યાસનથી થતી આંતરપ્રેરણા દ્વારા સત્યનો પ્રકાશ થાય છે. 7. આમ તર્ક, અનુભવ અને આંતરપ્રેરણા એ સર્વનો વિવેકપૂર્ણ ઉપયોગ સત્યની દિશામાં દોરી જાય છે.