________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 51 પૂરતા પણ ગુણો દ્રવ્યના અભાવમાં પણ રહી શકે છે, એવી વિચિત્ર સ્થિતિનો પણ તેમને સ્વીકાર કરવો પડ્યો છે. જૈનદર્શન આ બન્નેથી થોડું અલગ પડી દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદભેદનો સ્વીકાર કરે છે. ગુણો દ્રવ્યાશ્રિત છે, એટલું જ નહિ પણ દ્રવ્યના અભાવમાં ગુણોનો પણ અભાવ હોય છે. એટલા અંશે ગુણો અને દ્રવ્યો વચ્ચે અભેદ છે, પણ દ્રવ્ય પરિણમનશીલ હોઈ ગુણો પણ પરિવર્તનશીલ છે. તેથી તેમના અવસ્થાન્તરો થતા હોય છે. તેના કારણે દ્રવ્યમાં ગુણો પરિવર્તન પામતા હોઈ તેટલા અંશે તેમનો ભેદ પણ છે. આમ પ્રયોજન, પરિણમન અને વિવેક્ષા ભેદ દ્રવ્ય ગુણ વચ્ચે ભેદભેદ છે. એ અનૈકાન્તિક દૃષ્ટિએ અન્ય દર્શનોના એકાન્તિક મતનો પરિહાર અને સમન્વય સધાય છે. જૈન ધર્મ અને દર્શનના સ્વીકૃત તત્ત્વો અને એમની વિશિષ્ટતાઓનો આટલો પરિચય પણ એમ સ્પષ્ટ સૂચવે છે કે જડ-ચેતનમય સકલ વિશ્વમાં અનેકવિધ પદાર્થો પોતપોતાની લાક્ષણિકતા જાળવીને પણ સતત પરિણમન પામતા રહે છે. કાર્ય-કારણ રૂપે આ પરિણમન સૃષ્ટિની સર્જન પ્રણાલિને એક પ્રકારનું સંતુલન બક્ષે તેવા પ્રકારનું છે. તેથી તેમાં પ્રાથમિક રીતે વિરોધી લાગતા મતો અનુભવ અને વૈશ્વિક સત્તાના અનુબંધમાં ખંડદર્શનમાંથી મુક્ત થઈ એક અખંડ સંપૂર્ણ ચિત્રમાં જઈ ઠરે છે. સકલ અસ્તિત્વ કે સત્તાનું આમ અખિલાઈપૂર્વક આકલન એ જૈનદર્શનની મહત્ત્વની ભેટ છે. આ સત્તા કે સતનું સ્વરૂપ અને તેનું આંતર સત્ત્વ ઉમાસ્વાતિ એમના તત્ત્વાર્થસૂત્રમાં આમ પ્રસ્તુત કરે છે - उत्पादव्ययध्रौव्ययुक्तं सत् / 5-29 જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત છે અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય. છે. સત્ સ્વરૂપને વ્યાપક રૂપે નિદર્શિત કરતું આ અતિપ્રસિદ્ધ સૂત્ર જૈનદર્શનમાં પ્રસ્થાપિત પરિણામવાદ કે કાર્ય-કારણવાદના મર્મને સમજવામાં ચાવીરૂપ છે. પં. સુખલાલજી આ સૂત્રની સમજૂતી આપતા લખે છે કે “સના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે.” કોઈ દર્શન (વેદાન્ત-ઔપનિષદ્ શાંકરમત) સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ ધ્રુવ (નિત્ય) જ માને છે. કોઈ દર્શન બૌદ્ધ સત્ પદાર્થને નિરન્વય ક્ષણિક (માત્ર ઉત્પાદ વિનાશશીલ) માને છે. કોઈ દર્શન (સાંખ્ય) ચેતનતત્ત્વ રૂપ સને તો કેવળ ધ્રુવ (કુટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્ત્વરૂપ અને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શન (ન્યાય-વૈશેષિક) અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાક સત્ તત્ત્વોને ફૂટસ્થ નિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાંક સને માત્ર ઉત્પાદ વ્યયશીલ (અનિત્ય) માને છે, પરંતુ જૈનદર્શનનું સન્ના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતોથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે.