________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ - 55 વિરોધ નથી. પણ આત્મા વિભુ છે, તે ન્યાયમત સાથે જૈન મત સંમત નથી. જૈનો તેને મધ્યમ પરિમાણવાળો માને છે. વળી ન્યાય મતમાં અણુ, આકાશ, કાળ, આત્મા વગેરેને નિત્ય અને અપરિણામી માન્યા છે, તેનાથી વિપરીત જૈનદર્શનમાં સર્વ પદાર્થોને પરિણામી માનવામાં આવ્યા છે. ઉપનિષદ વગેરે વેદાન્તમાં બ્રહ્મ જ એકમાત્ર તત્ત્વ છે અને તેમાંથી સૃષ્ટિ સર્જન આવિર્ભાવ પામ્યું છે, એમ સર્જન પ્રક્રિયામાં રહેલું પરિણમન જૈનોને માન્ય છે. પણ એક જ ચેતન તત્ત્વ છે, તે મત તેમને માન્ય નથી. વળી વેદાન્તમાં શંકરાચાર્યે પુરસ્કારેલો વિવર્તવાદ જૈનોને કદાપિ માન્ય નથી. જગત વાસ્તવિક રીતે બ્રહ્મનું પરિણમન નહીં, પણ કેવળ તેનો વિવર્તકે આભાસ છે, તે મતનો જૈનમત સંપૂર્ણ વિરોધ કરે છે. તેમની દૃષ્ટિએ જગત અને તેના પદાર્થોની વાસ્તવિક સત્તા છે જ. જ્યાં ભ્રમ કે આભાસ લાગે છે, તે દૃષ્ટિભેદ, દૃષ્ટિદોષ કે અજ્ઞાન વગેરેથી લાગે છે. આ જ રીતે બૌદ્ધોના ક્ષણિકવાદનું પણ જૈનો જોરદાર ખંડન કરે છે. સાપેક્ષ અનિત્યતા જૈનોને સ્વીકાર્ય છે, પણ નિતાન્ત અનિત્યતા અને તે પણ ક્ષણિકતા તેમને સ્વીકાર્ય નથી જ. બૌદ્ધોના ક્ષણિકવાદના ખંડનમાં જૈનોને તૈયાયિકોનું પણ સમર્થન છે. એ ખંડન આ પ્રમાણે છે :- યત્ સત્ તત્ ક્ષણિકમ્ - જે સત્ છે તે ક્ષણિક છે - બૌદ્ધોનો આ સિદ્ધાન્ત છે. હવે અહીં ક્ષણિક એટલે નૈયાયિકોની જેમ “થોડી ક્ષણો માટે રહેનાર” એવો અભિપ્રેત હોય તો તે સ્વીકારવામાં જૈનોને અમુક અંશે વાંધો નથી. પણ બૌદ્ધોને એ અર્થ અભિપ્રેત નથી. તેમના મતે તો ક્ષણ એટલે એક જ ક્ષણ. એક નિમિષ (આંખનું મટકું મારવું) તેનો ચોથો ભાગ તે ક્ષણ - એટલે કે એક સેકંડનો પણ સૂક્ષ્મ અંશ. આવા સૂક્ષ્મ સમયનું આકલન શક્ય નથી. એટલે જૈનો આવા પ્રકારના ક્ષણિકવાદને માન્યતા આપતા નથી. ક્ષણિકવાદના વિરોધમાં ઘણી દલીલો થઈ શકે છે, તેમાંની કેટલીક આ પ્રમાણે છે - (1) તમારી ક્ષણિકતાની કલ્પના એટલી બધી સૂક્ષ્મ છે કે તેનાથી પૂર્વાપર - આ પહેલાં અને આ પછી એવો સંબન્ધ જ પ્રાપ્ત નહીં થાય. સામાન્ય સમજણ તો એવી છે કે જે કર્મ કરે, તેને તેનું ફળ મળે. પણ અહીં તો આવા કોઈ સ્થાયી પદાર્થને અવકાશ જ નથી. પૂર્વેક્ષણે કર્મ કર્યું અને એનો સદ્ય નાશ થઈ ગયો. તેથી ફળ ઉત્તર ક્ષણના પદાર્થને ભોગવવાનું આવે. આમ અહીં બે દોષ આવશે. કૃતકર્મનાશ અને અકૃતકર્મભોગ. એટલે કે જે કરે તે ભોગવે નહિ અને જે ભોગવે તેણે તો તે કર્મ કર્યું જ નથી.