________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ પ૩ આમ કુંદકુંદાચાર્ય સત્ અને પરિણમન વચ્ચેનો સંબંધ કે તેમનું તાદાભ્ય પણ સિદ્ધ કરી જૈન પરિણામવાદને સુદઢ આધાર આપે છે. સાથે સાથે તેઓ કાળ, પુદ્ગલ અને જીવમાં પણ આ જ સિદ્ધાંતના આધારે પરિણામ સિદ્ધ કરે છે. અહીં સંક્ષેપમાં જીવ-આત્માના પરિણામના સંદર્ભમાં એમણે કરેલું નિરૂપણ જોઈએ. જૈન મત પ્રમાણે પાંચ (કે છે) દ્રવ્યો પરસ્પરથી ભિન્ન સ્વરૂપવાળા છે. તે અનુસાર જીવ અને પુદ્ગલ એ બંને તત્ત્વો પણ પોતપોતાના સ્વરૂપને લીધે એકબીજાથી ભિન્ન છે, તેથી એ બન્ને વચ્ચે શી રીતે સંકલન સાધી શકાય તેવો પ્રશ્ન થાય, પરંતુ કુંદકુંદાચાર્ય જૈન મતને અનુસરી કહે છે કે એ બન્ને વચ્ચે કર્મના કારણે આદાન-પ્રદાન શક્ય બને છે. જીવ ચેતના અને ઉપયોગયુક્ત છે (નીવ: પુનરોતનોપયોગમ: I) જ્ઞાન, કર્મ અને કર્મફળના માધ્યમથી આ ચેતનાનું પરિણમન થાય છે. જ્ઞાન એટલે તત્ત્વોનું આકલન. એ આકલન પછી આત્મા જયારે પ્રવૃત્ત થાય છે, ત્યારે તે કર્મ કહેવાય છે અને કર્મનું સુખ-દુઃખાદિ ફળ હોય છે. આમ એ રીતે આત્મા પરિણામી અને કર્મ તથા ફળ પરિણમન છે અને તેમ એમનો અભેદ છે. આત્મામાં ચેતના હંમેશા જ્ઞાન, કર્મ અને ફળ સાથે જ હોય છે. આ ત્રણેય મુક્ત આત્મા અને બદ્ધ આત્મા એ બંનેમાં હોય છે. જોકે એ બન્ને અવસ્થાઓમાં રહેલા એ ત્રણેયના સ્વરૂપ કંઈક જુદા હોય છે. જૈન મત પ્રમાણે કર્મ એક પ્રકારનો મૂર્ત પુદ્ગલ છે. તે કર્મનો પ્રવાહ આત્મામાં અનુપ્રવેશ કરે છે. આત્મામાં રાગ, દ્વેષ, મોહાદિ માનસિક ભાવરૂપી કર્મોનો અનુપ્રવેશ થતાં તે બંધન પામે છે. આત્મા પોતે જ આ બંધનને કર્તા હોય છે, પણ તેના વિપરીત વિચારના કારણે પુદ્ગલો આ પ્રકારણના પરિણામને પામે છે. અહીં પુગલ પરિણમનમાં આત્મા સહકારી કારણ બને છે. એ જ રીતે પુગલો પણ પોતાના પરિણામોના કારણ છે. પણ આત્મામાં રાગાદિ ઉત્પન્ન કરવામાં તેઓ સહકારી કારણોનો ભાગ ભજવે છે. આમ આત્મા અને પુગલ વચ્ચે પારસ્પારિક અનુબંધ રચાય છે. આત્મા જ્યારે કર્મોના સંવર અને નિર્જરા દ્વારા યોગ્ય દિશામાં પરિણામ પામે છે અને રાગાદિનો નાશ થાય છે, ત્યારે કર્મપ્રવાહ આત્માના નિજસ્વરૂપને અનુકૂળ બનતાં તે બંધન મુક્ત થઈ મોક્ષ પામે છે. આમ છતાં મોક્ષાવસ્થામાં પણ આત્મા નિષ્ક્રિય નથી હોતો પણ તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત સુખરૂપે સજાતીય પરિણામ પામતો રહે છે. કુંદકુંદાચાર્ય પછીના તર્કપ્રધાન યુગના આચાર્યોએ દ્રવ્યના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ