________________ 60 ભારતીય દર્શનોમાં પરિણામવાદ - સત્ય તો કેવળ માટી જ છે, એમ જગતના વિવિધ પદાર્થો પણ એક જ તત્ત્વ-બ્રહ્મના નામથી જ જ્ઞાત વિકારો છે. આમ અહીં એક જ તત્ત્વનો અંતિમ તત્ત્વ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે અને જગતના તત્ત્વોનો તેનાથી સ્વતંત્ર રૂપે સ્વીકાર કરવામાં નથી આવ્યો એમ કહી શકાય. બીજી રીતે કહીએ તો બ્રહ્મ આ પદાર્થોનું કારણ છે, પણ તેમાંથી કે તેમાં આવિભૂત પદાર્થો તત્ત્વતઃ તેનાથી ભિન્ન નથી. આમ એક જુદા અભિગમ કે પ્રકારથી અહીં સત્કાર્યવાદ છે, એમ કહી શકાય. પરંતુ પ્રમાણમાં ઘણા અર્વાચીન કેટલાક ઉપનિષદોમાં જગતના પદાર્થોની આટલી પણ વાસ્તવિકતાનો નિષેધ કરી તેમને મિથ્યા, આભાસ કે વિવાર્તા માનવામાં આવ્યા છે. સંભવ છે કે તેમના પર બૌદ્ધોના વિજ્ઞાનવાદ કે શૂન્યવાદનો પ્રભાવ પડ્યો હોય. બ્રહ્મસૂત્રઃ ઉપનિષદોની આમ અત્રતત્ર વહેતી વિચારધારાને દાર્શનિક રીતે સુવ્યવસ્થિતરૂપે ગૂથવાનો પ્રયાસ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવ્યો. સંભવ છે કે એકથી વધારે આચાર્યોએ બ્રહ્મસૂત્રો રચ્યા હોય. પણ આપણી પાસે તો હાલ માત્ર બાદરાયણ વ્યાસ કૃત બ્રહ્મસૂત્ર ઉપલબ્ધ છે અને તેના પરનું શંકરાચાર્યે લખેલું ભાષ્ય સુપ્રસિદ્ધ છે. આ બ્રહ્મસૂત્રમાં પણ એકબાજુથી જગતના તત્ત્વોની વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો અન્યત્ર જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું મૂળ કારણ એકમાત્ર બ્રહ્મ છે, એમ પણ કહેવામાં આવ્યું છે.* બ્રહ્મસૂત્ર કહે છે કે બ્રહ્મ એ જગતનું (ઉપાદાન અને નિમિત્ત) કારણ છે. પૂર્વપક્ષના એક આક્ષેપનું ખંડન કરતા તે જણાવે છે કે સ્વપ્રસૃષ્ટિ એ તો માત્ર ભ્રાન્તિ છે. કેવળ માયા છે. જેના કારણે બ્રહ્મ પૂર્ણરૂપે અભિવ્યક્ત થતું નથી. અહીં માયા શબ્દનો પ્રયોગ થયો છે. પણ સંદર્ભ પ્રમાણે તે સ્વપ્રની સૃષ્ટિને લાગુ પડે છે. પછીથી ભાષ્યકારો અને ટીકાકારોએ અને જાગ્રતાવસ્થામાં પ્રતીત સૃષ્ટિના સંદર્ભમાં પણ પ્રયોજ્યો હશે, એમ કલ્પી શકાય. કારણ-કાર્ય કે પરિણામની દૃષ્ટિએ વિચારતા એમ લાગે છે કે બ્રહ્મસૂત્ર અંશતઃ સત્કાર્યવાદથી સૃષ્ટિ-ઉત્પાદન ક્રિયાને રજૂ કરે છે. બ્રહ્મથી અતિરિક્ત જગત કેવળ આભાસ કે વિવર્ત છે, એ સિદ્ધાન્તનો વિકાસ પછીથી કેવલાદ્વૈત વેદાન્તમાં થયો હશે અને તેનું પ્રબલ પ્રતિપાદન ગૌડપાદે માંડુક્ય ઉપનિષદને આધાર બનાવીને રચેલી કારિકાઓ (ગૌડપાદ કારિકા) માં જોવા મળે છે.