________________ (5) કેવલાદ્વૈત વેદાન્તદર્શન વેદ-ઉપનિષદ: આપણે સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિ-બૌદ્ધ તથા જૈનદર્શનોના સિદ્ધાન્તોનો કાર્યકારણ અને પરિણમનની દષ્ટિએ પરિચય કર્યો. અન્ય કેટલીક બાબતોમાં ભિન્નતા હોવા છતાં સામાન્ય રીતે આ દર્શનો વૈતવાદી દર્શનો છે. સાંખ્ય મુખ્યત્વે બે તત્ત્વો સ્વીકારે છે તો ન્યાય, બૌદ્ધ અને જૈન તેથી અધિક તત્ત્વો સ્વીકારે છે. આમ બૌદ્ધોનો વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ અપવાદ ગણી શકાય. વિજ્ઞાનવાદ માત્ર વિજ્ઞાનને જ યથાર્થ માની પદાર્થોને વિજ્ઞાન સર્જિત-માનસિક માને છે તો શૂન્યવાદ તેનો પણ અસ્વીકાર કરે છે. કેવલાદ્વૈત વેદાન્તની વિચારધારામાં કેટલાક અંશે આ વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની અસર જણાય છે, એમ કેટલાક વિદ્વાનો માને છે. આપણે પૂર્વે જોયું તેમ વેદમાં સૃષ્ટિસર્જન અંગે છૂટા-છવાયા ઉલ્લેખો પ્રસરેલા છે, તો કેટલાક સૂક્તો કે કેટલીક ઋચાઓમાં, વિશ્વની વિવિધતા અને પદાર્થોની ઉત્પત્તિના મૂળમાં વિભિન્ન નામોથી ઓળખાતું કોઈ એક જ તત્ત્વ છે, એવો પણ અણસાર આપવામાં આવ્યો છે. (જેમકે , સત્ વિપ્ર વહુધા વન્તિ 2-264-46) ઉપનિષદોમાં જળ, તેજ, પૃથ્વી વગેરે તત્ત્વો અને તેમની ઉત્પત્તિ વિષે વિવિધ મતો જોવા મળે છે, તો પણ સરવાળે તેમનો અભિગમ કોઈ એક જ તત્ત્વ કે પરમસતું - બ્રહ્મ જ છે, એમ પ્રતિપાદિત કરવાનો રહ્યો છે.' પરંતુ આનાથી એવું સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી કે આ જગત કેવળ દેખાવ કે આભાસિત છે, એવો ઉપનિષદોનો સિદ્ધાંત છે. આમ છતાં ઉપનિષદમાં એવા પણ ઉલ્લેખો જોવા મળે છે કે માત્ર બ્રહ્મ જ પરમાર્થ સત્ છે. નામ રૂપાત્મક જગત તો માત્ર વાણીનો જ વિકાર છે. જેમ માટીના એક પિંડથી માટીના વિવિધ પદાર્થો જ્ઞાત થાય છે અને તે (ઘટ વગેરે) બધા વિકારો માટીના નામમાત્રથી જ જ્ઞાત થતા વિકારો છે